<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

જ્‍વેલરનો નોકર ૧૯.૮૦ લાખ રૂપિયાના અસલી દાગીના ચોરીને નકલી ગોઠવી ગયો

CCTV કેમેરાએ ભાંડો ફોડ્‍યો એટલે ઝવેરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

મુંબઇ તા.૨૯: ખાર-વેસ્‍ટના આંબેડકર રોડ પર આવેલા એક જાણીતા જ્‍વેલર પાસે કામ કરતો નોકર માલિકની ગેરહાજરીમાં અસલીને બદલે નકલી દાગીના ગોઠવીને આશરે ૧૯,૮૦,૦૦૦ રૂપિયાની કિમતના ૧૩૨ ગ્રામ સોનાના દાગીના લઈ રફુચક્કર થઈ ગયો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે ગઈ કાલે જ્‍વેલરી-શોપના ૩૭ વર્ષના માલિકે ખાર પોલીસ-સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ બાબતની જાણ ત્‍યારે થઈ જ્‍યારે પચીસ જૂને એક ગ્રાહકને બ્રેસલેટ બતાવતી વખતે કસોટી પર તપાસતાં એ નકલી નીકળ્‍યું હતું. શંકા જતાં તેમણે સ્‍ટોક ચેક કર્યો તો શોપમાંથી સોનાનાં બ્રેસલેટ, ગળાની ચેઇન અને ૨૩ નંગ સોનાની અંગૂઠીઓ સહિત કુલ ૧૩૨ ગ્રામ અસલી દાગીના ગાયબ હતા અને એની જગ્‍યાએ પીળી ધાતુના નકલી દાગીના ગોઠવેલા હતા. દુકાનમાં છેલ્‍લા ૬ મહિનાથી કામ કરતા નોકર પર શંકા જતાં જ્‍યારે પૂછપરછ કરવામાં આવી ત્‍યારે તેણે ઉડાઉ જવાબ આપ્‍યા હતા અને માલિકની નજર ચૂકવીને પોતાનો મોબાઇલ ફોન દુકાનમાં જ મૂકીને ભાગી છૂટ્‍યો હતો.

ખાર પોલીસ સ્‍ટેશનના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘આ ઘટના બાદ જ્‍વેલરી શોપના માલિકે દુકાનમાં લાગેલા ઘ્‍ઘ્‍વ્‍સ્‍ કેમેરાનાં ફુટેજ તપાસતાં નોકરની કરતૂત કેમેરામાં કેદ થયેલી જોવા મળી હતી. ૨૪ જૂને જ્‍યારે માલિક અને અન્‍ય એક જૂનો નોકર દુકાનની બહાર ગયા હતા ત્‍યારે આરોપી નોકરે પોતાના ખિસ્‍સામાંથી નકલી ચેઇન કાઢીને ડિસ્‍પ્‍લે બોક્‍સમાં મૂકી દીધી હતી અને અસલી સોનાની ચેઇન પોતાના ખિસ્‍સામાં સરકાવી દીધી હતી. માલિકે જ્‍યારે કામાઠીપુરા ખાતે નોકરના ઘરે તપાસ કરી તો જાણવા મળ્‍યું કે તેની પત્‍ની પણ બેગ લઈને ક્‍યાંક ભાગી ગઈ છે. ચોરી થયેલા દાગીનામાં ૧૨.૬૦ લાખની કિમતની ૨૩ વીંટીઓ અને અલગ-અલગ વજનની સોનાની ત્રણ ચેઇન તથા બ્રેસલેટ સામેલ છે. આ કેસમાં નાસી ગયેલા નોકરની શોધ હાથ ધરવામાં આવી છે.

(9:52 AM IST)