<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

જંતર-મંતર પર વિરોધ સ્થળ બદલવાની કવાયત: વાર્ષિક 1,300 પ્રદર્શનો પણ ક્ષમતા માત્ર 1,500 ની! દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં આપ્યા ચોંકાવનારા આંકડા!

78 વિદેશી દૂતાવાસો, 99 સરકારી કચેરીઓ અને RML હોસ્પિટલની એમ્બ્યુલન્સ સુવિધાઓ ખોરવાતી હોવાના આધારે જંતર-મંતરને ડિનોટિફાઇ કરવા સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ: ગૃહ મંત્રાલયે નવા વૈકલ્પિક સ્થળો માટે સમિતિ રચી

નવી દિલ્હી:   દિલ્હીના પ્રતિષ્ઠિત જંતર-મંતર ખાતે યોજાતા આંદોલનો અને ધરણાં-પ્રદર્શનોના સ્થળને બદલવાની કાયદાકીય અને વહીવટી પ્રક્રિયા વચ્ચે દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં એક અત્યંત વિગતવાર સોગંદનામું રજૂ કર્યું છે. દિલ્હી પોલીસ કમિશનર અનુરાગ કુમાર દ્વારા રજૂ કરાયેલા અહેવાલ મુજબ, જંતર-મંતર ખાતે વાર્ષિક સરેરાશ 1,300 થી વધુ વિરોધ પ્રદર્શનો યોજાય છે, જ્યારે આ સ્થળની મહત્તમ ક્ષમતા એક સમયે માત્ર 1,500 લોકોની જ છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે બંધારણમાં નાગરિકોને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ તેનો અર્થ એ નથી કે કોઈ સંગઠન કાયમી ધોરણે કોઈ ચોક્કસ સરકારી કે જાહેર સ્થળે આંદોલન કરવાનો અધિકાર માંગી શકે. વિરોધના અધિકારની સાથે સામાન્ય નાગરિકોની સલામતી, વેપાર-રોજગાર, સરકારી કચેરીઓનું કામકાજ અને કટોકટીની સેવાઓનું સંતુલન જાળવવું અનિવાર્ય છે.

સુપ્રીમ કોર્ટમાં 'સ્વાતિ સિંહ વિરુદ્ધ ભારત સંઘ' અને 'એમ.એ. બેબી વિરુદ્ધ ભારત સંઘ' કેસોમાં દાખલ કરાયેલા સોગંદનામામાં પોલીસે જંતર-મંતરને કાયમી આંદોલન સ્થળ તરીકે ડિનોટિફાઇ કરવા પાછળના સુરક્ષા અને ટ્રાફિકના ગંભીર આંકડા રજૂ કર્યા છે. જંતર-મંતરના 3 થી 4 કિલોમીટરના ત્રિજ્યામાં 78 વિદેશી દૂતાવાસો અને રાજદ્વારી મિશનો આવેલા છે. જો અહીં મોટા પાયે હિંસક કે અનિયંત્રિત વિરોધ પ્રદર્શનો થાય તો આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની છબી પર વિપરીત અસર પડી શકે છે. આ ઉપરાંત, આ જ વિસ્તારમાં 99 કેન્દ્ર સરકારની કચેરીઓ અને સંસ્થાઓ (જેમ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા) આવેલી છે, જ્યાં દૈનિક 1.46 લાખથી વધુ લોકોની અવરજવર રહે છે. વારંવારના ટ્રાફિક જામથી આ કામગીરી ખોરવાય છે.

દિલ્હી પોલીસે સ્થાનિક નાગરિકો અને તબીબી સેવાઓ પર પડતી માઠી અસરોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે જંતર-મંતર આસપાસના 3-4 કિલોમીટરના વિસ્તારમાં 7,017 ખાનગી ઘરો (આશરે 36,685 વસ્તી) અને 5,349 સરકારી આવાસો (આશરે 27,881 વસ્તી) આવેલા છે. સતત થતાં પ્રદર્શનોને કારણે રહેવાસીઓને ઘોંઘાટ અને અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે. વધુમાં, નજીકમાં આવેલી રામ મનોહર લોહિયા હોસ્પિટલ તરફ જતી એમ્બ્યુલન્સ અને દર્દીઓની ઈમરજન્સી સેવાઓ પણ આ ટ્રાફિક જામમાં અટવાઈ જાય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જંતર-મંતરના વિકલ્પ રૂપે નવા અને યોગ્ય આંદોલન સ્થળો ઓળખી કાઢવા માટે એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે.

(9:55 PM IST)