<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

જગુઆર લેન્ડ રોવર (JLR) નો મોટો ઝટકો: વૈશ્વિક મંદી, ટેરિફ અને સાયબર એટેકના કારણે બે વર્ષમાં ૪,૦૦૦ કર્મચારીઓની કરશે છટણી!

રૂ. ૧.૭ બિલિયન પાઉન્ડની બચત કરવા ટાટા ગ્રુપની માલિકી ધરાવતી કાર ઉત્પાદક કંપની યુકેના ૧૨ ટકા વર્કફોર્સમાં કરશે કાપ; બ્રિટન સરકાર તરફથી નાણાકીય બેલઆઉટનો ઇનકાર

લંડન :  બ્રિટનની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની જગુઆર લેન્ડ રોવર (JLR) એ વૈશ્વિક ઓટોમોબાઇલ ક્ષેત્રે ચાલી રહેલી તીવ્ર સ્પર્ધા, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ અને તાજેતરમાં થયેલા સાયબર-હુમલાના આઘાતમાંથી બહાર આવવા માટે આગામી બે વર્ષમાં આશરે ૪,૦૦૦ કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. ટાટા ગ્રુપની માલિકી ધરાવતી આ લક્ઝરી કાર નિર્માતા કંપની રૂ. ૧.૭ બિલિયન પાઉન્ડની જંગી રકમ બચાવવાના ભાગરૂપે તેના યુકે સ્થિત ૩૪,૦૦૦ ના કુલ કાર્યબળમાંથી લગભગ ૧૨ ટકા જેટલો કાપ મૂકવા જઈ રહી છે.

 

JLR ના ચીફ એક્ઝિક્યુટિવ પીબી બાલાજીએ પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ઓટોમોટિવ ઉદ્યોગ હાલમાં ટેકનોલોજીકલ પરિવર્તન, ભૂ-રાજકીય અનિશ્ચિતતા અને ભીષણ સ્પર્ધા સામે ઝઝૂમી રહ્યો છે. કંપનીની સ્પર્ધાત્મકતા સુધારવા અને ભવિષ્યની સફળતા માટે આ આકરા નિર્ણયો લેવા જરૂરી બન્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નોકરી કાપની સૌથી વધુ અસર મેન્યુફેક્ચરિંગ યુનિટ્સના પ્લાન્ટ વર્કર્સ કરતા વરિષ્ઠ મેનેજમેન્ટ અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) વિભાગના કર્મચારીઓ પર પડશે. કંપની આગામી બે વર્ષમાં સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) દ્વારા આ લક્ષ્યાંક હાંસલ કરવા પ્રયાસ કરશે.

 

બીજી તરફ, બ્રિટન સરકાર તરફથી કંપનીને કોઈ નાણાકીય રાહત કે બેલઆઉટ પેકેજ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો છે. બ્રિટિશ વ્યાપાર મંત્રી જોનાથન રેનોલ્ડ્સે સંકેત આપ્યા છે કે કરદાતાઓના નાણાંમાંથી કોઈ નાણાકીય સહાય આપવામાં આવશે નહીં, જોકે કંપનીને અન્ય રીતે મદદ કરવાના રસ્તા શોધાશે. આ પરિસ્થિતિને પગલે યુનિયન નેતાઓ હવે કડક મધ્યસ્થતા કરીને ફરજિયાત છટણીના બદલે કર્મચારીઓના પુનઃપ્રશિક્ષણ અને પુનઃનિયુક્તિ પર ભાર મૂકવાની માંગ કરી રહ્યા છે.

(6:22 PM IST)