તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
જમ્મુ-કાશ્મીર SIAની મોટી કાર્યવાહી : 4 પોલીસકર્મીઓની શહીદીના ગુનેગાર હિઝબુલ આતંકી ઇમ્તિયાઝ કાંડો સામે ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ જારી
સોપોરના હૈગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાનો મુખ્ય સૂત્રધાર પાકિસ્તાનમાં શરણ લઈને બેઠો છે, ત્યારે વૈશ્વિક સ્તરે શિકાર કરવા માટે ઘાતક હથિયાર અજમાવ્યું

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરની સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ આતંકવાદ વિરોધી અભિયાનમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સફળતા મેળવી છે. વર્ષ 2013માં સોપોરના તારજુ (હૈગામ) વિસ્તારમાં સુરક્ષા દળો પર થયેલા ઘાતકી આતંકવાદી હુમલાના મુખ્ય આરોપી અને હિઝબુલ મુજાહિદ્દીનના ખતરનાક કમાન્ડર ઇમ્તિયાઝ અહેમદ કાંડો ઉર્ફે ફયાઝ સામે ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જારી કરી દીધી છે. આ વૈશ્વિક વોરન્ટ જારી થતાંની સાથે જ હવે પાકિસ્તાનના આકાઓ હેઠળ આશરો લઈ રહેલા આ આતંકવાદી માટે દુનિયા નાની થઈ જશે. સોપોરના ક્રાલ્ટાંગનો વતની અને 2010થી સક્રિય એવો આ આતંકી માત્ર આ એક જ કેસમાં નહીં, પરંતુ 15થી વધુ નિર્દોષ લોકોની હત્યા, હથિયારોની દાણચોરી અને નાર્કો-ટેરર ફંડિંગ જેવા અન્ય 10 ગંભીર ગુનાઓમાં પણ ભારત સરકાર માટે મોસ્ટ વોન્ટેડ છે જેને ઓક્ટોબર 2022માં સત્તાવાર રીતે વ્યક્તિગત આતંકવાદી જાહેર કરાયો હતો.
આ આખી ઘટનાની ફ્લેશબેક ડરામણી અને દેશભક્તિના જોશથી ભરેલી છે. 26 એપ્રિલ, 2013ના રોજ, સોપોરના હૈગામ સ્થિત પીર મોહલ્લામાં સ્વયંસંચાલિત (ઓટોમેટિક) હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ ઘાત લગાવીને પોલીસની ગાડી પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં જમ્મુ-કાશ્મીર પોલીસના ચાર જાંબાઝ જવાનો ઘટનાસ્થળે જ શહીદ થયા હતા. શરૂઆતમાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ સંવેદનશીલ કેસની તપાસ 2014માં SIAને સોંપવામાં આવી હતી. એજન્સીએ રાત-દિવસ એક કરીને ડિજિટલ અને લોકલ પુરાવા એકત્ર કર્યા, સાક્ષીઓની કડક પૂછપરછ કરી અને આ પાકિસ્તાન પ્રેરિત આખા નેટવર્કનો પર્દાફાશ કરીને કોર્ટમાં મજબૂત ચ ચાર્જશીટ દાખલ કરી હતી. ઓપરેશન દરમિયાન આ કેસના બે આરોપીઓ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા હતા અને ત્રણ સળિયા પાછળ ધકેલાયા છે, પરંતુ મુખ્ય સૂત્રધાર ઇમ્તિયાઝ કાંડો સરહદ પાર ભાગી છૂટ્યો હતો.
આંતરરાષ્ટ્રીય કાયદાકીય ક્ષેત્રે રેડ કોર્નર નોટિસ એ દુનિયાભરની પોલીસને આરોપીને ગમે ત્યાંથી દબોચી લેવાની સત્તા આપે છે. જોકે, પાકિસ્તાન જેવા દેશોમાંથી આતંકવાદીઓનું પ્રત્યાર્પણ કરાવવું ભારત માટે હંમેશા પડકારજનક રહ્યું છે, તેમ છતાં આ નોટિસના કારણે વૈશ્વિક સ્તરે પાકિસ્તાન પર ડિપ્લોમેટિક દબાણ અસહ્ય બનશે અને કાંડોની આંતરરાષ્ટ્રીય હિલચાલ પર સંપૂર્ણ બ્રેક વાગી જશે. કાશ્મીર ખીણમાં સક્રિય આતંકવાદી માળખાની કમર તોડવા અને શહીદ પરિવારોને સાચો ન્યાય અપાવવા માટે SIAનું આ ગતિશીલ પગલું ભારતીય સુરક્ષા દળોના મનોબળને સાતમા આસમાને પહોંચાડનારું સાબિત થશે. સરકારની સ્પષ્ટ નીતિ છે કે ભારત વિરોધી પ્રવૃત્તિ કરનાર ગમે તે પાતાળમાં પણ છુપાયો હશે, કાયદો તેને શોધીને જ રહેશે.
(6:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
