તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
ઈઝરાયલનું ‘ઓપરેશન વિંગ્સ ઓફ ડોન’: મણિપુરથી ૫,૦૦૦ ભારતીયોને તેલ અવીવમાં વસાવવાની તૈયારી, જાણો શું છે આ ખાસ મિશન?
બાઈબલની ‘ખોવાયેલી જાતિ’ના વંશજ ગણાતા બ્નેઈ મેનાશે સમુદાયને એરલિફ્ટ કરી રહ્યું છે ઈઝરાયલ; યુદ્ધના માહોલ વચ્ચે વ્યૂહાત્મક અને ધાર્મિક કારણોસર લેવાયો મોટો નિર્ણય

ઈમ્ફાલ: ભારતના મણિપુર રાજ્યના પહાડોમાં વસતા આશરે ૫,૦૦૦ ભારતીયો માટે અત્યારે ઈઝરાયલ એક મોટું એરલિફ્ટ ઓપરેશન ચલાવી રહ્યું છે. ઈઝરાયલની નેતન્યાહૂ સરકારે આ મિશનને ‘ઓપરેશન વિંગ્સ ઓફ ડોન’ (Operation Wings of Dawn) નામ આપ્યું છે. આ મિશન અંતર્ગત મણિપુરના ‘બ્નેઈ મેનાશે’ સમુદાયના લોકોને દિલ્હી થઈને તેલ અવીવ લઈ જવામાં આવી રહ્યા છે, જેની શરૂઆત ૨૫૦ લોકોના પ્રથમ જૂથ સાથે થઈ ચૂકી છે.
કોણ છે આ ‘બ્નેઈ મેનાશે’ સમુદાય?
આ સમુદાયનો ઈતિહાસ અત્યંત રસપ્રદ અને રહસ્યમય છે. માનવામાં આવે છે કે આ લોકો પ્રાચીન ઈઝરાયલની ૧૨ જાતિઓમાંથી એક ‘બ્નેઈ મેનાશે’ (મેનાશેના પુત્રો) ના વંશજ છે, જેમને ૭૨૨ બીસીમાં દેશનિકાલ કરવામાં આવ્યા હતા. સદીઓ સુધી પર્શિયા, અફઘાનિસ્તાન અને ચીન થઈને આ જાતિ પૂર્વોત્તર ભારતમાં મણિપુર અને મિઝોરમમાં સ્થાયી થઈ હતી. ભારતમાં તેઓ કુકી જનજાતિનો ભાગ ગણાય છે, પરંતુ તેઓ ખ્રિસ્તી ધર્મને બદલે યહૂદી ધર્મ અને તેની પરંપરાઓનું પાલન કરે છે.
શા માટે અત્યારે જ એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે?
આ ઓપરેશન પાછળ ધાર્મિક અને વ્યવહારુ એમ બંને કારણો જવાબદાર છે:
૧. ધાર્મિક કારણ: મણિપુરના અંતરિયાળ વિસ્તારોમાં યહૂદી ધાર્મિક વિધિઓ માટે જરૂરી સંસાધનો અને સુવિધાઓનો અભાવ છે. ઘણા લોકો હિબ્રુ ભાષા શીખી રહ્યા છે અને પોતાની પૂર્વજોની ભૂમિ પર પરત ફરવા માંગે છે.
૨. યુદ્ધ અને મજૂરોની અછત: ઈઝરાયલ અત્યારે ગાઝા અને ઈરાન સાથેના યુદ્ધમાં વ્યસ્ત છે. આ યુદ્ધને કારણે દેશમાં મજૂરોની મોટી અછત સર્જાઈ છે. થાઈલેન્ડ અને નેપાળ જેવા દેશોના મજૂરો સ્વદેશ પરત ફર્યા હોવાથી, મણિપુરના આ સમુદાયને ત્યાં વસાવવાથી શ્રમ શક્તિમાં વધારો થશે.
ઈઝરાયલની સેનામાં પણ આપી રહ્યા છે યોગદાન
નોંધપાત્ર બાબત એ છે કે બ્નેઈ મેનાશે સમુદાયના લોકો ઈઝરાયલ પ્રત્યે અત્યંત વફાદાર છે. ૨૦૨૩માં હમાસ સામેના યુદ્ધ દરમિયાન આ સમુદાયના ૨૦૦થી વધુ સભ્યો ઈઝરાયલી આર્મી (IDF) તરફથી રણમેદાનમાં લડ્યા હતા. ઈઝરાયલ સરકાર આ લોકોને સરહદી વિસ્તારોમાં સ્થાયી કરીને ત્યાંની વસ્તીનું સંતુલન જાળવવા અને દેશના સંરક્ષણને મજબૂત કરવા માંગે છે. ઈઝરાયલી ઈમિગ્રેશન મંત્રી ઓફિર સોફરના જણાવ્યા અનુસાર, દર વર્ષે ૧,૨૦૦ લોકોને લાવવાની આ એક લાંબી પ્રક્રિયાનો ભાગ છે. મણિપુરથી તેલ અવીવ સુધીની આ સફર હવે આધુનિક ઈતિહાસના એક મહત્વપૂર્ણ પ્રકરણ તરીકે જોવામાં આવી રહી છે.
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
