<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

જાપાનના પીએમ સના તાકાઈચી ભારત પ્રવાસે : પીએમ મોદી સાથે યોજાશે હાઈ-પ્રોફાઈલ શિખર મંત્રણા

સંરક્ષણ, સેમિકન્ડક્ટર્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ગ્લોબલ મુદ્દાઓ પર અબજો ડોલરના કરારો સાથે બંને દેશો વૈશ્વિક મંચ પર ચીનને ઘેરવા માટે નવી વ્યુહરચના ઘડશે

નવી દિલ્હી:  એશિયાના બે સૌથી શક્તિશાળી લોકશાહી દેશો વચ્ચેના સંબંધોમાં એક નવો રોમાંચક વળાંક આવવા જઈ રહ્યો છે. જાપાનના વડા પ્રધાન સના તાકાઈચી ૧ થી ૩ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન તેમની પ્રથમ સત્તાવાર મુલાકાતે ભારત આવી રહ્યા છે. આ મુલાકાત માત્ર ઔપચારિક નથી, પરંતુ બદલાતા વૈશ્વિક સમીકરણો વચ્ચે ૧૬મી ભારત-જાપાન વાર્ષિક સમિટ દેશના ભવિષ્ય માટે અત્યંત મહત્વની સાબિત થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની આ હાઈ-વોલ્ટેજ દ્વિપક્ષીય બેઠક પર આખી દુનિયાની નજર મંડાયેલી છે. પ્રધાનમંત્રી તાકાઈચી ૧ જુલાઈની સાંજે નવી દિલ્હીના પાલમ એરફોર્સ સ્ટેશન પર ઉતરાણ કરશે, જ્યાં તેમનું ભવ્ય સત્તાવાર સ્વાગત કરવામાં આવશે.

૨ જુલાઈના રોજ સવારે રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર સાથે ઔપચારિક સ્વાગત બાદ હૈદરાબાદ હાઉસ ખાતે બંને નેતાઓ વચ્ચે મુખ્ય મંત્રણા શરૂ થશે. આ બેઠકમાં સંરક્ષણ, આર્થિક સુરક્ષા, વેપાર, રોકાણ, સેમિકન્ડક્ટર્સ, ક્લીન એનર્જી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા ભવિષ્યના મહત્વના ક્ષેત્રો પર ગહન ચર્ચા થશે. બપોરે ૧:૧૦ વાગ્યે બંને દેશો વચ્ચે અબજો રૂપિયાના ઐતિહાસિક સમજૂતી કરારો (MoUs) ની આપ-લે કરવામાં આવશે, જે ડિજિટલ અને ડિફેન્સ સેક્ટરમાં ક્રાંતિ લાવશે. ત્યારબાદ પીએમ મોદી અને પીએમ તાકાઈચી મીડિયા સમક્ષ સંયુક્ત પ્રેસ નિવેદન જારી કરીને આ નવી ભાગીદારીની જાહેરાત કરશે.

આ મુલાકાતનો સૌથી મોટો એજન્ડા ગયા વર્ષે હસ્તાક્ષર કરાયેલ "આર્થિક સુરક્ષા સહકાર પર સંયુક્ત ઘોષણા" ને વાસ્તવિક જમીન પર ઉતારવાનો છે. આ કરાર હેઠળ બંને દેશોની સેનાઓ વચ્ચે સંકલન વધારવા, આધુનિક લશ્કરી કવાયતો કરવા અને સંરક્ષણ ક્ષમતાઓને અત્યંત મજબૂત કરવા પર ભાર મુકાશે. બપોરે ૩ વાગ્યે હોટેલ તાજ પેલેસ ખાતે યોજાનારા ભારત-જાપાન બિઝનેસ ફોરમમાં બંને દેશોના ટોચના ઉદ્યોગપતિઓ મોટા રોકાણોની જાહેરાત કરે તેવી સંભાવના છે. ત્રણ દિવસની આ તોફાની અને વ્યૂહાત્મક યાત્રા પૂર્ણ કરીને જાપાનના વડા પ્રધાન ૩ જુલાઈના રોજ સવારે ૧૧ વાગ્યે ટોક્યો જવા રવાના થશે.

(10:00 PM IST)