તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th July 2026
બ્રિટિશ ગુલામીમાંથી મુક્ત થઈને વૈશ્વિક મહાસત્તા બનવા સુધીની સફર : યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએ પોતાની આઝાદીના ગૌરવશાળી ૨૫૦ વર્ષ પૂર્ણ કર્યા
તારીખ ૪ જુલાઈ ૧૭૭૬ ના રોજ ૧૩ વસાહતોએ સ્વતંત્રતા જાહેર કરીને સુપરપાવર દેશનો પાયો નાખ્યો હતો : કોલંબસ અને વેસ્પુચીના સમયથી શરૂ થયેલા ઇતિહાસથી લઈને વિશ્વના આર્થિક શિખર પર પહોંચવાની અમેરિકાની અદ્ભુત ગાથા

વોશિંગ્ટન: વિશ્વના સૌથી શક્તિશાળી દેશ ગણાતા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (USA) એ ચાલુ વર્ષે પોતાની આઝાદીના ૨૫૦ વર્ષ પૂર્ણ કરીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. બરાબર ૨૫૦ વર્ષ પહેલાં, તારીખ ૪ જુલાઈ ૧૭૭૬ ના રોજ ૧૩ અમેરિકન વસાહતોએ બ્રિટિશ શાસન સામે બળવો પોકારીને પોતાની સ્વતંત્રતાની જાહેરાત કરી હતી. આ જ દિવસે ઐતિહાસિક 'ડિક્લેરેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ' (સ્વતંત્રતાની જાહેરાત) નો સ્વીકાર કરવામાં આવ્યો હતો, જે આ મહાન રાષ્ટ્રના સત્તાવાર જન્મનું પ્રતીક બન્યો હતો. ૧૭૭૬ માં જ્યારે આ દેશ આઝાદ થયો ત્યારે કોઈને અંદાજ નહોતો કે બ્રિટિશરોની ગુલામીમાંથી મુક્ત થયેલું આ નાનું રાષ્ટ્ર ભવિષ્યમાં અઢી સદીઓ સુધી ટકી રહેશે એટલું જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના નિયમો નક્કી કરનારી એકમાત્ર વૈશ્વિક મહાસત્તા બનીને ઉભરશે.
અમેરિકા અને યુએસએ વચ્ચેનો વાસ્તવિક તફાવત:
આઝાદીના આ મંગલ અવસરે ભૌગોલિક સ્તરે અમેરિકા અને યુએસએ (USA) શબ્દો વચ્ચેની મૂંઝવણ પણ સમજવી જરૂરી છે. સામાન્ય રીતે લોકો આ બંને શબ્દોનો ઉપયોગ એકબીજાના પર્યાય તરીકે કરે છે, પરંતુ વાસ્તવમાં 'અમેરિકા' એ એક વિશાળ ભૌગોલિક ક્ષેત્ર છે, જે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા એમ બંને ખંડોને જોડીને બને છે. બીજી તરફ, 'યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા' એ ઉત્તર અમેરિકા ખંડમાં આવેલો એક ચોક્કસ દેશ છે.
ઇતિહાસ પર નજર કરીએ તો, વર્ષ ૧૪૯૨ માં ક્રિસ્ટોફર કોલંબસે આ દરિયાઈ માર્ગ શોધ્યો હતો, પરંતુ ઇટાલિયન સંશોધક અમેરિગો વેસ્પુચીએ સૌપ્રથમ એ ક્રાંતિકારી ખ્યાલ રજૂ કર્યો હતો કે આ જમીન એ કોઈ જૂનો ભાગ નથી પણ એક નવો જ ખંડ છે. તેના આ અદભુત વિશ્લેષણના સન્માનમાં માર્ટિન વાલ્ડસીમુલર દ્વારા વર્ષ ૧૫૦૭ માં તૈયાર કરાયેલા વિશ્વના નકશામાં આ ભૂમિને 'અમેરિકા' નામ આપવામાં આવ્યું હતું. દેશ આઝાદ થયા પછી તેને 'યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા' નામ મળ્યું, પરંતુ વતનીઓ માટે શું શબ્દ વાપરવો તે અંગે વિવાદ થયો હતો. સેમ્યુઅલ લેથમ મિશિલે 'ફ્રેડોનિયા' અને કવિ ફિલિપ ફ્રેનોએ 'કોલંબિયા' નામ સૂચવ્યું હતું, પરંતુ પાછળથી થિયોડોર રૂઝવેલ્ટે સ્પેનિશ સેના સામેની જીત બાદ પોતાના ભાષણમાં 'અમેરિકા' શબ્દને સત્તાવાર લોકપ્રિયતા અપાવી હતી.
