<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

ઇસરોને મળી વધુ એક ઐતિહાસિક સફળતા: CE20 ક્રાયોજેનિક એન્જિનનું સફળ પરીક્ષણ, 'ગગનયાન' મિશનને મળશે મોટો બૂસ્ટ!

મહેન્દ્રગિરિ ખાતે ૨૨૦ kN ના વધેલા થ્રસ્ટ સ્તર પર ફ્લાઇટ એક્સેપ્ટન્સ હોટ ટેસ્ટ સફળ; LVM3 લોન્ચ વ્હીકલની પેલોડ ક્ષમતામાં થશે અધધ વધારો

નવી દિલ્હી, તા.10: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ અંતરિક્ષ ક્ષેત્રે વધુ એક મોટી ક્ષમતા સાબિત કરીને ઈતિહાસ રચ્યો છે. ઇસરોએ સુધારેલા CE20 ક્રાયોજેનિક એન્જિનનું ૨૨૦ kN (કિલોન્યૂટન) ના વધેલા થ્રસ્ટ સ્તર પર સફળતાપૂર્વક 'ફ્લાઇટ એક્સેપ્ટન્સ હોટ ટેસ્ટ' પૂર્ણ કર્યો છે. આ સફળ પરીક્ષણથી ભારતના અતિ મહત્વકાંક્ષી 'ગગનયાન' માનવ અવકાશ મિશનને ગતિ મળવાની સાથે LVM3 લોન્ચ વ્હીકલની પેલોડ લઈ જવાની ક્ષમતામાં પણ મોટો વધારો થશે.

 

મહેન્દ્રગિરિ સ્થિત પ્રોપલ્શન કોમ્પ્લેક્સ ખાતે યોજાયું પરીક્ષણ

 

ઇસરો દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આગામી LVM3 મિશનના C32 અપર સ્ટેજ માટે નિર્ધારિત આ CE20 ક્રાયોજેનિક એન્જિનનું પરીક્ષણ મહેન્દ્રગિરી ખાતે આવેલા 'ઇસરો પ્રોપલ્શન કોમ્પ્લેક્સ' ખાતે યોજાયું હતું. આ ટેસ્ટિંગ દરમિયાન LOX ટેન્ક પ્રેશરાઇઝેશન મોડ્યુલ (LTPM) નું પ્રદર્શન પણ અત્યંત સફળ રહ્યું હતું. આ ખાસ મોડ્યુલને 'ગગનયાન' મિશનના C32 સ્ટેજ માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે.

 

ભવિષ્યના સ્પેસ મિશન માટે ગેમચેંજર સાબિત થશે CE20 એન્જિન

 

અવકાશ ક્ષેત્રે CE20 એન્જિન LVM3 રોકેટના ઉપલા ક્રાયોજેનિક સ્ટેજને પાવર આપે છે. ઇસરોના વિજ્ઞાનીઓ હાલમાં આ એન્જિનનો ઉપયોગ કરીને ૨૨ ટનનો મજબૂત થ્રસ્ટ (ધક્કો) ધરાવતા સુધારેલા C32 સ્ટેજ પર કામ કરી રહ્યા છે. આ અપગ્રેડેશનના કારણે હવે ભારત ભવિષ્યમાં ભારે ઉપગ્રહો અને વધુ પેલોડ સરળતાથી અવકાશમાં મોકલી શકશે, જે દેશના સ્પેસ પ્રોગ્રામ માટે એક મોટું સીમાચિહ્ન સાબિત થશે.

 

(5:14 PM IST)