<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

સૌરાષ્ટ્રના ખંભાળિયાના જીતેન્દ્ર મેઘજીભાઈ કણજારીયાને ટિકિટ મળતા દેવભૂમિ દ્વારકા જિલ્લા અને સતવારા સમાજમાં ભારે આનંદ: સતવારા સમાજને પ્રથમ વખત રાજ્યસભાના સાંસદ જેવું અત્યંત ઊંચું અને મહત્વપૂર્ણ પદ પ્રાપ્ત થયું

જિલ્લા પંચાયતમાં ટિકિટ નહીં મેળવનાર જીતેન્દ્ર કણજારીયાને ભાજપે સીધા રાજ્યસભાના સાંસદ બનાવ્યા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના સતવારા સમાજને પ્રથમ વખત મળ્યું રાજ્યસભાનું મોટું અને ગૌરવવંતુ પદ

જામ ખંભાળિયા: (કૌશલ સવજાણી દ્વારા) રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે ગુજરાતની ૪ બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ખંભાળિયાના વતની અને અગાઉ જિલ્લા પંચાયતમાં રેકોર્ડ બ્રેક લીડથી જીતનાર જીતેન્દ્ર મેઘજીભાઈ કણજારીયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સતવારા સમાજમાંથી પ્રથમ વખત કોઈને રાજ્યસભાના સાંસદનું પદ મળતા સમગ્ર સમાજ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જશ્નનો માહોલ છે.

 

ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાંથી ખાલી પડતી રાજ્યસભાની ચાર બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ભાજપે જાહેર કરેલા ઉમેદવારોમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના શ્રી જીતેન્દ્ર મેઘજીભાઈ કણજારીયાને રાજ્યસભાના સાંસદ તરીકે ઉમેદવાર બનાવીને સૌને ચોંકાવી દીધા છે.

 

જીતેન્દ્રભાઈ એ ખંભાળિયાના સ્વર્ગસ્થ મેઘજીભાઈ કણજારીયાના પુત્ર છે. ગત ટર્મમાં તેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની બેઠક પરથી રાજ્યમાં સૌથી વધુ જંગી બહુમતી સાથે ઐતિહાસિક જીત મેળવીને જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન બન્યા હતા અને ઉત્કૃષ્ટ સેવાઓ આપી હતી. જોકે, આ વખતના સ્થાનિક સ્વરાજ્યની અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પક્ષ દ્વારા તેમને કોઈ કારણોસર ટિકિટ ફાળવવામાં આવી ન હતી. આમ છતાં, પક્ષ પ્રત્યેની તેમની નિષ્ઠા અને પાયાની કામગીરીને ધ્યાને રાખીને, હાઈકમાન્ડે તેમને સીધા જ દેશની સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભાના સદસ્ય (એમપી) તરીકે જાહેર કરીને ખૂબ મોટી અને અગત્યની જવાબદારી સોંપી છે.

 

જીતેન્દ્ર કણજારીયાને રાજ્યસભાની ટિકિટ મળતાં સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે આનંદની લાગણી પ્રસરી ગઈ છે. વિશેષરૂપે, અત્યાર સુધીના રાજકીય ઈતિહાસમાં સતવારા સમાજને પ્રથમ વખત રાજ્યસભાના સાંસદ જેવું અત્યંત ઊંચું અને મહત્વપૂર્ણ પદ પ્રાપ્ત થયું છે, જેને લઈને સતવારા સમાજના આગેવાનો અને કાર્યકરોમાં ભારે ગૌરવ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

(7:25 PM IST)