જ્યોર્જ વોશિંગ્ટનના નેતૃત્વથી શરૂ થઈ સફર:
૧૫૦૦ ની આખરમાં યુરોપિયનોએ આ ભૂમિ પર સ્થાયી થવાનું શરૂ કર્યું હતું અને ૧૭૬૩ સુધીમાં ફ્રાન્સ સામેના સાત વર્ષના યુદ્ધમાં વિજય મેળવીને ગ્રેટ બ્રિટને મિસિસિપી નદી સુધીના પ્રદેશ પર સંપૂર્ણ કબજો જમાવી લીધો હતો. બ્રિટિશરોના અત્યાચાર સામે વર્ષ ૧૭૭૫ માં અમેરિકન ક્રાંતિની શરૂઆત થઈ, જેમાં જ્યોર્જ વોશિંગ્ટને કોન્ટિનેન્ટલ આર્મીનું નેતૃત્વ સંભાળીને બ્રિટિશ આર્મી સામે યુદ્ધ છેડ્યું હતું. ત્યારબાદ જુલાઈ ૧૭૭૬ માં થોમસ જેફરસન અને અન્ય સ્થાપક પિતાઓ (Founding Fathers) દ્વારા લખાયેલા ઐતિહાસિક દસ્તાવેજને સેકન્ડ કોન્ટિનેન્ટલ કોંગ્રેસ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જેમાં સ્પષ્ટ લખાયું હતું કે, "બધા મનુષ્યો સમાન રીતે જન્મ્યા છે અને ઇશ્વરે તેમને જીવન, સ્વતંત્રતા અને સુખ મેળવવાના અબાધિત અધિકારો આપ્યા છે." આ સિદ્ધાંત જ દેશનો માર્ગદર્શક પ્રકાશ બન્યો હતો.
૧૭૮૩ થી ૧૮૫૩ દરમિયાન દેશના કદમાં ત્રણ ગણો વધારો થયો:
સ્વતંત્રતા મળ્યા બાદ અમેરિકાએ પાછું વળીને જોયું નથી. જુદા-જુદા દેશો સાથે વાટાઘાટો, જમીનની ખરીદી અને સૈન્ય વિજય દ્વારા વર્ષ ૧૭٨૩ થી ૧૮૫૩ ની વચ્ચે આ દેશે પોતાના ભૌગોલિક કદમાં ત્રણ ગણો વધારો કરી લીધો હતો. અમેરિકન સિવિલ વોર (ગૃહયુદ્ધ) પછી દેશના અર્થતંત્રમાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો હતો. વર્ષ ૧૮૬૫ થી ૧૮૯૮ દરમિયાન અમેરિકામાં કોલસાના ઉત્પાદનમાં ૮૦૦ ટકા અને રેલવે નેટવર્કમાં ૫૬૭ ટકાનો પ્રચંડ વધારો નોંધાયો હતો. ૧૮૮૦ ના દાયકાના મધ્ય સુધીમાં અમેરિકા સ્ટીલ અને ઉત્પાદિત ચીજવસ્તુઓના મામલે બ્રિટનને પછાડીને વિશ્વમાં પ્રથમ નંબરે પહોંચી ગયું હતું.
બીજા વિશ્વયુદ્ધ બાદ વૈશ્વિક સત્તાના શિખરે પહોંચ્યું:
પ્રથમ વિશ્વયુદ્ધની તબાહી, વર્ષ ૧૯૩૦ ની મહામંદી (Great Depression) અને બીજા વિશ્વયુદ્ધના સંકટોને પાર કરીને અમેરિકા એક સર્વોચ્ચ વૈશ્વિક શક્તિ તરીકે ઉભરી આવ્યું હતું. વર્ષ ૧૯૩૯ થી ૧૯૪૫ ની વચ્ચે જ્યારે યુરોપ અને જાપાનના અર્થતંત્રો સંપૂર્ણ ભાંગી પડ્યા હતા, ત્યારે અમેરિકાનું અર્થતંત્ર બમણું થઈ ગયું હતું. અમેરિકી કરન્સી 'ડોલર' વિશ્વની સૌથી કિંમતી કરન્સી બની ગઈ, જેના આધારે દુનિયાના અન્ય દેશોના ચલણના ભાવ નક્કી થવા લાગ્યા. બીજા વિશ્વયુદ્ધના અંતે બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે પણ સ્વીકારવું પડ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ અત્યારે "વિશ્વના સર્વોચ્ચ શિખર" પર બિરાજમાન છે. આજે પણ આર્થિક અને સૈન્ય મોરચે માત્ર ચીન જ તેને થોડી ટક્કર આપી રહ્યું છે. જો કે, આ ૨૫૦ વર્ષની ભવ્ય સફર છતાં આજે અમેરિકા સામે આંતરિક અસંતોષ અને પડકારો પણ ઉભા થયા છે, જેમાં એક તાજેતરના સર્વે મુજબ ત્રણ ચતુર્થાંશ નાગરિકો દેશની વર્તમાન સ્થિતિથી નારાજ છે અને માત્ર ત્રીજા ભાગના લોકો જ માને છે કે 'અમેરિકન ડ્રીમ' હજુ જીવંત છે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
