<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

ઈસ્‍લામમાં મહિલાઓને નમાઝ માટે મસ્‍જિદમાં આવવા પર પ્રતિબંધ નથી

મુસ્‍લિમ બોર્ડે સુપ્રીમમાં રજૂઆત કરી

નવી દિલ્‍હી,તા.૨૪: ઓલ ઈન્‍ડિયા મુસ્‍લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ ગુરુવારે સુપ્રીમ કોર્ટને જણાવ્‍યું હતું કે ઈસ્‍લામ મહિલાઓને નમાઝ માટે મસ્‍જિદમાં આવતા અટકાવતું નથી, પરંતુ તેઓ ઘરે રહીને નમાઝ અદા કરે તે વધુ યોગ્‍ય છે. આ સાથે જ બોર્ડે અદાલતોને વિનંતી કરી હતી કે તેઓ ધાર્મિક વિધિઓ અને પ્રથાઓ પર ન્‍યાયિક નિર્ણય ન લે.

મુખ્‍ય ન્‍યાયાધીશ સૂર્યકાંતના નેતૃત્‍વ હેઠળની નવ ન્‍યાયાધીશોની બંધારણીય બેંચ સમક્ષ AIMPLB વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એમ.આર. શમશાદે જણાવ્‍યું હતું કે, મહિલાઓને અમુક શિસ્‍તના નિયમોને આધીન મસ્‍જિદમાં નમાઝ પઢવાની છૂટ છે. તેમણે રજૂઆત કરી હતી કે, મસ્‍જિદોમાં મહિલાઓને નમાઝ પઢવાની મંજૂરી આપવાની માંગ કરતી રિટ પિટિશન દાખલ કરવામાં આવી હોવાથી આ મુદ્દો બેંચ સમક્ષ આવ્‍યો છે.

શમશાદે કહ્યું કે ‘‘અમે એફિડેવિટ (સોગંદનામું) દાખલ કરીને જણાવ્‍યું છે કે ઈસ્‍લામના તમામ ફિરકાઓ હેઠળ, મહિલાઓને મસ્‍જિદમાં પ્રવેશવા અને નમાઝ અદા કરવાની છૂટ છે, જે ચોક્કસ શિસ્‍તને આધીન છે. તેમના પર ક્‍યાંય કોઈ પ્રતિબંધ નથી.'' AIMPLB ના વકીલે જણાવ્‍યું હતું કે મહિલાઓ ઘરે નમાઝ અદા કરે તે વધુ સારું છે અને તેમને મસ્‍જિદમાં નમાઝ અદા કરતા પુરુષો જેટલું જ ધાર્મિક પુણ્‍ય (સવાબ) મળશે.

(10:02 AM IST)