હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

વોશિંગ્ટન: યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે H-1B વિઝાધારક વિદેશી કામદારોને "ઇન્ડેન્ચર્ડ લેબર"કહેવાના પોતાના નિવેદન પર વિવાદ વધતા સત્તાવાર સ્પષ્ટતા કરી છે. વાન્સે સ્વીકાર્યું હતું કે તેમનું નિવેદન ખોટું હોઈ શકે છે. સાથે જ તેમણે પોતાના ભારતીય મૂળના સાસરિયાઓ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વિદેશી કામદારોનું યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્વાગત કરવું જોઈએ, પરંતુ સ્થાનિક અમેરિકન નાગરિકોની નોકરીઓ અને હિતોનું રક્ષણ કરવું પણ તેટલું જ મહત્વપૂર્ણ છે.
પોતાના પરિવારનો ઉલ્લેખ કરતા જેડી વાન્સે જણાવ્યું હતું કે, "હું મારા સાસુ અને સસરાને ખૂબ પ્રેમ કરું છું, જેઓ દક્ષિણ ભારતથી અમેરિકા આવ્યા હતા. તેમની પુત્રી અમેરિકામાં જન્મી હતી અને આજે તે યુનાઇટેડ સ્ટેટ્સની સેકન્ડ લેડી છે. મને તેમના પર ગર્વ છે." ઉલ્લેખનીય છે કે વાન્સની પત્ની ઉષા વાન્સ ભારતીય મૂળના છે.
આ અગાઉ, અમેરિકન કંપનીઓને સ્થાનિક કર્મચારીઓને પ્રાથમિકતા આપવાની વિનંતી કરતી વખતે વાન્સે વિદેશી કામદારો માટે "ઇન્ડેન્ચર્ડ લેબર" શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેનો ઐતિહાસિક સંદર્ભ વસાહતી કાળના શોષણકારી મજૂરો સાથે જોડાયેલો હોવાથી ભારે વિવાદ ઊભો થયો હતો. ભારતના વિદેશ મંત્રાલયે વાન્સની આ ટિપ્પણીઓને "અયોગ્ય અને અત્યંત અપમાનજનક" ગણાવીને યુએસ અર્થતંત્રમાં ભારતીય વ્યાવસાયિકોના યોગદાનને અવગણવા બદલ સખત વાંધો વ્યક્ત કર્યો હતો.
જેડી વાન્સે પોતાના વલણનો બચાવ કરતા કહ્યું હતું કે, "અમેરિકન કર્મચારીને નોકરીમાંથી દૂર કરીને વિદેશી કર્મચારીને રાખવો યોગ્ય નથી." તેમણે એક કંપનીનું ઉદાહરણ આપતા કહ્યું કે સ્થાનિક કર્મચારીઓ ન મળવાનું બહાનુ બનાવીને વિદેશી એકાઉન્ટન્ટને રાખવા માટે અગાઉથી કામ કરતા અમેરિકન એકાઉન્ટન્ટને કાઢી મૂકવો એ ઇમિગ્રન્ટ કે અમેરિકન કામદાર બંનેમાંથી કોઈના માટે યોગ્ય નથી. તેમણે ઉમેર્યું કે તેમનો ધ્યેય ઇમિગ્રન્ટ્સને નકારવાનો નથી પરંતુ દેશમાં સામાજિક સંવાદિતા અને સ્થાનિક સમુદાયોની રચના જાળવી રાખવાનો છે.
આ સમગ્ર વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા કાયમી શ્રમ પ્રમાણપત્ર સહિત રોજગાર-આધારિત ગ્રીન કાર્ડ પ્રક્રિયા સંબંધિત કેટલીક ફાઇલિંગ પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ નિર્ણયથી માઇક્રોસોફ્ટ, કોગ્નિઝન્ટ, ઇન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ ), વિપ્રો, HCL અને કેપજેમિની જેવી અગ્રણી આઇટી કંપનીઓ અને તેમાં કામ કરતા હજારો ભારતીય આઇટી વ્યાવસાયિકો પર સીધી અસર પડી છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM