<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

જેપી મોર્ગનનો હાઈપ્રોફાઈલ 'સેક્સ સ્કેન્ડલ' વિવાદ: 'થ્રીસમ'ના આક્ષેપો કરનાર ભારતીય મૂળના યુવાનને બેંકે આપેલી $10 લાખની સેટલમેન્ટ ઓફર ઠુકરાવી, હવે માગી રહ્યા છે અધધ $2 કરોડ!

પિતાના મોતના ખોટા સમાચાર આપી રજા લેનાર ચિરાયુ રાણાના દાવાઓ સામે ઉઠ્યા ગંભીર સવાલો: જેપી મોર્ગનની તપાસમાં આક્ષેપો પોકળ સાબિત થયા, બદનક્ષીની ભીતિ વચ્ચે મામલો ન્યૂયોર્કની કોર્ટમાં પહોંચ્યો

ન્યૂયોર્ક, તા.૦૭: વિશ્વની દિગ્ગજ બેંકિંગ સંસ્થા જેપી મોર્ગન (JPMorgan) અત્યારે એક વિચિત્ર અને હાઈપ્રોફાઈલ કાનૂની જંગનો સામનો કરી રહી છે. ભારતીય મૂળના પૂર્વ બેન્કર ચિરાયુ રાણાએ બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર લોર્ના હાજદિની પર ગંભીર જાતીય સતામણી અને ડ્રગ્સ આપીને 'થ્રીસમ' (Threesome) માટે મજબૂર કરવાના આક્ષેપો કર્યા છે. તાજેતરના અહેવાલો મુજબ, આ મામલો કોર્ટમાં પહોંચતા પહેલા જેપી મોર્ગને ચિરાયુને ૧૦ લાખ ડોલર (અંદાજે ૮.૩૦ કરોડ રૂપિયા) આપીને મામલો થાળે પાડવાની ઓફર કરી હતી, પરંતુ ચિરાયુએ આ ઓફર ઠુકરાવીને ૨ કરોડ ડોલરથી વધુની માંગણી કરી છે.
વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, ૩૫ વર્ષીય ચિરાયુ રાણાએ ગયા વર્ષે આ માંગણી મૂકી હતી અને ધમકી આપી હતી કે જો બેંક આ રકમ નહીં ચૂકવે તો તે આ મામલાને જાહેર જનતા વચ્ચે લઈ જશે. જોકે, જેપી મોર્ગનની આંતરિક તપાસમાં ચિરાયુના આક્ષેપોને સમર્થન આપે તેવા કોઈ પુરાવા મળ્યા નથી. બેંકે ઈમેઈલ, ફોન રેકોર્ડ્સ અને સાક્ષીઓની તપાસ કર્યા બાદ આ કાયદાકીય દાવાને 'કાલ્પનિક' ગણાવ્યો છે.
કર્મચારીની વિશ્વસનીયતા પર ઉઠ્યા પ્રશ્નો: પિતા જીવતા હોવા છતાં મોતની ખોટી અફવા ફેલાવી
આ કેસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ચિરાયુ રાણાની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉઠ્યા. એવા અહેવાલો છે કે ચિરાયુએ લાંબી રજા લેવા માટે ઓફિસમાં એવી જૂઠી વાર્તા રજૂ કરી હતી કે તેના પિતાનું અવસાન થયું છે. જોકે, પાછળથી તપાસ કરતા જાણવા મળ્યું કે તેના પિતા જીવતા છે અને તેઓ આ આખા વિવાદથી અજાણ છે. આ ઘટસ્ફોટ બાદ ચિરાયુની કાનૂની સ્થિતિ નબળી પડી હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.
સત્તાનો દુરુપયોગ કે પછી પતાવટનું દબાણ?
લોર્ના હાજદિનીના વકીલોએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવતા કહ્યું છે કે લોર્ના ઘટના સ્થળે હાજર પણ નહોતી. વધુમાં, બેંકના આંતરિક રેકોર્ડ દર્શાવે છે કે લોર્ના પાસે ચિરાયુના પગાર કે પ્રમોશન પર કોઈ નિયંત્રણ નહોતું, કારણ કે બંને અલગ-અલગ વિભાગમાં કામ કરતા હતા. કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે ચિરાયુએ બેંક પાસેથી મોટી રકમ મેળવવા માટે આ પ્રકારનું દબાણ ઉભું કર્યું હોઈ શકે છે. હાલ આ મામલો ન્યૂયોર્ક કાઉન્ટી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે, જ્યાં પુરાવાઓના આધારે અંતિમ ફેંસલો લેવામાં આવશે.

(5:18 PM IST)