<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

જમ્મુની સ્પેશિયલ NIA કોર્ટનો આતંકવાદ વિરુદ્ધ મોટો નિર્ણય: પહલગામ નરસંહારના મુખ્ય સૂત્રધાર હાફિઝ સઈદ સામે બિન-જામીનપાત્ર વોરંટ ઈશ્યુ

​પાકિસ્તાનમાં બેસીને નિર્દોષોના લોહીની હોળી ખેલતા લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદ સામે ભારતીય તપાસ એજન્સીઓનો સકંજો મજબૂત, વર્ષ 2025ના પહલગામ આતંકી હુમલામાં સીધી સંડોવણી બદલ કોર્ટે લીધા કડક પગલાં

​જમ્મુ: ભારતીય તપાસ એજન્સીઓએ દેશ વિરોધી અને આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ તત્વો સામે કાર્યવાહીનું નવું અભિયાન હાથ ધર્યું છે. આ કડીમાં, વર્ષ 2025માં જમ્મુ-કાશ્મીરના પહલગામ (બૈસરન) ખાતે આચરવામાં આવેલા ભયાનક આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ અને પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)ના સ્થાપક હાફિઝ સઈદ સામે જમ્મુની સ્પેશિયલ NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) કોર્ટે ગંભીર નોંધ લેતા બિન-જામીનપાત્ર વોરંટ (Non-Bailable Warrant) જાહેર કર્યું છે.

​હુમલાનું કાવતરું અને NIAની તપાસ

NIA દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલા પુરાવાઓ અનુસાર, 22 એપ્રિલ, 2025ના રોજ પહલગામના બૈસરન મેદાનમાં થયેલો આતંકી હુમલો એ પાકિસ્તાન દ્વારા પ્રેરિત અને વ્યવસ્થિત રીતે ઘડવામાં આવેલું એક ક્રૂર કાવતરું હતું. આ હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓ અને નાગરિકોના કરુણ મોત નીપજ્યા હતા. તપાસ દરમિયાન એજન્સીએ વૈજ્ઞાનિક અને ડિજિટલ પુરાવાઓ એકત્રિત કરીને કોર્ટ સમક્ષ એ સાબિત કર્યું છે કે આ હુમલાનું સંચાલન પાકિસ્તાનમાં બેઠેલા હાફિઝ સઈદ અને તેના પ્રોક્સી સંગઠન 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF) દ્વારા કરવામાં આવ્યું હતું.

​ચાર્જશીટમાં ખુલાસો

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ આ કેસમાં પૂરક ચાર્જશીટ પણ દાખલ કરી દીધી છે, જેમાં હાફિઝ સઈદની હુમલામાં સીધી અને મુખ્ય ભૂમિકા હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે. અગાઉ ગત વર્ષે ડિસેમ્બરમાં પાકિસ્તાન સ્થિત હેન્ડલર સાજિદ જટ્ટ સામે પણ તપાસ એજન્સીએ ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટે પોતાના આદેશમાં ભારપૂર્વક જણાવ્યું છે કે, આ કેસની નિષ્પક્ષ અને સંપૂર્ણ તપાસ માટે હાફિઝ સઈદને કસ્ટડીમાં લેવો અને તેની સઘન પૂછપરછ કરવી અત્યંત અનિવાર્ય છે.

​આ આદેશ બાદ હવે આતંકવાદી હાફિઝ સઈદની ધરપકડ માટેની કાયદાકીય પ્રક્રિયા વધુ વેગવાન બની છે. ભારત સરકાર આ આંતરરાષ્ટ્રીય આતંકીને કાયદાના કઠેડામાં લાવવા માટે તમામ સ્તરે પ્રયાસો કરી રહી છે. આ પગલાથી સરહદ પારના આતંકવાદીઓ અને તેમના આકાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

(1:00 PM IST)