<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

ગાઝામાં હમાસને ઇઝરાયેલનો વધુ એક મોટો ફટકોઃ આંતરિક સુરક્ષા વિભાગના વડા નઈમ અબુ નાહલ હવાઈ હુમલામાં ઠાર

હમાસના આંતરિક સુરક્ષા તંત્રના સંભવિત નવા વડા પણ ઇઝરાયેલના હુમલામાં માર્યા ગયાનો દાવો : ગાઝામાં ફરી તંગદિલી વધી

તેલ અવીવ, તા. ૨૬ : ઇઝરાયેલના સુરક્ષા દળોએ ગાઝામાં હમાસના આંતરિક સુરક્ષા વિભાગના વડા નઈમ મોહમ્મદ આશૂર અબુ નાહલને હવાઈ હુમલામાં ઠાર માર્યાની સત્તાવાર જાહેરાત કરી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને સંરક્ષણ મંત્રી ઇઝરાયેલ કાત્ઝે પણ આ કાર્યવાહીની પુષ્ટિ કરી છે.

ઇઝરાયેલી સૈન્ય અને આંતરિક ગુપ્તચર સંસ્થાના સંયુક્ત નિવેદન અનુસાર અબુ નાહલે હમાસના સુરક્ષા વિભાગમાં નાયબ વડા સહિત અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા હતા. ઇઝરાયેલી સૈનિકો અને નાગરિકો વિરુદ્ધ હુમલાઓના આયોજનમાં તેની સંડોવણી હોવાનો ઇઝરાયેલે આરોપ મૂક્યો છે.

અબુ નાહલના પુરોગામીને લગભગ ત્રણ મહિના અગાઉ ઇઝરાયેલી સુરક્ષા દળોએ ઝડપી લીધો હતો. દરમિયાન અબુ નાહલના સંભવિત અનુગામી ગણાતા હમાસના વધુ એક ઉચ્ચ સુરક્ષા અધિકારીને પણ ઠાર મારવામાં આવ્યો હોવાની ઇઝરાયેલી સૈન્યએ જાહેરાત કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અબુ નાહલ અંગે સોશિયલ મીડિયામાં આજે ફરી પ્રસારિત થઈ રહેલા સમાચારની મૂળ સત્તાવાર જાહેરાત ૨૪ નવેમ્બરે કરવામાં આવી હતી. વધુ એક અધિકારીના મૃત્યુની જાહેરાત ૨૫ નવેમ્બરે કરવામાં આવી હતી. 

 

(9:36 AM IST)