<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

શું દુનિયા પર ફરી મંડરાઈ રહ્યો છે મહામારીનો ખતરો? હંટાવાયરસનો ક્રુઝ શિપ પર 'સાઇલેન્ટ એટેક': WHO એ 12 દેશો માટે જારી કરી હાઈ-એલર્ટ

આર્જેન્ટિનાથી રવાના થયેલા ડચ ક્રુઝ જહાજ MV હોન્ડિયસમાં રહસ્યમય રીતે ફેલાયેલા હંટાવાયરસે આખી દુનિયાના વૈજ્ઞાનિકોની ઊંઘ ઉડાવી દીધી છે: લાલ આંખ કરતા WHO એ જણાવ્યું કે આ વાયરસ જીવલેણ છે

નવી દિલ્હી : સમુદ્રની વચ્ચે લક્ઝરી ક્રુઝ MV હોન્ડિયસ પર જ્યારે મુસાફરો પ્રવાસનો આનંદ માણી રહ્યા હતા, ત્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે એક અદ્રશ્ય દુશ્મન તેમની વચ્ચે શિકાર શોધી રહ્યો છે. આર્જેન્ટિનાથી નીકળેલા આ જહાજ પર હંટાવાયરસના ત્રાટકવાથી અત્યાર સુધીમાં 3 લોકોના કરૂણ મોત થયા છે અને 5 કેસની પુષ્ટિ થઈ છે. WHO ના રિપોર્ટ મુજબ, આ વાયરસ સીધો ફેફસાં પર હુમલો કરે છે, જેના કારણે દર્દીને પહેલા સામાન્ય તાવ આવે છે અને જોતજોતામાં શ્વાસ લેવામાં તકલીફ પડતા સ્થિતિ ગંભીર બની જાય છે. આ ઘટના બાદ યુકે, યુએસ અને કેનેડા સહિત 12 દેશોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે, કારણ કે આ દેશોના નાગરિકો તે જહાજ પર સવાર હતા.

વૈજ્ઞાનિકો માટે સૌથી મોટો પડકાર એ છે કે હંટાવાયરસ સામાન્ય રીતે ઉંદરોના મળ-મૂત્ર કે લાળ દ્વારા ફેલાય છે, પરંતુ બંધ જગ્યા એટલે કે ક્રુઝ શિપ પર આટલી ઝડપથી લોકો સંક્રમિત થવા પાછળ કોઈ અન્ય કારણ તો નથી ને? જોકે, રાહતની વાત એ છે કે WHO ના ચીફે સ્પષ્ટ કર્યું છે કે હંટાવાયરસ એ કોરોનાવાયરસ જેવો નવો વાયરસ નથી અને તે હવામાં તેટલી ઝડપથી ફેલાતો નથી. તેમ છતાં, તેની ઘાતકતા કોરોના કરતા પણ વધુ હોઈ શકે છે, જે તેને અત્યંત જોખમી બનાવે છે. હાલમાં નિષ્ણાતોની એક ટીમ જહાજ પર પહોંચી ગઈ છે અને કેનેરી ટાપુઓ સુધી જહાજ પહોંચે ત્યાં સુધી તમામ મુસાફરોની તબીબી તપાસ કરવામાં આવશે.

અત્યારે આ વાયરસ કોઈ વૈશ્વિક રોગચાળો બને તેવી શક્યતા નહિવત્ છે, કારણ કે મોટાભાગના હંટાવાયરસ સ્ટ્રેન માણસથી માણસમાં સીધા ફેલાતા નથી. ડૉ. મારિયા અને WHO ના અન્ય નિષ્ણાતોના મતે, આ ચેપ 'એન્ડીસ વાયરસ' જેવો હોઈ શકે છે જે શારીરિક સંપર્કથી ફેલાય છે, પણ તે SARS-CoV-2 જેવો વાયુજન્ય નથી. ભારત સહિત અન્ય દેશો માટે હાલમાં કોઈ સીધો ખતરો નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરતા લોકોએ સ્વચ્છતા અને ઉંદરોથી અંતર જાળવવું અનિવાર્ય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા હાલમાં પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહી છે જેથી 2019 જેવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય.

(10:07 PM IST)