<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

ઇઝરાયેલે લેબનોન પર ભીષણ હુમલા ચાલુ રાખતા ઇરાને વ્યૂહાત્મક રીતે મહત્વની હોર્મુઝની સમુદ્રધુની (Strait of Hormuz) ફરી બંધ કરી : વૈશ્વિક સ્તરે ઇંધણ સંકટ ઘેરાવાની આશંકા

અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધ વિરામના કરાર પર હસ્તાક્ષર થયાના બે જ દિવસમાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા દરિયાઈ માર્ગ રોકી તમામ જહાજોને હુમલો કરવાની કડક ચેતવણી અપાઈ

તેહરાન:ઇઝરાયેલ દ્વારા દક્ષિણ લેબનોન પર કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલા અને લેબનોનમાંથી સૈન્ય પાછું ખેંચવાના ઇઝરાયેલના ઇનકાર બાદ મધ્ય-પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. આ સ્થિતિ વચ્ચે ઇરાનની નૌકાસેનાએ વૈશ્વિક ઊર્જા કોરિડોર ગણાતી અને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવી 'હોર્મુઝની સમુદ્રધુની' (Strait of Hormuz) ને ફરી એકવાર સદ્દંતર બંધ કરી દેવાની જાહેરાત કરી છે. ઇરાનના સૈન્ય સંગઠન ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા દરિયાઈ રેડિયો ચેનલો પર સત્તાવાર નિવેદન જાહેર કરીને તમામ વ્યાપારી અને અન્ય જહાજોને આ વિસ્તારથી દૂર રહેવા કડક તાકીદ કરવામાં આવી છે, તેમજ આદેશનું ઉલ્લંઘન કરનાર કોઈપણ જહાજને નિશાન બનાવવાની ખુલ્લી ધમકી આપી છે.

 

 કરારના ભંગ બદલ ઇરાને અમેરિકા પર લગાવ્યો આરોપ:

આ હિલચાલ બુધવારે જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે યુદ્ધનો અંત લાવવા માટે ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી હસ્તાક્ષર કરાયેલા સમજૂતી પત્ર (MoU) ના બે જ દિવસ બાદ સામે આવી છે. આઈઆરજીસી (IRGC) એ અમેરિકા પર આ કરારની શરતોનું ઉલ્લંઘન કરવાનો સીધો આક્ષેપ કર્યો છે. ઇરાની સૈન્યના જણાવ્યા અનુસાર, લેબનોનમાંથી ઇઝરાયેલી સૈન્યની સંપૂર્ણ પીછેહઠ, દરિયાઈ નાકાબંધી હટાવવી અને પર્સિયન ગલ્ફ તથા આસપાસના વિસ્તારમાંથી અમેરિકાના આતંકવાદી દળોને પાછા ખેંચવા એ આ સમજૂતીની મુખ્ય શરતો હતી. જ્યાં સુધી આ શરતો પૂરી નહીં થાય ત્યાં સુધી હોર્મુઝની સમુદ્રધુની તમામ જહાજો માટે સંપૂર્ણપણે બંધ રહેશે.

 

 લેબનોનમાં ઇઝરાયેલી હુમલા તેજ, નેતાઓના આકરા પ્રહારો:

દરમિયાન, દક્ષિણ લેબનોનમાં ૧૧ શહેરો પર ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા ભારે હવાઈ હુમલામાં ૧૮ લોકોના મોત થયા છે અને ૩૩ થી વધુ લોકો ઘાયલ થયા છે. વેસ્ટ એશિયામાં યુદ્ધ રોકવા માટે થયેલા અમેરિકા-ઇરાન કરાર બાદ આ સૌથી ભીષણ હિંસા છે. આ સ્થિતિ વચ્ચે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે સ્પષ્ટ કર્યું હતું કે તેમના દળો જરૂર જણાશે ત્યાં સુધી લેબનોનમાં રહેશે અને હિઝબુલ્લાહે ભારે કિંમત ચૂકવવી પડશે. બીજી તરફ, ઇઝરાયેલના કટ્ટરપંથી મંત્રી ઇતામાર બેન ગ્વીરે "આખું લેબનોન સળગી જવું જોઈએ" તેવું નિવેદન આપતા ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ તેલ અવીવમાં બેઠેલી સરકારને માનવતા માટે ખતરો ગણાવીને તે કાયમી યુદ્ધ જ ઈચ્છે છે તેવો વળતો પ્રહાર કર્યો હતો.

 

 વૈશ્વિક ઇંધણ બજાર પર મોટી અસરની ભીતિ:

દુનિયાના કુલ ઊર્જા નિકાસનો પાંચમો ભાગ (૧/૫) જે દરિયાઈ માર્ગેથી પસાર થાય છે તે હોર્મુઝની સમુદ્રધુની અગાઉ ૨૮ ફેબ્રુઆરીના રોજ અમેરિકા-ઇઝરાયેલના હુમલા બાદ બંધ કરવામાં આવી હતી, જેના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ અને એલએનજી (LNG) ના ભાવો આસમાને પહોંચ્યા હતા. જો કે, આ નવા કરાર બાદ ગુરુવારે જ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે ઇરાની બંદરો પરથી બે મહિના જૂની નાકાબંધી હટાવી હોવાની જાહેરાત કરી હતી અને ગુરુવારે રેકોર્ડબ્રેક ૨૫ વ્યાપારી જહાજો આ માર્ગ પરથી પસાર થયા હતા. પરંતુ, ઇરાન દ્વારા આંતરરાષ્ટ્રીય જળમાર્ગ ફરીથી બ્લોક કરી દેવાતા વૈશ્વિક ઇંધણ બજાર પર ફરી આર્થિક સંકટના વાદળો ઘેરાયા છે.

(7:44 PM IST)