<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

જયપુર ૨૦૦૮ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ: સુપ્રીમ કોર્ટે આતંકીઓની મુક્તિની અરજી ફગાવી, ૧૫ વર્ષથી જેલમાં સડતા દોષિતોને મોટો આંચકો

ગંભીર અપરાધ ગણાવી સર્વોચ્ચ અદાલતે ફગાવી દલીલો: ૧૩ મે ૨૦૦૮ના રોજ થયેલા આ દર્દનાક બોમ્બ વિસ્ફોટમાં ૭૦ નિર્દોષ લોકોએ ગુમાવ્યા હતા પ્રાણ

નવી દિલ્હી : રાજસ્થાનના ઐતિહાસિક શહેર જયપુરમાં વર્ષ ૨૦૦૮માં થયેલા ચકચારી અને શ્રેણીબદ્ધ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે અત્યંત કડક અને લાલ આંખ કરતું વલણ અપનાવ્યું છે. કોર્ટે આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિત આતંકીઓની જેલમાંથી મુક્ત થવાની તમામ અરજીઓને સદંતર ફગાવી દીધી છે. ન્યાયાલયે આ ગુનાને અત્યંત ગંભીર અને અક્ષમ્ય ગણાવતા દોષિતોને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, જેનાથી કાયદાકીય લડાઈ લડી રહેલા આતંકીઓને મોટો ઝટકો લાગ્યો છે.

 

સુપ્રીમ કોર્ટની બેન્ચ સમક્ષ સુનાવણી દરમિયાન દોષિતોના વકીલે દલીલ કરી હતી કે રાજસ્થાન હાઈકોર્ટે આ જ ગુનાહિત કાવતરા સાથે સંકળાયેલા અન્ય આઠ કેસોમાં મુખ્ય આરોપી આઝમીને અગાઉ જ નિર્દોષ જાહેર કરી દીધો છે. આ સંજોગોમાં નવમા કેસમાં તેની લાંબી અટકાયત ગેરવાજબી છે અને તે પહેલેથી જ ૧૫ વર્ષ કરતાં વધુનો સમય જેલમાં વિતાવી ચૂક્યો છે. જો કે, આ દલીલો સામે એટર્ની જનરલ આર. વેંકટરામણી અને એડિશનલ એડવોકેટ જનરલ શિવમંગલ શર્માએ મજબૂત પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે નવમા બોમ્બનો કેસ અન્ય આઠ કરતા તદ્દન અલગ છે, કારણ કે તેમાં સચોટ પુરાવાઓ મળ્યા છે અને જીવંત બોમ્બ જપ્ત કરવામાં આવ્યો હતો. એક સ્થાનિક દુકાનદારે પણ આરોપી આઝમીની ઓળખ કરી હતી જેને તેણે બોમ્બ લઈ જવા માટે સાયકલ વેચી હતી.

 

ઉલ્લેખનીય છે કે, ૧૩ મે ૨૦૦૮ના રોજ જયપુરમાં નવ અલગ-અલગ ભીડભાડવાળી જગ્યાએ ટિફિન અને સાયકલ દ્વારા બોમ્બ મૂકવામાં આવ્યા હતા. આ પૈકી આઠ સ્થળોએ થયેલા ભયાનક વિસ્ફોટોમાં ૭૦ જેટલા નિર્દોષ નાગરિકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા જ્યારે ૧૮૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. નવમો બોમ્બ ચાંદપોલ વિસ્તારમાં સીતારામજીના મંદિર સામે મૂકવામાં આવ્યો હતો, જેને બોમ્બ ડિસ્પોઝલ ટીમે સમયસર નિષ્ક્રિય કરીને મોટી દુર્ઘટના ટાળી દીધી હતી. વર્ષ ૨૦૨૫માં વિશેષ કોર્ટે આ નવમા બોમ્બ પ્લાન્ટ કરવાના કેસમાં દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી, જેને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

 

(6:09 PM IST)