News of Saturday, 24th October 2026
સાઉદી અરેબિયા સામેના પ્રચાર યુદ્ધમાં હુથી વિદ્રોહીઓ દ્વારા જેફરી એપસ્ટેઇન ફાઇલોનો શસ્ત્ર તરીકે ભરપૂર ઉપયોગ: વૈશ્વિક સ્તરે મચી ચકચાર
મક્કાના પવિત્ર કાબાના કવર અને શાહી દરબારના વિવાદોને જોડીને સાઉદી નેતૃત્વની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવી રહી છે ઈરાન સમર્થિત હુથી ગેંગ

સના (યમન) : મધ્ય પૂર્વના દેશ યમનમાં ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષ અને લડાઈ વચ્ચે ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયા વિરુદ્ધ એક નવું જ ડિજિટલ અને માનસિક પ્રચાર યુદ્ધ છેડ્યું છે. સાઉદી નેતૃત્વની ધાર્મિક વિશ્વસનીયતા અને નૈતિક સત્તાને નબળી પાડવા માટે હુથીઓ દ્વારા કુખ્યાત અમેરિકન જાતીય ગુનેગાર જેફરી એપસ્ટેઇનની વિવાદાસ્પદ ફાઇલોમાં આવેલા ખુલાસાઓનો મોટા પાયે શસ્ત્ર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા અને મજબૂત મીડિયા નેટવર્ક દ્વારા ચલાવવામાં આવી રહેલા આ પ્રોપેગેન્ડાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા જાગી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં એવા અહેવાલો છે કે સાઉદી શાહી દરબારના સહયોગીઓ દ્વારા મક્કામાં આવેલા ઇસ્લામના સૌથી પવિત્ર સ્થળ કાબાને આવરી લેતી પવિત્ર ટેપેસ્ટ્રી (કવર) એપસ્ટેઇનના ખાનગી ટાપુ પર મોકલવામાં આવી હતી. ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ સહિતના અહેવાલો ટાંકીને હુથીઓએ આ મુદ્દાને અત્યંત ચતુરાઈથી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે અને સાઉદી શાસકો ઈસ્લામિક મૂલ્યો સાથે દગો કરી રહ્યા હોવાનો દેખાવ ઊભો કરીને મુસ્લિમ જગતમાં તેમની છબી ખરડાવવાના પ્રયાસો તેજ કર્યા છે.
સપ્ટેમ્બર મહિનામાં સાઉદી અરેબિયા દ્વારા હુથીઓ પર મક્કા તરફ ડ્રોન હુમલો કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો, જેને હુથી નેતાઓએ સદંતર નકારી કાઢ્યો હતો. આ આરોપ-પ્રત્યારોપ વચ્ચે હુથી નેતા મહદી અલ-મશાતે વળતો પ્રહાર કરતા નિવેદન આપ્યું હતું કે, "જે લોકોએ એપસ્ટેઇનને કાબાનું કવર આપ્યું હતું, તેઓ જ મક્કાને નિશાન બનાવી રહ્યા છે." આ પ્રકારના પ્રતીકાત્મક અને ધાર્મિક મુદ્દાઓને જોડીને હુથીઓએ સાઉદી અરેબિયાની છબીને ખરાબ કરવા માટે આક્રમક રણનીતિ અપનાવી છે.
હુથી જૂથે ટેલિવિઝન, રેડિયો, સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સને આવરી લેતું એક અત્યંત શક્તિશાળી સંચાર નેટવર્ક વિકસાવ્યું છે. આ પ્રચાર અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે યમનના લોકપ્રિય હાસ્ય કલાકારો અને મ્યુઝિક વિડિયોનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને મુખ્ય લક્ષ્ય બનાવીને સોશિયલ મીડિયા પર બનાવવામાં આવેલા કટાક્ષભર્યા વિડિયોઝને લાખો લોકો જોઈ રહ્યા છે, જેના દ્વારા રાજકીય સંદેશાઓને યુવા વર્ગ અને વૈશ્વિક પ્રેક્ષકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.
ઈરાનની ડિજિટલ રણનીતિની નકલ કરીને હુથીઓ દ્વારા એનિમેશન અને વાયરલ મિમ્સના માધ્યમથી સાઉદી વિરોધી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ પશ્ચિમી દેશોના કેટલાક વિવાદાસ્પદ પોડકાસ્ટર્સ અને સોશિયલ મીડિયા પ્રભાવકો પણ આ એપસ્ટેઇન ફાઇલોના મુદ્દાને ટાંકીને હુથીઓની પ્રશંસા કરી રહ્યા છે, જેના કારણે આ પ્રાદેશિક સંઘર્ષ હવે વૈશ્વિક ડિજિટલ યુદ્ધમાં પરિવર્તિત થઈ ગયો છે.
યમનમાં વર્ષોથી ચાલી રહેલા સૈન્ય હસ્તક્ષેપ અને તેના કારણે સર્જાયેલા ગંભીર માનવતાવાદી સંકટની પીડાને પણ આ પ્રચાર અભિયાનમાં મોટું હથિયાર બનાવાયું છે. ભૌતિક યુદ્ધભૂમિની સાથેસાથે સોશિયલ મીડિયા અને પ્રચારના મોરચે લડાઈ રહેલી આ લડાઈ આગામી સમયમાં મધ્ય પૂર્વના રાજકીય સમીકરણો પર મોટી અસરો છોડી શકે છે તેવી સંભાવના નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
