<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

જેલ બની હતી આતંકની પાઠશાળાઃ લશ્‍કર-એ-તૈયબાના માસ્‍ટરમાઈન્‍ડ નસીર સહિત ૭ને સાત વર્ષની સજા

દેશ વિરુદ્ધ આતંકનું કાવતરું ઘડનારાઓ પર કાયદાનો સકંજો કસાયોઃ NIAની સ્‍પેશિયલ કોર્ટે કરી કાર્યવાહી

બેંગલુરુ, તા.૨૨: ભારતની સુરક્ષા એજન્‍સી NIA એ દેશ વિરોધી પ્રવળત્તિઓ કરનારા તત્‍વોને મોટો ઝટકો આપ્‍યો છે. બેંગલુરુની પરપ્‍પાના અગ્રાહરા સેન્‍ટ્રલ જેલમાં બેસીને આતંકનું નેટવર્ક ચલાવનારા લશ્‍કર-એ-તૈયબાના ખૂંખાર આતંકવાદી ટી. નસીર અને તેના છ સાથીઓને વિશેષ અદાલતે સાત વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ મામલો ત્‍યારે પ્રકાશમાં આવ્‍યો જ્‍યારે ખબર પડી કે આ ગુનેગારો જેલની અંદર જ નિર્દોષ યુવાનોને શોધી, તેમને કટ્ટરપંથી બનાવી, આતંકવાદી તાલીમ આપી રહ્યા હતા. નસીર, જે અગાઉથી જ ૨૦૦૮ના બેંગલુરુ બ્‍લાસ્‍ટ કેસમાં આજીવન કેદ ભોગવી રહ્યો હતો, તેણે જેલના સળિયા પાછળ રહીને પણ ભારત વિરોધી હિંસક એજન્‍ડાને આગળ ધપાવવાની હિંમત કરી હતી.

આ કેસની તપાસમાં અત્‍યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ આતંકવાદીઓ માત્ર કટ્ટરપંથીકરણ જ નહોતા કરી રહ્યા, પરંતુ બેંગલુરુ શહેરમાં મોટા પાયે આતંકવાદી હુમલા કરવાની યોજના પણ બનાવી રહ્યા હતા. જુલાઈ ૨૦૨૩માં જ્‍યારે આ ટોળકી પાસેથી હથિયારો, દારૂગોળો અને ડિજિટલ ઉપકરણો મળી આવ્‍યા ત્‍યારે સુરક્ષા એજન્‍સીઓના હોશ ઉડી ગયા હતા. NIAની તપાસમાં એ પણ ખૂલ્‍યું હતું કે આ આખું કાવતરું એટલા માટે રચવામાં આવ્‍યું હતું કે જ્‍યારે નસીરને કોર્ટમાં લઈ જવામાં આવે, ત્‍યારે તેને ભગાડી શકાય. આતંકવાદીઓએ ટેકનોલોજી અને ધર્માંતરણના માધ્‍યમથી જેલને જ પોતાની ભરતી ઓફિસ બનાવી દીધી હતી.

NIAએ આ કેસમાં આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ કેસનો એક આરોપી સલમાન ખાન વિદેશ ભાગી ગયો હતો, જેને રવાન્‍ડા પ્રજાસત્તાકમાંથી સફળતાપૂર્વક ભારત પાછો લાવવામાં આવ્‍યો હતો. જોકે, આ કેસનો એક મુખ્‍ય આરોપી જુનૈદ અહેમદ હજુ પણ ફરાર છે અને તેને પકડવા માટે એજન્‍સીઓ દરોડા પાડી રહી છે. આ ચુકાદાએ સાબિત કરી દીધું છે કે જેલની સુરક્ષામાં ગાબડું પાડીને દેશને અસ્‍થિર કરવાના સપના જોનારાઓ સામે ભારતની ન્‍યાયિક પ્રણાલી અત્‍યંત કડક છે. જેલ પ્રશાસન માટે પણ આ એક મોટો સબક છે કે કેદીઓની ગતિવિધિઓ પર બાજ નજર રાખવી કેટલી અનિવાર્ય છે.

 

(3:28 PM IST)