તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
ઈત્તેહાદ-ઉલ-મુજાહિદ્દીને બન્નુમાં ૧૫ સૈનિકોને ઉતાર્યા મોતને ઘાટ
પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થા સામે મોટો પડકાર ફેંકીને એક નવું આતંકવાદી સંગઠન ‘ઇત્તેહાદ-ઉલ-મુજાહિદ્દીન' મેદાનમાં આવ્યું : ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકીઓ બન્યા સક્રિયઃ પાકિસ્તાન સેનાના સુરક્ષાના દાવાઓની ખુલી પોલ

ઈસ્લામબાદ,તા.૧૨: પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થા સામે મોટો પડકાર ફેંકીને એક નવું આતંકવાદી સંગઠન ‘ઇત્તેહાદ-ઉલ-મુજાહિદ્દીન' મેદાનમાં આવ્યું છે. આ જૂથે બન્નુ વિસ્તારમાં ભયાનક આત્મઘાતી હુમલો કરીને ૧૫ પાકિસ્તાની સૈનિકોની હત્યા કરી છે. ખાસ વાત એ છે કે, પાકિસ્તાની સેના જે વિસ્તારમાં પોતાનું સંપૂર્ણ નિયંત્રણ હોવાનો દાવો કરતી હતી, ત્યાં જ આ હુમલો કરવામાં આવ્યો છે.
વર્ષ ૨૦૨૫માં ખૈબર ક્ષેત્રના ત્રણ કુખ્યાત જૂથો - ઇસ્લામિક ક્રાંતિ , લશ્કર-એ-ઇસ્લામ અને હાફિઝ ગુલ બહાદુર ના સંગઠનોએ ભેગા મળીને આ નવા સંગઠનની રચના કરી છે. નોંધનીય છે કે, હાફિઝ ગુલ બહાદુરને અગાઉ પાકિસ્તાન સરકાર 'ગુડ તાલિબાન' તરીકે ઓળખાવતી હતી, જે હવે સરકાર માટે જ કાળ સાબિત થઈ રહ્યું છે.
આ સંગઠનનો ઉદ્દેશ્ય તહરીક-એ-તાલિબાન (TTP) ની જેમ પાકિસ્તાનમાં કઠોર ઇસ્લામિક શાસન સ્થાપિત કરવાનો છે. તેઓ ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પશ્તો, ઉર્દૂ અને અંગ્રેજીમાં વીડિયો જાહેર કરીને પ્રચાર કરે છે. સૈન્ય કાર્યવાહીથી બચવા માટે આ સંગઠને કોઈ ચોક્કસ નેતા જાહેર કર્યો નથી, પરંતુ મહમૂદુલ હસન ને તેમના પ્રવક્તા માનવામાં આવે છે.
અફઘાન સરહદ નજીક આવેલો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત હાલ આ સંગઠનનું મુખ્ય કેન્દ્ર છે. નિષ્ણાતોના મતે, TTP અને બલૂચ લિબરેશન આર્મી (BLA) ની ગતિવિધિઓ ઘટતા આ નવું સંગઠન વધુ મજબૂત બની શકે છે. પાકિસ્તાન સરકારે આ હુમલા બાદ કડક જવાબી કાર્યવાહીની ખાતરી આપી છે.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
