તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 17th October 2026
ઇસરોની ઐતિહાસિક સફળતા: ગગનયાન મિશનનું મહત્વપૂર્ણ ક્રૂ મોડ્યુલ સેપરેશન પરીક્ષણ સફળતાપૂર્વક સંપન્ન
ભારતના પ્રથમ માનવ અવકાશ મિશન માટે મહત્વનું પગલું; તિરુવનંતપુરમ ખાતે ક્રૂ મોડ્યુલ અને સર્વિસ મોડ્યુલને અલગ કરવાની જટિલ પ્રક્રિયા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી

તિરુવનંતપુરમ : ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) દ્વારા દેશના મહત્વાકાંક્ષી અને પ્રથમ માનવ અવકાશ મિશન 'ગગનયાન'ની તૈયારીઓ અંતર્ગત કેરળના તિરુવનંતપુરમ ખાતે આવેલા વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ખાતે ક્રૂ મોડ્યુલને સર્વિસ મોડ્યુલથી અલગ કરવા સંબંધિત અત્યંત મહત્વપૂર્ણ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.
ગગનયાન મિશનના ઓર્બિટલ મોડ્યુલમાં બે મુખ્ય ઘટકો હોય છે, જેમાં પ્રથમ 'ક્રૂ મોડ્યુલ' છે જ્યાં અવકાશયાત્રીઓ રહે છે અને બીજું 'સર્વિસ મોડ્યુલ' છે જે સમગ્ર અવકાશ યાત્રા દરમિયાન જરૂરી સેવાઓ અને પાવર પૂરો પાડે છે. પ્રક્ષેપણ સમયે આ બંને મોડ્યુલ એકબીજા સાથે જોડાયેલા રહીને સંયુક્ત રીતે કાર્ય કરે છે.
અવકાશમાંથી પૃથ્વી પર પાછા ફરતી વખતે ક્રૂ મોડ્યુલને સર્વિસ મોડ્યુલથી સુરક્ષિત રીતે અલગ કરવું અનિવાર્ય બને છે. આ જટિલ પ્રક્રિયાના ભાગરૂપે ઇસરો દ્વારા બંને મોડ્યુલ વચ્ચેના પાવર અને સર્વિસ કનેક્શન્સ ચોક્કસ નિર્ધારિત ક્ષણો પર છૂટા પાડવાની પદ્ધતિનું ઝીણવટપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ પરીક્ષણ દરમિયાન મોડ્યુલો અલગ થતી વખતે ઉત્પન્ન થતા શોક કે આંચકાની અવકાશયાનના મહત્વપૂર્ણ સાધનો પર થતી અસરોનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ઇસરોએ એવિઓનિક્સ, ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમ, હીટ શીલ્ડ અને તાપમાન નિયંત્રિત કરતા ઉપકરણોની મજબૂતીની પણ સઘન ચકાસણી કરી હતી.
આ સફળ પરીક્ષણથી અવકાશયાત્રીઓની સુરક્ષા અને મિશનની વિશ્વસનીયતામાં મોટો વધારો થયો છે. ઇસરો દ્વારા આગામી સમયમાં ગગનયાન મિશન અંતર્ગત પ્રથમ માનવરહિત ઉડાન લૉંચ કરવાની દિશામાં આ ટેસ્ટને એક સીમાચિહ્નરૂપ સફળતા તરીકે જોવામાં આવી રહી છે.
(11:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
