<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

જંતર-મંતર પર રાજકીય ગરમાવો: "શિક્ષણ પ્રણાલીમાં ક્રાંતિ લાવવા સોનમ વાંગચુકને બનાવો દેશના શિક્ષણ મંત્રી" : કેજરીવાલનો કેન્દ્ર પર આકરો પ્રહાર

પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દેશમાં સતત થઈ રહેલા પેપર લીક મુદ્દે મોદી સરકારને ઘેરી અને ૨૦૧૧ના અન્ના આંદોલનની યાદ અપાવી ચેતવણી આપી કે, જો યુવાનોનો અવાજ નહીં સંભળાય તો ૨૦૨૯માં સત્તા પલટો નિશ્ચિત છે

નવી દિલ્હી: દિલ્હીના ઐતિહાસિક જંતર-મંતર ખાતે દેશની શિક્ષણ વ્યવસ્થામાં સુધારા અને સતત થઈ રહેલા પેપર લીકના વિરોધમાં ચાલી રહેલા આંદોલનને આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પોતાનું જોરદાર સમર્થન જાહેર કર્યું છે. સતત ૧૯ દિવસથી ભૂખ હડતાલ પર બેઠેલા જાણીતા વૈજ્ઞાનિક અને શિક્ષણ સુધારક સોનમ વાંગચુકની મુલાકાત લઈને કેજરીવાલે કેન્દ્ર સરકાર સામે રણશિંગું ફૂંક્યું છે. તેમણે દેશના વર્તમાન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી અને એક ક્રાંતિકારી પ્રસ્તાવ મુકતા જણાવ્યું કે, જો દેશનું ભવિષ્ય સુધારવું હોય તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોનમ વાંગચુકને દેશના નવા શિક્ષણ મંત્રી નિયુક્ત કરવા જોઈએ. કેજરીવાલે કટાક્ષ કર્યો કે પીએમ મોદી સોનમ વાંગચુકને મંત્રી બનાવતા ડરે છે કારણ કે તેઓ શિક્ષણ પ્રણાલીમાં ક્રાંતિકારી ફેરફારો લાવી દેશે.

પેપર લીકની ગંભીરતા વિશે વાત કરતા કેજરીવાલે પોતાના અંગત અનુભવો શેર કર્યા અને જણાવ્યું કે, "જ્યારે મેં IITની પરીક્ષા પાસ કરી ત્યારે પેપર લીક જેવી કોઈ વસ્તુ અસ્તિત્વમાં જ નહોતી". પરંતુ આજે પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે NEET પરીક્ષાના પેપર લીક થવાના કારણે ૨૦થી વધુ નિર્દોષ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. આ આખી સિસ્ટમ સડી ગઈ છે જ્યાં પેપર લીક થાય છે, તપાસ સમિતિઓ બને છે, ધરપકડ થાય છે અને ફરી આવતા વર્ષની પરીક્ષા માટે લીકની તૈયારીઓ શરૂ થઈ જાય છે. તેમણે સરકારને ગર્વ અને અહંકારમાંથી બહાર આવવા અપીલ કરી અને ૨૦૧૧ના અન્ના હજારેના આંદોલનની યાદ અપાવતા કહ્યું કે, અહંકારી સરકારોનો અંત જંતર-મંતરથી જ શરૂ થાય છે અને જો યુવાનોનો અવાજ નહીં સંભળાય તો ત્રણ વર્ષમાં વર્તમાન સરકારની પણ આવી જ હાલત થશે.

બીજી તરફ, AAPના દિલ્હી પ્રદેશ પ્રમુખ સૌરભ ભારદ્વાજે સોનમ વાંગચુકની સરખામણી મહાત્મા ગાંધી સાથે કરી હતી. તેમણે જણાવ્યું કે લોકો વાંગચુકમાં ગાંધીજીની અહિંસા અને સત્યાગ્રહનું પ્રતિબિંબ જુએ છે, જેઓ દેશના બાળકોના ભવિષ્ય માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકવા તૈયાર છે. ભારદ્વાજે કટાક્ષ કરતા ઉમેર્યું કે, માત્ર ધર્મેન્દ્ર પ્રધાનને હટાવીને નીતિન ગડકરી કે સ્મૃતિ ઈરાની જેવા બીજા કોઈ રાજકારણીને શિક્ષણ મંત્રી બનાવવાથી દેશની શિક્ષણ વ્યવસ્થામાં કોઈ ખાસ ફેરફાર થવાનો નથી. જો સરકાર ખરેખર નવો સકારાત્મક સંદેશ આપવા ઈચ્છતી હોય, તો સોનમ વાંગચુક જેવા બિન-રાજકીય અને બુદ્ધિશાળી વૈજ્ઞાનિકને આ મોટી જવાબદારી સોંપવી જોઈએ. વિપક્ષી નેતાઓ, વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતા પણ હવે આ ૨૦ જુલાઈએ યોજાનારી સંસદ કૂચમાં મોટા પાયે જોડાવા માટે સજ્જ થઈ રહ્યા છે.

(10:35 PM IST)