તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
જન ધન યોજના પર મોટો ખુલાસો: દેશમાં દર ૪ માંથી ૧ જન ધન ખાતું ઇનએક્ટિવ! ૫.૭૨ કરોડથી વધુ ખાતાઓમાં રૂપિયો પણ નથી; RTI માં ચોંકાવનારો આંકડો સામે આવ્યો!
ઉત્તર પ્રદેશ ૩.૨૩ કરોડ નિષ્ક્રિય અને ૯૫.૯૨ લાખ ઝીરો-બેલેન્સ એકાઉન્ટ સાથે દેશમાં ટોચ પર; બેંકિંગ ક્ષેત્રે કનેક્ટિવિટી વધવા છતાં લાખો લાભાર્થીઓ વ્યવહારોથી દૂર.

નવી દિલ્હી, તા. ૦૮: કેન્દ્ર સરકારની સૌથી મહાત્વાકાંક્ષી નાણાકીય સમાવેશન યોજના 'પ્રધાનમંત્રી જન ધન યોજના' (PMJDY) ને લઈને એક ચોંકાવનારો RTI ડેટા સામે આવ્યો છે. દેશના કરોડો ગરીબ અને વંચિત લોકોને ઔપચારિક બેંકિંગ સિસ્ટમ સાથે જોડવા માટે ઓગસ્ટ ૨૦૧૪ માં શરૂ કરાયેલી આ યોજના હેઠળ ખોલવામાં આવેલા દર ચારમાંથી લગભગ એક ખાતું હાલમાં સંપૂર્ણપણે નિષ્ક્રિય (Inoperative) પડ્યું છે. આ ઉપરાંત, દેશભરમાં ૫.૭૨ કરોડથી વધુ એવા ખાતાઓ છે જેમાં એક રૂપિયો પણ જમા નથી એટલે કે તે શૂન્ય બેલેન્સ (Zero-Balance) એકાઉન્ટ છે.
RTI ડેટાના આંકડા દર્શાવે છે કે બેંકિંગ સુવિધાથી વંચિત લોકોને કાગળ પર તો સિસ્ટમમાં લાવવામાં આવ્યા છે, પરંતુ વાસ્તવિકતામાં મોટો વર્ગ આ એકાઉન્ટ્સનો નિયમિત ઉપયોગ કરી રહ્યો નથી. આ યાદીમાં ઉત્તર પ્રદેશ સમગ્ર દેશમાં મોખરે છે, જ્યાં સૌથી વધુ ૩.૨૩ કરોડ જન ધન ખાતાઓ ઇનએક્ટિવ છે. ત્યારબાદ બિહારમાં ૧.૫૯ કરોડ, મધ્ય પ્રદેશમાં ૧.૩૫ કરોડ, પશ્ચિમ બંગાળમાં ૧.૦૨ કરોડ અને મહારાષ્ટ્રમાં ૯૭.૯૪ લાખ ખાતાઓ બંધ હાલતમાં પડ્યા છે. ઝીરો-બેલેન્સ ખાતાઓમાં પણ ઉત્તર પ્રદેશ ૯૫.૯૨ લાખ એકાઉન્ટ્સ સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે બિહાર ૬૨.૩૫ લાખ એકાઉન્ટ્સ સાથે બીજા ક્રમે છે.
જો કુલ જન ધન ખાતાઓની સંખ્યાની વાત કરીએ તો, ઉત્તર પ્રદેશ ૧૦.૫૧ કરોડ ખાતાઓ સાથે સૌથી આગળ છે. બિહારમાં ૭.૦૧ કરોડ, પશ્ચિમ બંગાળમાં ૫.૭૩ કરોડ, રાજસ્થાનમાં ૩.૮૭ કરોડ અને મહારાષ્ટ્રમાં ૩.૮૫ કરોડ એકાઉન્ટ્સ છે.
તમારું જન ધન ખાતું ચાલુ છે કે બંધ? આ રીતે ચેક કરો status:
જો તમે અથવા તમારા કોઈ પરિચિતે લાંબા સમયથી જન ધન ખાતામાં કોઈ લેવડ-દેવડ નથી કરી, તો તે ઇનએક્ટિવ થઈ ગયું હોઈ શકે છે.
- ટોલ-ફ્રી નંબર: તમારી સબંધિત બેંકના હેલ્પલાઇન નંબર પર કોલ કરીને ખાતાની સ્થિતિ જાણી શકો છો.
- ATM અથવા બેંક મુલાકાત: નજીકના ATM પર જઈને મિની સ્ટેટમેન્ટ અથવા બેલેન્સ ચેક કરીને ખબર પડી શકે છે. ઉપરાંત, પાસબુક સાથે સ્થાનિક બેંક શાખાની મુલાકાત લઈને પણ સ્ટેટસ જાણી શકાય છે.
- ફરી સક્રિય (Re-activate) કેવી રીતે કરવું?: જો ખાતું બંધ થઈ ગયું હોય, તો બેંક શાખામાં જઈને સિમ્પલ KYC ફોર્મ અને જરૂરી આધાર/ઓળખ પુરાવાના દસ્તાવેજ સબમિટ કરીને કોઈ પણ ચાર્જ વગર તેને સરળતાથી ફરી ચાલુ કરાવી શકાય છે.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
