<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

ઇઝરાયલી ચેકપોઇન્ટ પર અંધાધૂંધ ગોળીબાર: ગુસ્સે ભરાયેલા નેતન્યાહૂએ સમગ્ર પશ્ચિમ કાંઠે લોકડાઉન લાદ્યું : પશ્ચિમ કાંઠે ગાઝા જેવી મોટી લશ્કરી કાર્યવાહીની તૈયારીઓ તેજ!

હેબ્રોનમાં સશસ્ત્ર હુમલાખોરોએ અચાનક ફાયરિંગ કરી 5 ઇઝરાયલી નાગરિકોને ગંભીર રીતે ઘાયલ : વળતા પ્રહારમાં ઇઝરાયલી સૈનિકોએ બે હુમલાખોરોને ઠાર કર્યા બાદ સમગ્ર પ્રદેશને સીલ કરવાનો ઈમરજન્સી આદેશ

તેલ અવીવ: મધ્ય પૂર્વમાં યુદ્ધની જ્વાળાઓ વધુ ભડકી ઉઠી છે. પશ્ચિમ કાંઠાના ઐતિહાસિક અને સંવેદનશીલ શહેર હેબ્રોન નજીક આવેલી એક ઇઝરાયલી લશ્કરી ચેકપોઇન્ટ પર અચાનક થયેલા ભયાનક ગોળીબારે આખા વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે. અદ્યતન હથિયારોથી સજ્જ બે પેલેસ્ટિનિયનોએ સુરક્ષા દળો અને નજીકમાં રહેલા નાગરિકો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ અચાનક થયેલા હુમલામાં પાંચ ઇઝરાયલી નાગરિકો લોહીલુહાણ થઈને ગંભીર રીતે ઘાયલ થયા હતા. ચેકપોઇન્ટ પર તૈનાત ઇઝરાયલી સૈનિકોએ તાત્કાલિક મોરચો સંભાળીને વળતો ગોળીબાર કર્યો હતો, જેમાં બંને હુમલાખોરોને ઘટનાસ્થળે જ ઠાર મારવામાં આવ્યા હતા.

આ ઘટનાના સમાચાર મળતાં જ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અત્યંત ક્રોધિત થઈ ગયા હતા અને તેમણે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય કટોકટી બેઠક યોજી હતી. નેતન્યાહૂએ આ હુમલાને કડક શબ્દોમાં વખોડીને હેબ્રોન શહેરને સંપૂર્ણપણે નાકાબંધી (સીલ) કરવાનો આદેશ આપ્યો હતો. એટલું જ નહીં, સમગ્ર પશ્ચિમ કાંઠે વ્યાપક લશ્કરી લોકડાઉન લાદવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી સપ્તાહે યોજાનારી દેશની સામાન્ય ચૂંટણીઓ પહેલાં બનેલી આ ઘટનાએ રાજકીય ગરમાવો વધારી દીધો છે, જેના કારણે નેતન્યાહૂએ પોતાની તમામ રાજકીય બેઠકો રદ કરીને સુરક્ષા મોરચા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

હુમલા બાદ ઇઝરાયલી સરકારના કટ્ટરપંથી મંત્રીઓની આક્રમકતા ચરમસીમાએ પહોંચી ગઈ છે. દેશના વિવાદિત નાણામંત્રી બેઝાલેલ સ્મોટ્રિચ સહિતના મંત્રીઓએ ગાઝા પટ્ટીમાં ચલાવવામાં આવેલી ભયાનક લશ્કરી કાર્યવાહીની જેમ જ પશ્ચિમ કાંઠે પણ વ્યાપક અને નિર્ણાયક સૈન્ય અભિયાન શરૂ કરવાની માંગણી ઉઠાવી છે. ગાઝા જેવી કડક અને મોટા પાયાની સૈન્ય કાર્યવાહી કરવાની મંત્રીઓની આ માંગણીને કારણે સમગ્ર પશ્ચિમ કાંઠામાં મોટા પાયે સંઘર્ષ છેડાવવાની દહેશત વધી ગઈ છે, જેનાથી સમગ્ર ક્ષેત્રમાં ભય અને ભારે તણાવનો માહોલ સર્જાયો છે.

(7:05 PM IST)