તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
ખાંડ મિલથી ‘વર્લ્ડ બેસ્ટ વ્હિસ્કી’ સુધીની સફર: હવે રચાશે નવો ઇતિહાસ!
૨૦૨૩માં વિશ્વની સર્વશ્રેષ્ઠ સિંગલ માલ્ટનો ખિતાબ જીતનારી 'ઇન્દ્રી' વ્હિસ્કીની પેરેન્ટ કંપની પિકાડિલી એગ્રોએ બિઝનેસ ડિમર્જરનો લીધો મોટો નિર્ણય : ખાંડ અને દારૂના કારોબાર હવે થશે અલગ

કરનાલ : હરિયાણાના એક નાનકડા શહેર ઇન્દ્રીથી શરૂ થયેલી સફરે આજે વૈશ્વિક સ્તરે ભારતનો ડંકો વગાડ્યો છે. ૨૦૨૩માં સ્કોટલેન્ડ, જાપાન અને અમેરિકાની સદીઓ જૂની પ્રખ્યાત બ્રાન્ડ્સને પછાડીને 'વિશ્વની સર્વશ્રેષ્ઠ સિંગલ માલ્ટ વ્હિસ્કી'નો તાજ મેળવનારી ઇન્દ્રી વ્હિસ્કીની ઉત્પાદક કંપની 'પિકાડિલી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ' હવે એક મોટો ઐતિહાસિક ફેરફાર કરવા જઈ રહી છે. કંપનીએ તેના મૂળ સુગર બિઝનેસ અને પ્રીમિયમ સ્પિરિટ (વ્હિસ્કી) બિઝનેસને એકબીજાથી સંપૂર્ણપણે અલગ કરવાનો નિર્ણય લીધો છે, જેથી બંને ક્ષેત્રો સ્વતંત્ર રીતે પોતાનો વિકાસ કરી શકે.
૧૯૯૪માં માત્ર એક ખાંડ મિલ તરીકે શરૂ થયેલી આ કંપનીએ ૨૦૧૭માં બ્રાન્ડેડ સ્પિરિટમાં પગ મૂક્યો હતો અને ૨૦૨૨માં લોન્ચ થયેલી ઇન્દ્રી વ્હિસ્કીએ કંપનીનું ભાગ્ય જ બદલી નાખ્યું. આ અકલ્પનીય સફળતાની સીધી અસર શેરબજારમાં જોવા મળી, જ્યાં એક સમયે માત્ર ₹૧૫ આસપાસ રખડતો આ સ્ટોક રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન આપીને ₹૭૩૦ની સપાટી વટાવી ગયો. વ્હિસ્કી બિઝનેસના અભૂતપૂર્વ ગ્રોથના કારણે જ કંપનીના માર્કેટ વેલ્યુએશનમાં આ ભવ્ય ઉછાળો શક્ય બન્યો છે.
નિષ્ણાતોના મતે ખાંડનો કારોબાર અત્યંત અસ્થિર છે, જ્યારે પ્રીમિયમ વ્હિસ્કીનો બિઝનેસ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. બંનેના પ્રોફિટ માર્જિન અને બિઝનેસ મોડેલ સાવ અલગ હોવાથી આ ડિમર્જરથી બંને કંપનીઓ અલગ-અલગ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થશે. આ ફેરફારથી રોકાણકારોને તેમની પસંદગીના ક્ષેત્રમાં સીધું રોકાણ કરવાની તક મળશે અને બંને કંપનીઓનું સાચું બજાર મૂલ્ય અનલોક થઈ શકશે, જે ભવિષ્યમાં રોકાણકારો માટે વધુ લાભદાયી સાબિત થશે.
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
