તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
'ઈરાનને મદદ કરી તો ખેર નથી!': ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને આપી આખરી ને કડક ચેતવણી!
વોશિંગ્ટન શિખર મુલાકાતમાં અમેરિકાનો આક્રમક સૂર: ગુપ્ત માહિતી, સ્પેરપાર્ટ્સ કે સૈન્ય સાધનોની પરોક્ષ મદદ પણ સંપૂર્ણપણે અસ્વીકાર્ય, યુએસ એમ્બેસેડર ડેવિડ પેરડ્યુનો મોટો ધડાકો

વોશિંગ્ટન : વિશ્વની બે મહાસત્તાઓ વચ્ચે રાજદ્વારી સંબંધો સુધારવાના પ્રયાસો વચ્ચે અમેરિકાએ ચીનને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ત્રણ દિવસીય અમેરિકા મુલાકાત દરમિયાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું છે કે ઈરાનને ચીન તરફથી મળતી કોઈ પણ પ્રકારની પ્રત્યક્ષ કે પરોક્ષ મદદ અમેરિકા માટે બિલકુલ અસ્વીકાર્ય છે.
ચીનમાં યુએસ એમ્બેસેડરે આપ્યું સનસનાટીભર્યું નિવેદન
ચીનમાં અમેરિકાના રાજદૂત ડેવિડ પેરડ્યુએ સીએનબીસી (CNBC) સાથેની મુલાકાતમાં ખુલાસો કર્યો હતો કે, "અમે સપ્તાહો પહેલા જ ચીનને સ્પષ્ટ કરી દીધું હતું કે ઈરાનને ગુપ્ત માહિતી, સ્પેરપાર્ટ્સ કે સૈન્ય સાધનો પૂરા પાડવા જેવી કોઈ પણ મદદ અમે સહન નહીં કરીએ. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ મુદ્દો જિનપિંગ સમક્ષ ફરીથી ભારપૂર્વક દોહરાવ્યો છે." જોકે, પેરડ્યુએ એ પણ ઉમેર્યું હતું કે બંને નેતાઓ વચ્ચે મુશ્કેલ વિષયો પર ખુલ્લેઆમ ચર્ચા થઈ રહી છે અને સંબંધોમાં એક પ્રકારની નિકટતા પણ જોવા મળી છે.
૯૦ મિનિટની બેઠક અને ભવ્ય સ્ટેટ ડિનર
શી જિનપિંગ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ગુરુવારે ૯૦ મિનિટ સુધી બંધ બારણે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં મધ્ય પૂર્વ, યુક્રેન અને કોરિયન દ્વીપકલ્પ જેવા વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. જોકે, વેપાર અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) જેવા વિષયો પર કોઈ ઉકેલ આવ્યો નહોતો. ટ્રમ્પે જિનપિંગ માટે વાઈટ હાઉસ ખાતે ભવ્ય સ્ટેટ ડિનરનું પણ આયોજન કર્યું હતું જેમાં ટેક સેક્ટરના ટોચના દિગ્ગજો હાજર રહ્યા હતા. આ ઉપરાંત, અમેરિકાની ૨૫૦મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે ટ્રમ્પ ચીની રાષ્ટ્રપતિને નેશનલ આર્કાઈવ્ઝ પણ લઈ ગયા હતા.
(8:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
