તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
૨,૫૦૦ સરકારી નિમણૂકો રદ કરવાના વિવાદમાં ઝારખંડ હાઈકોર્ટ લાલઘૂમ: સરકારને ફટકાર લગાવી ૪૮ કલાકનું અલ્ટિમેટમ, રદ્દીકરણના આદેશ પર સ્ટે યથાવત!
JPSC અને JSSC ભરતી કૌભાંડ મામલે ચાર અઠવાડિયાનો સમય માગતા રાજ્ય સરકાર પર કોર્ટ નારાજ; ૨,૫૦૦ ઉમેદવારોના ભવિષ્ય સાથે જોડાયેલા ગંભીર મુદ્દે કડક વલણ

રાંચી : ઝારખંડમાં સરકારી ભરતી પ્રક્રિયાને લઈને ચાલી રહેલા ભારે ઘમાસાણ વચ્ચે ઝારખંડ હાઈકોર્ટે રાજ્ય સરકારને મોટો ઝાટકો આપ્યો છે. ૧૧મી અને ૧૩મી JPSC સિવિલ સર્વિસ પરીક્ષાઓ સહિત JSSC-CGL, CDPO અને FSO ની આશરે ૨,૫૦૦ જેટલી સરકારી નિમણૂકો રદ કરવાના સરકારના નિર્ણય સામે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે નિમણૂકો રદ કરવાના આદેશ પર પોતાનો સ્ટે (મનાઈહુકમ) યથાવત રાખતા ઝારખંડ સરકારને પોતાનો જવાબ દાખલ કરવા માટે માત્ર ૪૮ કલાકનું આકરું અલ્ટિમેટમ આપ્યું છે.
હાઈકોર્ટના જસ્ટિસ દીપક રોશનની ખંડપીઠ સમક્ષ આ મામલે રજૂ કરાયેલી વિવિધ અરજીઓ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે પોતાનો પક્ષ અને સોગંદનામું રજૂ કરવા માટે કોર્ટ પાસે ૪ અઠવાડિયાં (એક મહિના) નો લાંબો સમય માગ્યો હતો. જોકે, હાઈકોર્ટે આ વિનંતીને ફગાવી દેતાં ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં સંભળાવ્યું હતું કે, "આ મામલો અત્યંત ગંભીર છે અને આશરે ૨,૫૦૦થી વધુ યુવાનો અને અધિકારીઓના ભવિષ્ય સાથે જોડાયેલો છે, તેથી આટલો લાંબો સમય આપી શકાય નહીં."
ઉલ્લેખનીય છે કે, JPSC અને JSSC દ્વારા યોજાયેલી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કૌભાંડના આક્ષેપો બાદ સરકારે હજારો નિમણૂકો રદ કરવાનો આદેશ આપ્યો હતો, જેને અસરગ્રસ્ત ઉમેદવારોએ કોર્ટમાં પડકાર્યો હતો. હવે હાઈકોર્ટના કડક વલણ અને ૪૮ કલાકના અલ્ટિમેટમ બાદ ઝારખંડના રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આગળની સુનાવણીમાં સરકાર શું ખુલાસો કરે છે તેના પર સૌની નજર ટકેલી છે.
(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
