તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
જગન મોહન રેડ્ડીના બદલાયેલા વલણથી રાજકારણમાં ગરમાવો: એનડીએના સમર્થક રહેલા વાયએસ જગને કોકરોચ જનતા પાર્ટીના નેતાઓની ધરપકડ સામે ઉઠાવ્યો અવાજ
ચૂંટણી પંચની રચના અને પ્રક્રિયા સામે સવાલો ઉઠાવતા આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી; વાયએસઆર કોંગ્રેસ પક્ષના નવા રાજકીય સમીકરણો અને ત્રીજા મોરચાની ચર્ચાઓ જોરશોરથી શરૂ

અમરાવતી : આંધ્રપ્રદેશના રાજકારણમાં એક અત્યંત ચોંકાવનારો અને મોટો રાજકીય બદલાવ જોવા મળી રહ્યો છે. અગાઉ સંસદથી લઈને કેન્દ્ર સ્તરે સતત NDA સરકારને સમર્થન આપતા આવેલા આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વાયએસઆર કોંગ્રેસ પાર્ટી (YSRCP) ના પ્રમુખ વાય.એસ. જગન મોહન રેડ્ડીનું વલણ અચાનક બદલાયું હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. જગન મોહન રેડ્ડીએ હાલમાં જ કોકરોચ જનતા પાર્ટી (CJP) ના નેતાઓ આશુતોષ રંકા અને સૌરભ દાસની દિલ્હીમાં થયેલી અટકાયત અને ધરપકડ સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે.
આ મામલે પ્રતિક્રિયા આપતા જગન મોહન રેડ્ડીએ જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયામાં લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત થવો અત્યંત આવશ્યક છે. સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડથી કોઈ સમસ્યાનો ઉકેલ આવશે નહીં, પરંતુ તેનાથી પરિસ્થિતિ વધુ વણસી શકે છે. તેમણે અગાઉ ચૂંટણી કમિશનરની પસંદગી માટે તૈયાર કરાયેલી ત્રણ સભ્યોની સમિતિ (જેમાં વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા અને પીએમ દ્વારા પસંદ કરાયેલ મંત્રી સામેલ હોય છે) ની પ્રક્રિયા પર પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે માંગ કરી છે કે આ સમિતિમાં દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) ને પણ સામેલ કરવા જોઈએ, જેથી નિષ્પક્ષતા જળવાઈ રહે.
જગન મોહન રેડ્ડીના આ બદલાયેલા મૂડ અને વલણ પાછળ રાજકીય વિશ્લેષકો દ્વારા વિવિધ તર્ક આપવામાં આવી રહ્યા છે. અહેવાલો મુજબ, વાયએસઆરસીપી હવે ડાબેરી પક્ષો અને અન્ય પ્રાદેશિક દળો સાથે સંપર્ક વધારી રહી છે. આંધ્રપ્રદેશમાં હાલ સત્તામાં રહેલી ટીડીપી (TDP) સરકાર સામે વિરોધ પ્રદર્શનો અને સ્થાનિક રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને જગન મોહન રેડ્ડીએ આ રણનીતિ અપનાવી હોવાની ચર્ચા છે. તાજેતરમાં ત્રીજા મોરચાની રચના અંગે પણ રાજકીય ગલિયારામાં ચર્ચાઓ તેજ થઈ છે, જેમાં ડીએમકે અને અન્ય પ્રાદેશિક પક્ષો સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વાયએસ જગન મોહન રેડ્ડીની પાર્ટીએ ભૂતકાળમાં કૃષિ કાયદાઓ, નાગરિકતા સુધારા કાયદો (CAA), કલમ ૩૭૦ નાબૂદી અને સંસદ ભવનના ઉદ્ઘાટન જેવા અનેક રાષ્ટ્રીય મુદ્દાઓ પર કેન્દ્રની એનડીએ સરકારને વગર શરતે ટેકો આપ્યો હતો. પરંતુ હવે રાજ્યના રાજકીય સમીકરણો બદલાતા અને લોકસભા તથા વિધાનસભા ચૂંટણીમાં પરાજયનો સામનો કર્યા બાદ જગન મોહન રેડ્ડીનું આ નવું વલણ આગામી સમયમાં રાષ્ટ્રીય અને રાજ્યના રાજકારણમાં મોટા ફેરફારોના સંકેત આપી રહ્યું છે.
(7:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
