News of Monday, 29th June 2026
જંતર-મંતર પર સળગતી ચિંગારી: સોનમ વાંગચુકની ભૂખ હડતાળ બીજા દિવસે પ્રવેશી, પ્રશાસન સામે માનવતાના નેવે મૂકવાના લાગ્યા ગંભીર આરોપ
શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે વિદ્યાર્થીઓ-ખેડૂતોનું સમર્થન વકર્યું: વિરોધ સ્થળે પોર્ટેબલ શૌચાલય અને પાણી રોકવામાં આવ્યા હોવાનો CJPનો દાવો

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીનું જંતર-મંતર ફરી એકવાર મોટા આંદોલનનું કેન્દ્ર બન્યું છે. જાણીતા પર્યાવરણ અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની અનિશ્ચિત મુદ્દતની ભૂખ હડતાળ આજે બીજા દિવસે પ્રવેશી ચૂકી છે. વિવિધ પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ અને અનિયમિતતાના મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા ૨૦ જૂનથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં હવે સોનમ વાંગચુક જોડાતા આ આંદોલન વધુ ઉગ્ર બન્યું છે.
પ્રશાસન સામે મૂળભૂત સુવિધાઓ રોકવાનો આરોપ
આંદોલન જેમ-જેમ વેગ પકડી રહ્યું છે, તેમ-તેમ વહીવટીતંત્ર અને પ્રદર્શનકારીઓ વચ્ચેનો તણાવ પણ વધી રહ્યો છે. CJPના સ્થાપક અભિજીત દીપકેએ દિલ્હી પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું છે કે, ધોમધખતા તાપમાં અનિશ્ચિત ઉપવાસ પર બેઠેલા સોનમ વાંગચુક માટે વિરોધ સ્થળે પોર્ટેબલ શૌચાલય રાખવાની મંજૂરી પોલીસે નકારી દીધી છે. એટલું જ નહીં, જંતર-મંતર પર આવેલા જાહેર શૌચાલયોમાં પાણીનો પુરવઠો પણ બંધ કરી દેવાયો હોવાનો દાવો કરાયો છે, જેના કારણે પ્રદર્શનકારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
જનસમર્થનનો પ્રવાહ: બિહારથી લઈને પંજાબ સુધીના લોકો જોડાયા
આ આંદોલનને દેશભરમાંથી, ખાસ કરીને વિદ્યાર્થીઓ, યુવાનો અને ખેડૂત સંગઠનો તરફથી અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલી વિગતો અનુસાર, એક સામાન્ય નાગરિક જનરલ ટ્રેનની ટિકિટ લઈને ખાસ બિહારથી આ આંદોલનમાં ભાગ લેવા દિલ્હી પહોંચ્યો છે.
ઉપવાસની શરૂઆત કરતા પહેલા સોનમ વાંગચુક અને અભિજીત દીપકેએ રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. જોકે, આંદોલનને કચડી નાખવાના પ્રયાસોના ભાગરૂપે ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબના કેટલાય ખેડૂત નેતાઓને દિલ્હી પહોંચતા રોકવા માટે અગાઉથી જ નજરકેદ કરવામાં આવ્યા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.
હાલમાં જંતર-મંતર પર સેંકડો વિદ્યાર્થીઓ છાવણી નાખીને બેઠા છે અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારા તેમજ જવાબદારો સામે કડક પગલાંની માંગ પર અડગ છે. વાંગચુકે સરકારને બે દિવસની નવી સમયમર્યાદા આપી છે, જેના કારણે આગામી દિવસોમાં આ વિરોધ વધુ તીવ્ર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
