News of Tuesday, 15th September 2026
ભૂખ્યાનો બેલી બનશે ઇસ્કોન: ભિવંડીમાં દરરોજ ૧૫,૦૦૦ લોકોને મફત ભોજન પીરસવા આધુનિક 'મેગા કિચન'નો શિલાન્યાસ!
કોરોનાકાળમાં ૨૦૦ લોકોથી શરૂ થયેલી અન્ન સેવા હવે બૃહદ સ્વરૂપ ધારણ કરશે; માનસરોવર મંદિર પરિસરમાં ધાર્મિક વિધિઓ અને મહાનુભાવોની હાજરી વચ્ચે ભૂમિપૂજન સંપન્ન

ભિવંડી : અન્નદાન એ જ શ્રેષ્ઠ દાનના મંત્રને સાર્થક કરતા ઇસ્કોન (ISKCON) ભિવંડી દ્વારા એક અત્યંત પ્રશંસનીય અને માનવતાવાદી પહેલ હાથ ધરવામાં આવી છે. ગરીબ, બેઘર અને જરૂરિયાતમંદ લોકોને દરરોજ પૌષ્ટિક અને મફત ભોજન પૂરું પાડવા માટે માનસરોવર સ્થિત ઇસ્કોન મંદિર પરિસરમાં એક વિશાળ 'મેગા કિચન' (હાઇટેક રસોડા) સંકુલનો ગૌરવપૂર્ણ શિલાન્યાસ કરવામાં આવ્યો છે. શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે સંપન્ન થયેલા આ ભૂમિપૂજન સમારોહ બાદ હવે આધુનિક સાધનોથી સજ્જ રસોડું તૈયાર કરવામાં આવશે, જ્યાંથી દરરોજ ૧૫,૦૦૦ થી વધુ લોકોને તાજું અને મફત ભોજન પીરસવામાં આવશે.
આ ભવ્ય શિલાન્યાસ સમારોહમાં ઇસ્કોન ભિવંડી, હૈદરાબાદ અને સિરસિલ્લા મંદિરના પ્રમુખ સીતારામ પ્રભુજી, ભક્તિવેદાંત બુક ટ્રસ્ટના ષડભુજ ગૌર પ્રભુજી, ચૈતન્ય અવતાર પ્રભુજી, નરોત્તમ પ્રભુજી, સુદામા પ્રભુજી સહિતના વરિષ્ઠ સંતો-મહંતો અને અગ્રણી કોર્પોરેટરો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના વહીવટકર્તાઓએ જણાવ્યું કે ૨૦૨૦માં કોવિડ-૧૯ મહામારીની વિકટ પરિસ્થિતિ દરમિયાન સ્થળાંતરિત મજૂરો અને બેઘર લોકો માટે આ ભોજન સેવા માત્ર ૨૦૦ લોકોથી શરૂ કરવામાં આવી હતી, જે આજે વિસ્તરીને દરરોજ ૧,૫૦૦ લોકો સુધી પહોંચી છે.
હવે આ નવા મેગા કિચન પ્રોજેક્ટના અમલીકરણથી ભિવંડી તથા તેની આસપાસના ઔદ્યોગિક અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા દૈનિક વેતન મેળવતા મજૂરો, ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ, ગર્ભવતી મહિલાઓ, શ્રમિક વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરિકો સુધી ભોજન સેવા વ્યાપક ધોરણે પહોંચાડી શકાશે. અન્ન સેવા પ્રકલ્પને સુવ્યવસ્થિત અને વિસ્તૃત રૂપ આપવા માટે આ મેગા કિચન એક આશીર્વાદરૂપ સાબિત થશે.
(5:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
