News of Monday, 18th May 2026
ઈરાકના રણમાં ઇઝરાયલનો ચોંકાવનારો ગુપ્ત ખેલ: દુશ્મન દેશની ધરતી પર મહિનાઓ સુધી ચલાવ્યા બે લશ્કરી બેઝ, એક નિર્દોષ ભરવાડની ભૂલ અને ખૂલ્યું મોટું આંતરરાષ્ટ્રીય રહસ્ય
ઈરાન સામેના યુદ્ધ અને હુમલાઓ માટે ઇઝરાયલે એક વર્ષ સુધી ગુપ્ત ઓપરેશન ચલાવ્યું; હેલિકોપ્ટર, એરસ્ટ્રીપ અને તંબુઓ જોઈ જતાં ઇરાકી યુવાનને ગોળીઓથી વીંધી દેવાયો: સનસનાટીભર્યો ખુલાસો

બગદાદ, તા.૧૮: મધ્યપૂર્વ (Middle East) ના યુદ્ધ અને જાસૂસીના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી સનસનાટીભર્યા અને ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. એક વિશેષ અહેવાલ અનુસાર, ઇઝરાયલે તેના કટ્ટર શત્રુ દેશ ઈરાન સામે સૈન્ય કાર્યવાહી કરવા માટે ઈરાકના અવાવરૂ અને પથરાળ રણ વિસ્તારમાં એક નહીં પણ બે-બે ગુપ્ત લશ્કરી મથકો (Secret Outposts) તૈયાર કર્યા હતા. સૌથી હેરાન કરનારી વાત એ છે કે, ઈરાકની ધરતી પર ઇઝરાયલી સૈનિકો અને હેલિકોપ્ટરો મહિનાઓ સુધી ગુપ્ત રીતે ઓપરેશન ચલાવતા રહ્યા અને ઈરાનની કઠપૂતળી ગણાતી બગદાદ સરકારને આ વાતની કાનોકાન ખબર પણ ન પડી.
પ્રાદેશિક સત્તાવાળાઓના મતે, ઇઝરાયલે ઈરાન વિરુદ્ધ લોજિસ્ટિક્સ અને હુમલાના આયોજન માટે આ ગુપ્ત છાવણીઓ બનાવવામાં એક વર્ષ કરતાં વધુ સમય વિતાવ્યો હતો. જોકે, એક નિર્દોષ ભરવાડના મોતે આ આખા આંતરરાષ્ટ્રીય ગુપ્ત મિશનનો પર્દાફાશ કરી દીધો છે.
કરિયાણું લેવા નીકળ્યો અને સામે મોત બનીને ઉભું હતું 'ઇઝરાયલી રહસ્ય'
આ ભયાનક સનસનાટીભરી ઘટનાની શરૂઆત ૩ માર્ચના રોજ ઈરાકના પશ્ચિમી રણમાં આવેલા અલ-નુખૈબ શહેર નજીક થઈ હતી. ૨૯ વર્ષીય સ્થાનિક બેદુઈન ભરવાડ અવદ અલ-શમ્મરી હંમેશની જેમ પોતાની પિકઅપ ટ્રક લઈને નજીકના શહેરમાં કરિયાણું અને ઘરનો સામાન લેવા માટે નીકળ્યો હતો. પરંતુ, રણના ખડતલ રસ્તાઓ પરથી પસાર થતી વખતે ભુલથી તે એક એવા પ્રતિબંધિત વિસ્તારમાં પહોંચી ગયો, જ્યાં ઇઝરાયલે દુનિયાની નજરથી છુપાવીને પોતાનું સૈન્ય મથક બનાવ્યું હતું.
અવદ અલ-શમ્મરીએ ત્યાં જે જોયું તેનાથી તેના હોશ ઊડી ગયા. રણની વચ્ચે એક ગુપ્ત એરસ્ટ્રીપ (લેન્ડિંગ સ્ટ્રીપ) બનેલી હતી, જેની આસપાસ ડઝનબંધ લશ્કરી તંબુઓ, હાઈટેક હથિયારો સાથે સજ્જ સૈનિકો અને હેલિકોપ્ટરો હાજર હતા. અવદે તુરંત જ પોતાની ટ્રક ભગાવી અને ઈરાકના પ્રાદેશિક મિલિટરી કમાન્ડનો સંપર્ક કરીને પોતે જોયેલા દ્રશ્યોની જાણ કરી દીધી.
ચાલુ ટ્રકે હેલિકોપ્ટરમાંથી અંધાધૂંધ ફાયરિંગ: જીવલેણ અંત
જોકે, ગુપ્ત બેઝ પર હાજર ઇઝરાયલી કમાન્ડોઝને ખબર પડી ગઈ હતી કે તેમનું રહસ્ય હવે ખુલ્લું પડી ગયું છે. સાક્ષીઓના જણાવ્યા અનુસાર, અવદ જ્યારે સામાન લઈને પરત ફરી રહ્યો હતો ત્યારે અચાનક એક સૈન્ય હેલિકોપ્ટરે તેની ટ્રકનો પીછો શરૂ કર્યો હતો. હેલિકોપ્ટરમાંથી ટ્રક પર ત્યાં સુધી અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો, જ્યાં સુધી તે રેતીના ઢગલામાં ફસાઈને સળગી ન ગઈ. આ હુમલામાં અવદ અલ-શમ્મરીનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું. તેનો પરિવાર માને છે કે ઇઝરાયલનું લશ્કરી રહસ્ય જોવાના કારણે જ અવદે પોતાનો જીવ ગુમાવવો પડ્યો.
એક નહીં, રણમાં છુપાયેલા હતા બે-બે ઇઝરાયલી બેઝ
અવદના મોતના કારણે ઈરાકી સૈન્ય અને ગુપ્તચર એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. શરૂઆતમાં 'ધ વોલ સ્ટ્રીટ જર્નલ' દ્વારા ઈરાકના દક્ષિણ-પશ્ચિમમાં આવેલા પવિત્ર શહેર નજફના રણમાં આવી એક ચોકી હોવાનો અહેવાલ અપાયો હતો. પરંતુ, ન્યૂ યોર્ક ટાઇમ્સની તપાસમાં વરિષ્ઠ ઈરાકી વહીવટી અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે ઈરાકના પશ્ચિમી રણમાં બીજો એક અત્યંત ગુપ્ત અને હાઈટેક બેઝ પણ સક્રિય હતો. આ બંને મથકોનો ઉપયોગ ઈરાન પર એરસ્ટ્રાઈક કરવા અને ડ્રોન ઓપરેશન્સને સપોર્ટ આપવા માટે થતો હોવાની પ્રબળ આશંકા છે.
હાલમાં આ ખુલાસા બાદ મધ્યપૂર્વના દેશોમાં ભારે રાજકીય ખળભળાટ મચી ગયો છે. ઈરાકની સાર્વભૌમત્વતા પર સર્જાયેલા આ સવાલ અને ઈરાન સરહદની આટલી નજીક ઇઝરાયલની સૈન્ય ઉપસ્થિતિ આગામી દિવસોમાં મોટા પ્રાદેશિક યુદ્ધનું કારણ બની શકે છે.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
