News of Friday, 31st July 2026
આકારણી વર્ષ 2026-27 માટે આઈટીઆર ફાઇલિંગનો ધમાકો: અંતિમ દિવસે 5.5 કરોડથી વધુ રિટર્ન સબમિટ, ઈ-ફાઇલિંગ પોર્ટલ પર કરદાતાઓની ભારે ભીડ!
દંડ વિના આવકવેરા રિટર્ન ફાઇલ કરવાના અંતિમ દિવસે સમગ્ર દેશમાં ભારે ધસારો જોવા મળ્યો, આવકવેરા વિભાગે કરદાતાઓને છેલ્લી ક્ષણે તકનીકી મુશ્કેલીઓથી બચવા શાંતિથી પ્રક્રિયા પૂર્ણ કરવા અપીલ કરી.

નવી દિલ્હી | તા.31: આકારણી વર્ષ (AY) 2026-27 માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાનો આજે અંતિમ દિવસ હોવાથી ઈ-ફાઇલિંગ પોર્ટલ પર કરદાતાઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો છે. આવકવેરા વિભાગે શુક્રવારે મહત્વપૂર્ણ વિગતો શેર કરતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 5.5 કરોડથી વધુ આઈટીઆર સફળતાપૂર્વક ફાઇલ થઈ ચૂક્યા છે. વિલંબ શુલ્ક (લેટ ફી) વિના રિટર્ન સબમિટ કરવાની આ 31 જુલાઈની સમયમર્યાદા ખાસ કરીને એવા વ્યક્તિઓ અને નોન-ઓડિટ કરદાતાઓને લાગુ પડે છે જેમના ખાતાઓને ઓડિટની જરૂર નથી.
છેલ્લા કેટલાક દિવસોમાં આઈટીઆર ફાઇલિંગની ગતિમાં નોંધપાત્ર અને ઝડપી વધારો નોંધાયો છે. વિભાગના આંકડા અનુસાર, માત્ર 30 જુલાઈના રોજ જ 42 લાખથી વધુ રિટર્ન સબમિટ કરવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે મોટી સંખ્યામાં કરદાતાઓએ છેલ્લી ઘડી સુધી રાહ જોઈ હતી. 11 જુલાઈ સુધીમાં જ્યાં માત્ર 1.7 કરોડ રિટર્ન નોંધાયા હતા, ત્યાં 27 જુલાઈએ આ આંકડો 4 કરોડ અને ગુરુવારે 5 કરોડને વટાવીને શુક્રવારે 5.5 કરોડના આંકડાને પાર કરી ગયો હતો.
કરદાતાઓ માટે ખાસ સલાહ: સબમિટ કરતા પહેલા કરદાતાઓએ ફોર્મ 16, એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS), ફોર્મ 26AS અને બેંક સ્ટેટમેન્ટ્સની માહિતી કાળજીપૂર્વક ચકાસી લેવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં નોટિસ કે પ્રોસેસિંગમાં વિલંબથી બચી શકાય.
મહત્વનું છે કે સીબીડીટી (CBDT) એ આ વર્ષે આઈટીઆર ફોર્મ્સમાં કેટલાક સુધારા કર્યા છે, જેમાં કેપિટલ ગેઇન્સ અને શેર બાયબેક સંબંધિત વિગતોનો સમાવેશ થાય છે. જે કરદાતાઓ આ સમયમર્યાદા ચૂકી જશે, તેઓ હજુ પણ મોડાં રિટર્ન (બીલેટેડ આઈટીઆર) ફાઇલ કરી શકશે, પરંતુ તેમણે લેટ ફી ચૂકવવી પડશે અને કેટલાક કર લાભો પણ ગુમાવવા પડી શકે છે.
(5:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
