<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

ઇઝરાયેલ પર લેબનોન તરફથી ભયાનક રોકેટ હુમલો: એરફોર્સે હવામાં જ મિસાઈલો તોડી પાડી

હિઝબુલ્લાહના હુમલા બાદ ઉત્તરીય ઇઝરાયેલમાં સાયરનો ગુંજી ઉઠી: આઈડીએફનો લેબનોનમાં વળતો પ્રહાર

તેલ અવીવ: લેબનોન તરફથી ઇઝરાયેલના ઉત્તરીય વિસ્તારોમાં અનેક રોકેટ છોડવામાં આવ્યા હતા, પરંતુ ઇઝરાયેલી હવાઈ દળે મોટાભાગના હુમલાને નિષ્ફળ બનાવી દીધા છે અને લેબનોનમાં આતંકી ઠેકાણાઓ પર બોમ્બમારો શરૂ કર્યો છે.

 

મધ્યપૂર્વમાં યુદ્ધની સ્થિતિ વધુ વણસી રહી છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ) દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી અનુસાર, ઉત્તરીય ઇઝરાયેલના કેટલાક વિસ્તારોમાં અચાનક ભયજનક સાયરનો ગુંજી ઉઠી હતી.

 

પ્રારંભિક તપાસ બાદ આઈડીએફએ સ્પષ્ટતા કરી હતી કે લેબનોન તરફથી ઇઝરાયેલના પ્રદેશને નિશાન બનાવીને અનેક પ્રોજેક્ટાઇલ (રોકેટ/મિસાઈલ) છોડવામાં આવ્યા હતા. આ હુમલાની જાણ થતાં જ ઇઝરાયેલી હવાઈ દળે (એરફોર્સ) તુરંત એક્શનમાં આવીને વળતો જવાબ આપ્યો હતો અને આમાંથી મોટાભાગના પ્રોજેક્ટાઇલને હવામાં જ ઇન્ટરસેપ્ટ કરીને તોડી પાડ્યા હતા.

 

સુરક્ષા પ્રોટોકોલ મુજબ કેટલાક બચેલા પ્રોજેક્ટાઇલ ખુલ્લા વિસ્તારોમાં ખાબક્યા હતા અને સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાના અહેવાલ નોંધાયા નથી. 

 

આ નાપાક હુમલાના આકરા જવાબમાં આઈડીએફ દ્વારા દક્ષિણ લેબનોનના ટાયર અને અન્ય વિસ્તારોમાં આવેલા હિઝબુલ્લાહના આતંકી ઠેકાણાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સઘન એરસ્ટ્રાઈક અને બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે.

(3:08 PM IST)