<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

ઝારખંડ પેપર લીક કૌભાંડ: જે.પી.એસ.સી. પરીક્ષા ગેરરીતિમાં સી.આઈ.ડી. દ્વારા વધુ ૫ પકડાયા, ધરપકડનો આંકડો ૧૯ થયો, કોકરોચ જનતા પાર્ટીનો વિદ્યાર્થી આંદોલનને ટેકો

હજારો વિદ્યાર્થીઓ પેપર લીક કૌભાંડ અંગે રાંચીના જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમ ખાતે ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે: વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર નાથ મહતો સહિત પાંચ યુવક યુવતીઓ અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ પર: સમગ્ર કૌભાંડની તપાસ સી.બી.આઈ. અથવા હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોની પેનલ દ્વારા કરાવવાની માંગ

રાંચી: ઝારખંડમાં સરકારી ભરતી પરીક્ષાઓમાં થયેલી કથિત ગેરરીતિઓ અને પેપર લીક મામલે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (જે.પી.એસ.સી.) અને ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન (જે.એસ.એસ.સી.) દ્વારા લેવાયેલી પરીક્ષાઓમાં થયેલા કૌભાંડની તપાસ કરી રહેલી રાજ્યની સી.આઈ.ડી. (ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ) ટીમે વધુ ૫ આરોપીઓની ધરપકડ કરી છે, જેથી આ કેસમાં કુલ પકડાયેલા આરોપીઓનો આંકડો ૧૯ પર પહોંચી ગયો છે.

હજારો વિદ્યાર્થીઓ પેપર લીક કૌભાંડ અંગે રાંચીના જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમ ખાતે ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે. વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર નાથ મહતો સહિત અન્ય પાંચ યુવાનો અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ પર બેઠા છે. વિદ્યાર્થીઓ આ સમગ્ર કૌભાંડની તપાસ સી.બી.આઈ. (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) અથવા હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોની પેનલ દ્વારા કરાવવાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન નીટ પેપર લીક વિરુદ્ધ દિલ્હીના જંતર મંતર પર મોટું આંદોલન કરનાર 'કોકરોચ જનતા પાર્ટી' (સી.જે.પી.) ના સ્થાપક અભિજીત દીપકે પણ ઝારખંડના વિદ્યાર્થીઓના આ આંદોલનને પોતાનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પણ નિવેદન આપ્યું છે કે સરકાર વિદ્યાર્થીઓની માંગણીઓ પ્રત્યે ગંભીર છે અને યોગ્ય સમયે પારદર્શક નિર્ણય લેવામાં આવશે.

(9:34 AM IST)