તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
રાજકારણનો 'જેકપોટ': એક જ પરિવારના ત્રણ સભ્યો, ત્રણ અલગ પક્ષો અને ત્રણેયની શાનદાર જીત! 'લોટરી કિંગ' સેન્ટિયાગો માર્ટિનના પરિવારે રચ્યો ઈતિહાસ
થલપતિ વિજયની પાર્ટી TVK ની એન્ટ્રી વચ્ચે માર્ટિન ફેમિલીનો દબદબો: જમાઈ, પત્ની અને પુત્ર અલગ-અલગ વિચારધારા સાથે ધારાસભામાં પહોંચ્યા, વિરોધીઓ પણ ચોંકી ઉઠ્યા

ચેન્નાઈ: તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ના પરિણામોએ અનેક રીતે સૌને ચોંકાવી દીધા છે. એક તરફ સુપરસ્ટાર જોસેફ વિજયની પાર્ટી 'તમિલગા વેત્રી કઝગમ' (TVK) ૧૦૮ બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે, તો બીજી તરફ 'લોટરી કિંગ' તરીકે જાણીતા સેન્ટિયાગો માર્ટિનના પરિવારની જીતે આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. આ પરિવારના ત્રણ સભ્યોએ અલગ-અલગ પક્ષોની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને ત્રણેય વિજયી થયા છે.
જમાઈ આદવ અર્જુન: વિજયના વિશ્વાસુ અને TVK ના વિજેતા
સેન્ટિયાગો માર્ટિનના જમાઈ આદવ અર્જુન રેડ્ડી, જેઓ વિજયની પાર્ટી TVK ના જનરલ સેક્રેટરી છે, તેમણે વિલ્લીવક્કમ મતવિસ્તારમાંથી ૧૭,૩૦૨ મતોના અંતરથી શાનદાર જીત મેળવી છે. વિજયના સૌથી નજીકના ગણાતા આદવ અર્જુને સાબિત કરી દીધું કે જનતાએ નવી પેઢીના રાજકારણને સ્વીકાર્યું છે.
પત્ની લીમા રોઝ: DMK ના ગઢમાં પાડ્યું ગાબડું
માર્ટિનના પત્ની લીમા રોઝ માર્ટિને AIADMK ની ટિકિટ પર લાલગુડી બેઠક પરથી ઝંપલાવ્યું હતું. આ બેઠક વર્ષ ૨૦૦૬થી સળંગ DMK નો ગઢ ગણાતી હતી, પરંતુ લીમા રોઝે ૨,૫૦૦ મતોની પાતળી સરસાઈથી જીત મેળવીને વર્ષો જૂના ઈતિહાસને બદલી નાખ્યો છે. આ જીતને તમિલનાડુના રાજકારણમાં મોટો અપસેટ માનવામાં આવે છે.
પુત્ર જોસ ચાર્લ્સ: પુડુચેરીમાં પોતાની પાર્ટી સાથે વિજયી
માત્ર તમિલનાડુ જ નહીં, પણ પુડુચેરીમાં પણ માર્ટિન પરિવારનો સિક્કો ચાલ્યો છે. સેન્ટિયાગો માર્ટિનના પુત્ર જોસ ચાર્લ્સે ગયા વર્ષે જ પોતાની નવી પાર્ટી 'લક્ષ્ય જનનાયક કક્ષી' બનાવી હતી. NDA ગઠબંધન સાથે રહીને તેમણે કામરાજ નગર બેઠક પર ૧૦,૨૦૫ મતોથી ભવ્ય વિજય મેળવ્યો છે. હવે તેઓ પુડુચેરીમાં શાસક પક્ષનો હિસ્સો બનશે.
બધા જ પક્ષો સાથે ગાઢ સંબંધો
સેન્ટિયાગો માર્ટિન હંમેશાથી પ્રભાવશાળી વ્યક્તિત્વ રહ્યા છે. ભૂતકાળમાં કરુણાનિધિ સાથે ફિલ્મોમાં કામ કરવાથી લઈને કેરળમાં ડાબેરી પક્ષો સાથેના સંબંધો સુધી, માર્ટિને દરેક રાજકીય પક્ષમાં મિત્રો બનાવ્યા છે. હવે તેમના જ પરિવારના ત્રણ સભ્યો અલગ પક્ષો (TVK, AIADMK અને પોતાની પાર્ટી) માંથી ચૂંટાઈ આવતા રાજકીય વર્તુળોમાં 'લોટરી કિંગ'ની કુનેહની ચર્ચા થઈ રહી છે.
(6:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
