<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કે ડાન્સ પાર્ટી? NEET પેપર લીક વિરોધ વચ્ચે 'ચક દે ઇન્ડિયા' ગીત પર નેતાજીના ઠુમકાનો વીડિયો વાયરલ

કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા વિજેતા દહિયા સ્ટેજ પર નાચતા ઝડપાયા: ગંભીર આંદોલન વચ્ચે 'વીકએન્ડ વાઇબ્સ' જોઈને સોશિયલ મીડિયા પર લોકોએ લીધી આકરી ફિરકી

નવી દિલ્હી : દેશભરમાં ગાજેલા કથિત NEET પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે દિલ્હીના ઐતિહાસિક જંતર-મંતર પર ચાલી રહેલા આંદોલનમાંથી એક અત્યંત ચોંકાવનારો અને વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યો છે. શિક્ષણ પ્રણાલીની ગંભીર કટોકટી વચ્ચે ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શને આઠમા દિવસમાં પ્રવેશ કર્યો છે, પરંતુ હાલમાં આંદોલન કરતાં પણ વધારે ચર્ચા ત્યાં સ્ટેજ પર થયેલા ડાન્સની થઈ રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક વિડીયો ક્લિપે ઇન્ટરનેટ પર ભારે તોફાન મચાવ્યું છે.

વાયરલ ક્લિપમાં કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સત્તાવાર પ્રવક્તા વિજેતા દહિયા વિરોધ સ્થળ પર બનેલા સ્ટેજ પર અન્ય કેટલાક કાર્યકરો સાથે ફિલ્મ 'ચક દે! ઇન્ડિયા'ના દેશભક્તિના ટાઇટલ ટ્રેક પર જોરદાર ઠુમકા લગાવતા અને ડાન્સ કરતા નજરે પડે છે. જોકે, આ વીડિયો કઈ ચોક્કસ તારીખે શૂટ કરવામાં આવ્યો છે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ વીડિયો સામે આવ્યાના ગણતરીના કલાકોમાં જ તેને ૫૪.૫ હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

"વિરોધ પ્રદર્શન નહીં પણ નાટક ચાલે છે" – નેટીઝન્સ ભડક્યા

વિદ્યાર્થીઓના ભવિષ્ય જેવા સંવેદનશીલ મુદ્દે ચાલી રહેલા આંદોલનમાં નેતાઓનો આવો હળવો અંદાજ જોઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે અને યુઝર્સે આકરી પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું છે:

· એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું, "આ લોકોને જોઈને બિલકુલ એવું નથી લાગતું કે તેઓ કોઈ બાબતે દુઃખી છે કે વિરોધ કરી રહ્યા છે, આ તો પિકનિક મનાવીને આનંદ માણી રહ્યા હોય તેવું લાગે છે."

· બીજા એક યુઝરે લખ્યું, "નેતાજીએ સારું આયોજન કર્યું છે, આ બહાને ઓછામાં ઓછા થોડા લોકો ડાન્સ જોવા તો આવશે અને વિરોધ પ્રદર્શનમાં ભીડ ભેગી થશે!"

· જ્યારે અન્ય એક યુઝરે કમેન્ટ કરી કે, "જંતર-મંતર પર આંદોલન નહીં પણ સસ્તું નાટક અને વીકએન્ડ વાઇબ્સ ચાલી રહ્યા છે."

આ પહેલા 'સાડ્ડા હક' ગીત પર પણ મચાવી હતી ધમાલ

વિવાદો સાથે જૂનો નાતો

આશ્ચર્યની વાત એ છે કે વિજેતા દહિયાનો આવો વીડિયો વાયરલ થયો હોય તેવી આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ જંતર-મંતરના સ્ટેજ પરથી એક ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં તેઓ માઇક હાથમાં લઈને રોકસ્ટાર ફિલ્મના પ્રખ્યાત ગીત "સાડ્ડા હક, આઇથે રખ" પર જોરજોરથી ગાતા અને અન્ય લોકો સાથે સ્ટેજ ગજવતા જોવા મળ્યા હતા.

એક તરફ લાખો વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને લઈને ચિંતામાં ડૂબેલા છે, ત્યારે રાજકીય પક્ષોના મંચ પરથી વિરોધના નામે થતા આવા નૃત્યો આંદોલનની ગંભીરતા પર સવાલો ઉભા કરી રહ્યા હોવાનું વિશ્લેષકો માની રહ્યા છે.

 

(8:37 PM IST)