તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
જિનપિંગને ખુબજ પસંદ આવી ભારતની ચાઃ મોદી અને પુતિન સાથે માણ્યો સ્વાદ
બ્રિક્સ સમિટમાં વૈશ્વિક રાજદ્વારી વચ્ચે મિત્રતાના અનોખા દ્રશ્યો

નવી દિલ્હી, તા.૧૪: ભારત મંડપમ ખાતે યોજાયેલી ૧૮મી બ્રિક્સ સમિટ દરમિયાન વૈશ્વિક રાજકારણના મંચ પરથી એક ખૂબ જ આકર્ષક અને સૌહાર્દપૂર્ણ દ્રશ્ય સામે આવ્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એકસાથે બેસીને ભારતીય ચાની ચૂસ્કી લેતા નજરે પડ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં ચીનના રાષ્ટ્રપતિ આંખો બંધ કરીને ચાના સ્વાદમાં તલ્લીન થતા જોવા મળ્યા હતા, જેને લઈને વિશ્વભરમાં ભારે ચર્ચા ચાલી રહી છે. ત્રણેય દિગ્ગજ નેતાઓની આ નિકટતા અને ચાની પ્યાલી સાથેની હળવાશની ક્ષણો વૈશ્વિક સ્તરે એશિયન શક્તિના એકાત્મક પ્રદર્શન સમાન બની રહી છે.
આ શિખર સંમેલનમાં ભારતની અધ્યક્ષતા હેઠળ દિલ્હી ઘોષણા પર તમામ સભ્ય દેશો વચ્ચે સર્વસંમતિ સધાઈ હતી, જે ભારતની કૂટનીતિક સફળતાનો મોટો પુરાવો છે. વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર મતભેદો હોવા છતાં ભારતે પોતાની કુશળતાથી તમામ રાષ્ટ્રોને એક મંચ પર લાવીને સંયુક્ત નિવેદન પાસ કરાવ્યું છે, જેણે આંતરરાષ્ટ્રીય રાજદ્વારી ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો છે.
આ બેઠકોની સાથે જ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી દ્વિપક્ષીય મંત્રણામાં ભારત-ચીન સંબંધોને વધુ મજબૂત કરવા તથા સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. બંને નેતાઓએ પરસ્પર સમજણ વધારીને તમામ મતભેદોને માત્ર વાતચીતના માધ્યમથી જ ઉકેલવાની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી છે, જે આગામી સમયમાં વૈશ્વિક શાંતિ અને સહયોગ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
