તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
બ્રિટિશ સંસદમાંથી કાલે વિશ્વશાંતિ અને સદભાવનાનો સંદેશ આપશે જૈન આચાર્ય લોકેશજી
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, લોર્ડ લૂંબા સહિત અનેક વૈશ્વિક હસ્તીઓ ઉપસ્થિત રહેશે : હાઉસ ઓફ લોર્ડ્સમાં અહિંસા વિશ્વ ભારતી દ્વારા ‘શાંતિ, સદભાવના અને વિકાસ' વિષય પર આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાશે

નવી દિલ્હી, તા. ૩: વિશ્વમાં શાંતિ, અહિંસા, સદભાવના અને માનવીય મૂલ્યોના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત સંસ્થા અહિંસા વિશ્વ ભારતી દ્વારા કાલે તા. ૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ બ્રિટિશ સંસદના ઐતિહાસિક હાઉસ ઓફ લોર્ડ્સ, લંડન ખાતે ‘શાંતિ, સદભાવના અને વિકાસ' વિષય પર આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન અહિંસા વિશ્વ ભારતી તથા વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક અને વિશ્વશાંતિદૂત જૈન આચાર્ય લોકેશજીના સાનિધ્યમાં કરવામાં આવશે. આ પ્રસંગે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત લોર્ડ લૂંબા, બ્રિટિશ સંસદના સન્માનિત સભ્યો, ગુરુ રાજરાજેશ્વરજી, મહેન્દ્રસિંહ જાડેજા સહિત વિવિધ દેશોની અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓ શાંતિ, સદભાવના અને માનવકલ્યાણના વિષય પર પોતાના વિચારો રજૂ કરશે. લંડન જવા રવાના થતાં પહેલાં ગુરુગ્રામ સ્થિત વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે યોજાયેલા મંગળ ભાવના સમારોહને સંબોધતાં આચાર્ય લોકેશજીએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ યુદ્ધ, હિંસા, આતંકવાદ, વધતા આંતરરાષ્ટ્રીય તણાવ અને પર્યાવરણ સંકટ જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. આવા પડકારજનક સમયમાં સમગ્ર વિશ્વ સમુદાયે શાંતિ, અહિંસા, સહિષ્ણુતા અને પરસ્પર સદભાવનાના માર્ગે આગળ વધવાની જરૂર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યુદ્ધ કોઈપણ સમસ્યાનો કાયમી ઉકેલ હોઈ શકે નહીં. વિશ્વની મોટી સમસ્યાઓનું સમાધાન પણ પરસ્પર વાતચીત, અર્થપૂર્ણ સંવાદ, સહકાર અને વિશ્વાસ દ્વારા શકય છે. માનવતાનું ભવિષ્ય યુદ્ધ અને વિનાશમાં નહીં, પરંતુ શાંતિ, સદભાવના અને સહઅસ્તિત્વમાં સુરક્ષિત છે. આ પ્રસંગે બ્રિટનથી પધારેલાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અધિવક્તા ડો. રેણુ રાજ, અમેરિકાથી પધારેલાં સામાજિક કાર્યકર તરુણા વર્મા અને ભારતના ડો. શૂલપાણીએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, લંડનમાં યોજાનારો આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદ વિશ્વમાં શાંતિ, સદભાવના અને સૌહાર્દની સ્થાપનાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પહેલ છે. આજે સમગ્ર વિશ્વ વિવિધ પ્રકારના સંઘર્ષો, તણાવ અને પડકારોમાંથી પસાર થઈ રહ્યું છે. આવા સમયે આચાર્ય લોકેશજી દ્વારા ચલાવવામાં આવતું શાંતિ અને પરસ્પર સંવાદનું અભિયાન અત્યંત જરૂરી છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
