તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
ખાનગી સેક્ટરના પ્રથમ ઓર્બિટલ રોકેટ 'વિક્રમ-૧' ના ઐતિહાસિક લોન્ચિંગમાં જામનગરની દીકરીનો સિંહફાળો : સ્કાયરૂટ એરોસ્પેસની કંટ્રોલ સિસ્ટમ લીડ પૃથ્વી સંઘાણીએ રોકેટનું ઓટોપાયલટ ડિઝાઇન કરીને દેશભરમાં મેળવી ભારે નામના
વિભાપર ગામના સામાન્ય પટેલ પરિવારની પુત્રી પૃથ્વી દિનેશભાઈ સંઘાણીએ મિશન આગમન હેઠળ 'વિક્રમ-૧' લોન્ચ વ્હીકલના સફળ પરીક્ષણમાં ભજવી મુખ્ય ભૂમિકા : હરિકોટા ખાતેથી રોકેટે અવકાશમાં ભરી સફળ ઉડાન, જામનગર સહિત સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર, તા.૨૦ જુલાઈ: ભારતના અંતરિક્ષ સંશોધન અને સ્પેસ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ખાનગી કંપનીઓ દ્વારા રચવામાં આવેલા ઇતિહાસમાં ગુજરાત અને ખાસ કરીને જામનગર શહેરનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થયું છે. દેશનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ 'વિક્રમ-૧' (VIKRAM-1) લોન્ચ કરનાર અગ્રણી સ્પેસ સ્ટાર્ટઅપ કંપની 'સ્કાયરૂટ એરોસ્પેસ' (Skyroot Aerospace) સાથે જોડાઈને જામનગરની એક દીકરીએ સમગ્ર દેશ સહિત ગુજરાતભરમાં જામનગર જિલ્લાનું ગૌરવ આસમાને પહોંચાડ્યું છે. જામનગર નજીક આવેલા વિભાપર ગામના એક સામાન્ય પટેલ પરિવારની દીકરી પૃથ્વી દિનેશભાઈ સંઘાણીએ આ ઐતિહાસિક મિશનમાં અત્યંત મહત્વપૂર્ણ જવાબદારી નિભાવીને સ્પેસ સાયન્સ ક્ષેત્રે એક નવો આદર્શ સ્થાપિત કર્યો છે.
પૃથ્વી દિનેશભાઈ સંઘાણીએ સ્કાયરૂટ એરોસ્પેસમાં ગાઇડન્સ નેવિગેશન એન્ડ કંટ્રોલ ટીમ (GNC) માં 'કંટ્રોલ સિસ્ટમ લીડ' તરીકે અત્યંત જટિલ અને મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી હતી. તેમણે 'મિશન આગમન' (Mission Aagaman) અંતર્ગત વિક્રમ-૧ લોન્ચ વ્હીકલ (રોકેટ) માટેના અત્યંત આધુનિક ઓટોપાયલેટ સિસ્ટમને સંપૂર્ણપણે ડિઝાઇન અને ડેવલોપ (વિકસિત) કરી હતી. આ સફળ ડિઝાઇનની મદદથી જ શ્રીહરિકોટા ખાતેથી વિક્રમ-૧ રોકેટનું ઐતિહાસિક અને સફળ પરીક્ષણ શક્ય બન્યું હતું. પૃથ્વી સંઘાણીએ પોતાની સમગ્ર વૈજ્ઞાનિક ટીમ સાથે સહભાગી થઈને જ્યારે આ અદ્દભુત સફળતા પ્રાપ્ત કરી, ત્યારે જામનગરમાં વસતા તેમના પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે હર્ષોલ્લાસ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ હતી.
આ અસાધારણ વૈજ્ઞાનિક સિદ્ધિ પૃથ્વી સંઘાણીએ વર્ષો સુધી પોતાના અભ્યાસક્રમ દરમિયાન કરેલી સખત મહેનત અને સમર્પણનું પરિણામ છે. તેમની શૈક્ષણિક સફરની વાત કરીએ તો, તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જામનગરની જાણીતી હરિયા સ્કૂલમાંથી મેળવી ધોરણ-૧૦ પાસ કર્યું હતું. ત્યારબાદ મોદી સ્કૂલમાંથી ધોરણ-૧૨ સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૬ દરમિયાન તેમણે રાજકોટની આત્મીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સ ખાતેથી 'ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ' વિષય પર બેચલર ઓફ એન્જિનિયરિંગ (B.E.) ની પદવી મેળવી હતી. એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા બાદ સ્પેસ સેક્ટરમાં આગળ વધવા માટે તેમણે વર્ષ ૨૦૧૭ થી ૨૦૧૯ દરમિયાન પૂણેની પ્રતિષ્ઠિત સંસ્થા 'ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ ટેક્નોલોજી' (DIAT) માંથી એરોસ્પેસ એન્જિનિયરિંગ (ગાઇડેડ મિસાઇલ્સમાં વિશેષજ્ઞતા સાથે) માં માસ્ટર ઓફ ટેક્નોલોજી (M.Tech) ની ઉચ્ચ ડિગ્રી હાંસલ કરી હતી.
ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પૃથ્વી સંઘાણીએ વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૧ સુધીના બે વર્ષના સમયગાળા માટે હૈદરાબાદ ખાતે આવેલી સંરક્ષણ મંત્રાલયની પ્રતિષ્ઠિત લેબોરેટરી DRDL, DRDO માં પ્રોજેક્ટ એન્જિનિયર તરીકે પોતાની સેવાઓ આપી હતી, જ્યાં તેમણે મિસાઇલ્સની મિશન અને કંટ્રોલ ડિઝાઇન પર મહત્વપૂર્ણ સંશોધનો કર્યા હતા. ત્યારબાદ, તેઓ વર્ષ ૨૦૨૬ સુધી સ્કાયરૂટ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડમાં GNC એન્જિનિયર પદે જોડાયા હતા અને 'કંટ્રોલ લીડ' તરીકે વિક્રમ-૧ વાહનના ઓટોપાયલટના સફળ વિકાસમાં મહત્તમ યોગદાન આપ્યું હતું. હાલ જૂન ૨૦૨૬ થી પૃથ્વી સંઘાણી એરોસ્પેસ ડિફેન્સના એક નવા જ સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ અંતર્ગત દેશ માટે વધુ આધુનિક ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે, જે ગુજરાતના યુવાનો માટે પ્રેરણારૂપ છે. (તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર)
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
