તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
લોકોની ધાર્મિક આસ્થાને ખોટી જાહેર કરવી મુશ્કેલ કાર્યઃ સુપ્રીમ
સામાજિક સુધારાના નામે ધર્મને ખોખલો બનાવી શકાય નહીં: જસ્ટિસ બી વી નાગરત્ના

નવી દિલ્હી,તા.૧૬: ધાર્મિક મામલાઓમાં જાહેર હિતની અરજી (PIL)ની સ્વીકાર્યતા પર વિચારણા કરતાં સુપ્રીમ કોર્ટે બુધવારે જણાવ્યું હતું કે લાખો લોકોની ધાર્મિક આસ્થાને ખોટી અથવા ભૂલભરેલી જાહેર કરવી અદાલત માટે સૌથી મુશ્કેલ કાર્યોમાંનું એક છે. ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ (TDB)એ દલીલ કરી હતી કે PILને ધાર્મિક પ્રથાઓની વ્યાખ્યા કરવા માટેનું માધ્યમ બનાવી શકાય નહીં.
કેરળના સબરીમાલા મંદિર સહિતના વિવિધ ધર્મસ્થાનોમાં મહિલાઓ સામેના ભેદભાવ અંગેની પિટિશનોની સુનાવણી કરતી નવ ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠે આ ટીપ્પણી કરી હતી. સર્વોચ્ચ અદાલતે વિવિધ ધર્મોની ધાર્મિક સ્વતંત્રતાના દાયરાની પણ સુનાવણી કરી રહી છે. આ મામલે ગુરુવારે પણ સુનાવણી ચાલુ રહેશે.
TDB તરફથી હાજર વરિષ્ઠ વકીલ અભિષેક સિઘવીએ ચીફ જાસ્ટિસ સૂર્યકાંતના વડપણ હેઠળની ખંડપીઠ સમક્ષ રજૂઆત કરી હતી કે PILને ધાર્મિક પ્રથાની વ્યાખ્યા અથવા તેના ભંગની વિચારણા કરવાનું સાધન બનવા દેવી જોઇએ નહીં. ધાર્મિક મામલાઓમાં અદાલતની મુખ્ય ભૂમિકા ખાસ કરીને બંધારણની કલમ ૩૨ હેઠળ દાખલ થતી PILને પ્રોત્સાહન આપવાની જગ્યાએ તેને અટકાવવાની હોવી જોઈએ.
સિંઘવીની રજૂઆતનો જવાબ આપતા CJI કાંતે અવલોકન કર્યું હતું કે સૌથી મુશ્કેલ કાર્ય એ છે કે લાખો લોકોની માન્યતા ખોટી અથવા ભૂલભરેલી છે તેની ઘોષણા કેવી રીતે કરવી.
ખંડપીઠે એક મહત્વનો પ્રશ્ન ઉઠાવ્યો છે કે કોઈ વ્યક્તિ જે કોઈ ખાસ ધાર્મિક પંથનો ભાગ નથી, તે PIL દ્વારા તે પંથની પ્રથાને પડકાર આપી શકે કે નહીં.
જસ્ટિસ બી. વી. નાગરત્ના જણાવ્યું હતું કે PIL ત્યારે સ્વીકારવી ન જોઈએ જ્યારે અરજદાર સીધો સંબંધ ધરાવતો ન હોય. સામાજિક સુધારાના નામે આપણે ધર્મને ખોખલો બનાવી શકીએ નહીં. જસ્ટિસ એમ એમ સુન્દ્રેશે પણ સવાલ કર્યો હતો કે લાખો અનુયાયીઓની વાત સાંભળ્યા વગર અદાલત ધાર્મિક પ્રથાનો નિર્ણય કેવી રીતે લઈ શકે.
સબરીમાલા મંદિરનું સંચાલન કરતાં TDBએ જણાવ્યું હતું કે ભગવાન અય્યપ્પાને સબરીમાલામાં નૈષ્ઠિક બ્રહ્મચારી તરીકે પૂજવામાં આવે છે અને ૧૦થી ૫૦ વર્ષની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ દેવતાના સ્વરૂપ અને ઓળખ સાથે સીધો સંબંધ ધરાવે છે.
સિંઘવીએ કહ્યું હતું કે ભારતમાં ભગવાન અય્યપ્પાના ઘણા મંદિરો છે, પરંતુ સબરીમાલા એ એકમાત્ર મંદિર છે, જ્યાં તેમને નૈષ્ઠિક બ્રહ્મચારી સ્વરૂપે પૂજવામાં આવે છે. આ દેવતાની પ્રસિદ્ધિ અને શ્રદ્ધાનો આધાર તેમની તપસ્યા, બ્રહ્મચર્ય અને સંયમ છે અને ત્યાં દર્શન કરવા માટે ભક્તોએ ૪૦-૪૧ દિવસનું વ્રત પણ રાખવું પડે છે. અહીં મહિલાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ નથી. મંદિરમાં ૧૦ વર્ષથી ઓછી અને ૫૦ વર્ષથી વધુ વયની મહિલાઓને પ્રવેશ મળે છે, એટલે આ લિંગ આધારિત ભેદભાવ નથી.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
