તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
ઇઝરાયલ ચૂંટણી પરિણામોઃ નેતન્યાહૂનું ગઠબંધન બહુમતીથી દૂરઃ સત્તા મેળવવા માટે ખેંચતાણ શરૂ
રસાકસીભરી જંગઃ ૧૨૦ બેઠકો વાળી સંસદમાં સરકાર રચવા ૬૧નો જાદુઈ આંકડો મેળવવો પડકારરૂપઃ નેતન્યાહૂને જીત માટે માત્ર ૨ સીટોની જરૂરિયાત એક્ઝિટ પોલના પરિણામોમાં નેતન્યાહૂની લિકુડ પાર્ટીએ લીડ જાળવી રાખી

જેરુસલેમ, તા.૨૮: ઇઝરાયલમાં સંસદીય ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે મતગણતરી પૂર્ણ તબક્કા તરફ આગળ વધી રહી છે. હમાસના હુમલા અને ત્યારબાદ ગાઝા, લેબનોન તેમજ ઈરાન સાથેના તણાવ પછી યોજાયેલી આ પ્રથમ સામાન્ય ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન નોંધાયું છે. વિવિધ એક્ઝિટ પોલ્સ અને મતગણતરીના પ્રારંભિક વલણો દર્શાવે છે કે વર્તમાન વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનું ગઠબંધન બહુમતીના આંકડાથી પાછળ રહી ગયું છે. આ સાથે જ ઇઝરાયલી રાજકારણમાં અનિヘતિતાનો દોર શરૂ થયો છે અને વિપક્ષી જૂથો દ્વારા સત્તા પરિવર્તનની શકયતાઓ શોધાઈ રહી છે.
૧૨૦ સભ્યો ધરાવતી ઇઝરાયલી સંસદમાં સરકાર બનાવવા માટે કોઈપણ પક્ષ કે ગઠબંધનને ઓછામાં ઓછી ૬૧ બેઠકોની જરૂર પડે છે. ઇઝરાયલી ટીવી ચેનલોના એક્ઝિટ પોલ્સ અને મતગણતરીના આંકડા મુજબ નેતન્યાહૂની આગેવાની હેઠળનો લિકુડ પક્ષ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહ્યો છે, પરંતુ તેમના કટ્ટરપંથી અને જમણેરી ગઠબંધનને પૂરતી બેઠકો મળતી દેખાતી નથી. બીજી તરફ, ભૂતપૂર્વ લશ્કરી વડા ગાદી આઇઝેનકોટની યાશર પાર્ટી અને પૂર્વ વડાપ્રધાન નફતાલી બેનેટ સહિતના વિપક્ષી જૂથો પણ મજબૂત ટક્કર આપી રહ્યા છે.
ઇઝરાયલના સેન્ટ્રલ ઇલેક્શન કમિશનના આંકડા અનુસાર, હાલમાં આશરે ૬ લાખ જેટલા ડબલ પરબિડીયાં (દ્વારા મતદાન)ની ગણતરી ચાલી રહી છે, જેમાં સરહદ પર તૈનાત સૈનિકો, રાજદ્વારીઓ, ડોક્ટરો અને નર્સોના મતોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે આ મતોથી મોટો ફેરફાર થતો નથી, પરંતુ નજીકની સ્પર્ધાને કારણે તમામની નજર આ મતો પર ટકેલી છે. આ ચૂંટણીમાં રાષ્ટ્રીય સુરક્ષા, ન્યાયિક સુધારા, સૈન્ય સેવા અને ગાઝામાં આગળની કાર્યવાહી જેવા મુદ્દાઓ મુખ્ય રહ્યા હતા.
વર્તમાન ટ્રેન્ડ્સ દર્શાવે છે કે આરબ પક્ષો (જોઇન્ટ લિસ્ટ અને રાઆમ) આ ચૂંટણીમાં મહત્વની બેઠકો જીતીને કિંગમેકરની ભૂમિકામાં આવી શકે છે. બેન્જામિન નેતન્યાહૂએ આરબ પક્ષોના ટેકાથી સરકાર રચવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. બીજી તરફ, વિપક્ષી નેતા ગાદી આઇઝેનકોટ અને નફતાલી બેનેટે દાવો કર્યો છે કે જનતાએ નેતન્યાહૂ વિરુદ્ધ જનાદેશ આપ્યો છે. અંતિમ પરિણામો જાહેર થયા બાદ જ સ્પષ્ટ થશે કે ઇઝરાયલમાં નેતન્યાહૂ સત્તા ટકાવી રાખશે કે પછી દેશમાં નવું ગઠબંધન આકાર લેશે
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
