News of Thursday, 16th July 2026
હાઇવે પર ખાડા પડ્યા તો ખેર નથી! NHAI એ ઘડ્યો રોડ એક્સિડન્ટ રોકવા માટેનો માસ્ટર પ્લાન
ટેકનોલોજી અને આધુનિક મશીનરીની મદદથી રસ્તાઓની ખામીઓનું થશે તાત્કાલિક સમારકામ: નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મુસાફરીને આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષિત બનાવવા જનરલ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સ મેદાને ઉતાર્યા

નવી દિલ્હી : હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ખાડાઓ, તૂટેલી રેલિંગ કે ખરાબ રસ્તાઓને કારણે થતા અકસ્માતો ભૂતકાળ બની જશે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ હાઇવેની જાળવણી અને પ્રવાસીઓની સુરક્ષા માટે એક અત્યંત આધુનિક અને ટેકનોલોજી આધારિત એક્શન પ્લાન જાહેર કર્યો છે. હાઇવે પરની બેદરકારીને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે હવે દૈનિક, સાપ્તાહિક અને માસિક ધોરણે રસ્તાઓનું સઘન નિરીક્ષણ કરવામાં આવશે. આ નવીનતમ સિસ્ટમ હેઠળ, માર્ગોની કોઈપણ ક્ષતિ શોધાતા જ તેના પર યુદ્ધના ધોરણે તાત્કાલિક સમારકામ કામગીરી હાથ ધરવામાં આવશે.
આ ભગીરથ કાર્યને વ્યાવસાયિક રીતે પાર પાડવા માટે NHAI ના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ દ્વારા દેશમાં પ્રથમ વખત ખાસ 'જનરલ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સ' ની નિમણૂક કરવામાં આવી છે. શરૂઆતના પ્રથમ તબક્કા હેઠળ, આ ટીમને ૯૦૮ કિલોમીટર લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સુરક્ષા અને જાળવણી કરવાની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં NHIT પાસે કુલ ૨,૬૫૩ કિલોમીટરના હાઇવેનું મોટું પોર્ટફોલિયો છે અને આ નવી સિસ્ટમની સફળતા બાદ આગામી સમયમાં તેનો વ્યાપ સમગ્ર દેશના નેટવર્ક પર વધારવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
NHAI ના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પહેલનો મુખ્ય હેતુ ભારતીય રસ્તાઓને આંતરરાષ્ટ્રીય ધોરણો સમકક્ષ બનાવવાનો છે. રસ્તા પરના ખાડા ઉપરાંત તૂટેલા સાઇનબોર્ડ અને ટ્રાફિક વ્યવસ્થાપનની ખામીઓને પણ નિષ્ણાતોની દેખરેખ હેઠળ સુધારવામાં આવશે. આ અત્યાધુનિક વ્યવસ્થાથી માત્ર માર્ગ અકસ્માતોમાં જ મોટો ઘટાડો નહીં થાય, પરંતુ હાઇવે સંપત્તિઓનું સંચાલન બહેતર બનશે. પરિણામે, માળખાગત ક્ષેત્રમાં વિદેશી રોકાણકારોનો ભરોસો વધશે અને હાઇવે મેન્ટેનન્સના આધુનિકીકરણથી રોજગારીની અસંખ્ય નવી તકો પણ ઉભી થશે.
(6:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
