News of Saturday, 28th November 2026
વડોદરામાંથી પકડાયેલા જૈશના આતંકીના ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર
હવે ATS આરોપી કયા હેતુથી આ વિસ્તારમાં આવ્યો હતો અને હથિયાર ક્યાંથી મેળવ્યું હતું તે સહિતના મુદ્દે પૂછપરછ કરશે

અમદાવાદ,તા.૨૮: વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદમાંથી AK-47 રાઇફલ અને ૨૩ જીવતા કારતૂસ સાથે ઝડપાયેલા જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા હોવાની શંકા ધરાવતા આરોપી મોહમ્મદ શાહિદ ઇસ્લામ કબીરૂદીનને વાઘોડિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ATS અને વાઘોડિયા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીને કોર્ટમાં લઈ જવાયો હતો. સરકારી વકીલ અને ATS દ્વારા ૧૪ દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી, જેને કોર્ટે મંજૂર કરી છે. હવે ATS આરોપી કયા હેતુથી આ વિસ્તારમાં આવ્યો હતો અને હથિયાર ક્યાંથી મેળવ્યું હતું તે સહિતના મુદ્દે પૂછપરછ કરશે.
જરોદમાંથી ઝડપાયેલા આરોપીને વાઘોડિયા જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટ પરિસરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વાઘોડિયા પોલીસ અને ATSની ટીમો આરોપીને સુરક્ષા વચ્ચે કોર્ટ સુધી લઈ આવી હતી. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટ પરિસરમાં સુરક્ષાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આરોપી મોહમ્મદ શાહિદ ઇસ્લામ કબીરૂદીનના રિમાન્ડ મેળવવા માટે સરકારી વકીલ અને ATS દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. તપાસના વિવિધ પાસાંની પૂછપરછ કરવા માટે ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. કોર્ટે સરકારી વકીલ અને ATSની માગણી સ્વીકારી આરોપીના ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં ATS દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જરોદ બસ સ્ટેન્ડ પરથી AK-47 રાઇફલ સાથે એક યુવકને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી પાસેથી અંદાજે ૨૩ કારતૂસ પણ જપ્ત કરવામાં આવ્યાં છે. પ્રાથમિક માહિતી મુજબ, યુવક આસામથી જરોદ આવ્યો હોવાની આશંકા છે. ATSએ આરોપીને કસ્ટડીમાં લઈ હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને કોને પહોંચાડવાનું હતું તે દિશામાં તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, ઝડપાયેલો યુવક આસામથી જરોદ આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, તે કયા હેતુથી જરોદ પહોંચ્યો હતો અને તેની પાસે આટલું ઘાતક હથિયાર કેવી રીતે આવ્યું તે અંગે હજુ સ્પષ્ટ વિગતો સામે આવી નથી. ATS દ્વારા આરોપીને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહીમાં હવે સૌથી મોટો સવાલ AK-47 રાઇફલનાસ્ત્રેતને લઈને છે. આ હથિયાર ક્યાંથી મેળવવામાં આવ્યું હતું, કોણે યુવકને આપ્યું હતું અને તેને આગળ કોને સોંપવાનું હતું તે દિશામાં ATS તપાસ કરી રહી છે. હથિયારની હેરફેર પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે પછી આ મામલો કોઈ વ્યક્તિ પૂરતો મર્યાદિત છે તે જાણવા પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
