News of Thursday, 16th April 2026
સંસદમાં જામી ‘ચૂંટણીની મોસમમાં દોસ્તીની મોજ’: પીએમ મોદીએ અખિલેશ યાદવને ગણાવ્યા ‘મિત્ર’
ધર્મેન્દ્ર યાદવની ટકોર પર વડાપ્રધાને એવી રમૂજ કરી કે આખું ગૃહ ખડખડાટ હસી પડ્યું

નવી દિલ્હી: લોકસભામાં મહિલા અનામત બિલ પર ચાલી રહેલી ગંભીર ચર્ચા દરમિયાન એક એવો પ્રસંગ બન્યો જેણે ગૃજમાં હાસ્યનું મોજું ફેરવી દીધું. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિલના મહત્વ પર બોલી રહ્યા હતા, ત્યારે સપા સાંસદ ધર્મેન્દ્ર યાદવે તેમને અટકાવ્યા હતા. પીએમ મોદીએ આ ક્ષણને ખૂબ જ કુશળતાપૂર્વક ઝડપી લીધી અને હસતા મુખે કહ્યું, "અખિલેશ યાદવ મારા મિત્ર છે, એટલે જ તેઓ ક્યારેક મારી મદદ કરે છે." આ સાંભળીને ખુદ અખિલેશ યાદવ પણ હસવાનું રોકી શક્યા નહોતા અને તેમણે પીએમ સામે હાથ જોડીને અભિવાદન કર્યું હતું, જેનાથી ગૃહમાં તણાવભર્યા વાતાવરણની વચ્ચે મૈત્રીપૂર્ણ માહોલ સર્જાયો હતો.
પોતાની વાત આગળ વધારતા પીએમ મોદીએ ભાવુક અને મજબૂત અંદાજમાં પોતાની પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કર્યો. તેમણે સ્વીકાર્યું કે, "એ વાત સાચી છે કે હું અત્યંત પછાત સમાજમાંથી આવું છું, પરંતુ મારા માટે દેશનું બંધારણ સર્વોપરી છે." તેમણે સ્પષ્ટ કર્યું કે બંધારણે જ તેમના જેવા સામાન્ય પરિવારના વ્યક્તિને આટલી મોટી જવાબદારી સોંપી છે, અને હવે તેમની ફરજ તમામ વર્ગોને સાથે લઈને ચાલવાની છે. મહિલા અનામતને તેમણે સમયની જરૂરિયાત ગણાવતા કહ્યું કે આ નિર્ણય દાયકાઓ પહેલા લેવા જેવો હતો, જે હવે તેમની સરકાર પૂર્ણ કરવા જઈ રહી છે.
વડાપ્રધાને વિપક્ષી દળોને આડકતરી ચેતવણી આપતા જણાવ્યું કે જે કોઈ પણ આ ઐતિહાસિક બિલનો વિરોધ કરશે, તેણે ભવિષ્યમાં તેની ભારે કિંમત ચૂકવવી પડશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે મહિલાઓને નીતિ ઘડતરમાં સામેલ કરવી એ રાજકીય મુદ્દો નહીં પણ દેશના ભવિષ્યનો સવાલ છે. પીએમએ તમામ પક્ષોને અપીલ કરી હતી કે આ બિલને રાજકીય ચશ્માથી જોયા વગર સર્વસંમતિથી પસાર કરવામાં આવે, જેથી દેશની 50 ટકા વસ્તીને તેમનો હક મળી શકે અને લોકશાહીનો પાયો વધુ મજબૂત બને.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
