તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
"જજ ક્યારેય નિવૃત્ત થતા નથી": સીજેઆઈ સૂર્યકાન્તનું મોટું નિવેદન, નિવૃત્ત ન્યાયાધીશોના અનુભવને 'રાષ્ટ્રીય સંપત્તિ' ગણાવી નવી ભૂમિકા સોંપવા કરી હિમાયત
જયપુરમાં 'ધ બેન્ચ બિયોન્ડ રિટાયરમેન્ટ' પરિષદમાં મુખ્ય ન્યાયાધીશનું સંબોધન; ન્યાયિક કુશળતાનો ઉપયોગ કરવા ઔપચારિક માળખું ઘડવા હાકલ, ન્યાયાધીશોને રાજસ્થાનની ઐતિહાસિક 'બાવરી' સાથે સરખાવ્યા

જયપુર: ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાન્તે ન્યાયતંત્ર અને દેશના હિતમાં એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કરતા જણાવ્યું છે કે, નિવૃત્ત ન્યાયાધીશોના જ્ઞાન અને અનુભવનો લાભ લેવા માટે એક કાયમી અને ઔપચારિક માળખું તૈયાર કરવું અનિવાર્ય છે. શનિવારે જયપુર ખાતે આયોજિત 'ધ બેન્ચ બિયોન્ડ રિટાયરમેન્ટ' વિષય પરની રાષ્ટ્રીય પરિષદમાં તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, "એકવાર ન્યાયાધીશ, હંમેશા ન્યાયાધીશ." તેમના મતે ન્યાયાધીશ દ્વારા દાયકાઓ સુધી મેળવેલ અનુભવ એ 'રાષ્ટ્રીય સંસાધન' છે, જેનો ઓછો ઉપયોગ થવો તે જાહેર જનતા માટે નુકસાન સમાન છે.
મુખ્ય ન્યાયાધીશે નિવૃત્ત ન્યાયાધીશોની ભૂમિકાને માત્ર સન્માનજનક વિદાય સુધી મર્યાદિત ન રાખતા, તેમને રાષ્ટ્રના વિકાસમાં સક્રિયપણે જોડવા માટે ચાર મુખ્ય ક્ષેત્રોની રૂપરેખા આપી હતી. તેમણે સૂચવ્યું કે નિવૃત્ત ન્યાયાધીશો મધ્યસ્થી (Mediation), કાનૂની શિક્ષણ, પ્રી-લિટિગેશન કાઉન્સેલિંગ અને આગામી પેઢીના વકીલોના માર્ગદર્શક તરીકે નોંધપાત્ર યોગદાન આપી શકે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો અને પંચાયતોમાં કાયદાકીય જાગૃતિ ફેલાવવા માટે તેમની સેવાનો ઉપયોગ કરવાની તેમણે હિમાયત કરી હતી.
ન્યાયાધીશો અને રાજસ્થાનની 'બાવરી':
CJI સૂર્યકાન્તે એક સુંદર ઉદાહરણ આપતા ન્યાયાધીશોની સરખામણી રાજસ્થાનની પરંપરાગત 'બાવરી' (વાવ) સાથે કરી હતી. તેમણે કહ્યું કે, "જેમ દુષ્કાળના સમયમાં વાવ સમુદાયને જીવતદાન આપે છે, તેમ ન્યાયતંત્રમાં જ્યારે પણ સંસ્થાકીય તણાવ કે કટોકટી ઉભી થાય છે ત્યારે નિવૃત્ત ન્યાયાધીશોનું શાણપણ અને અનુભવ રક્ષકની ભૂમિકા ભજવે છે." તેમણે ઉમેર્યું કે કોઈ તાલીમ કાર્યક્રમ કે સમિતિ ન્યાયાધીશના વર્ષોના અનુભવની નકલ કરી શકતી નથી, કારણ કે તેઓ માત્ર કાયદો જ નહીં પરંતુ સામાન્ય માનવીના સંઘર્ષોને પણ સારી રીતે સમજે છે.
લોકોના વિશ્વાસની ધરોહર:
મુખ્ય ન્યાયાધીશે પોતાના સંબોધનનો અંત ભાવુક અંદાજમાં કરતા જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિક ન્યાયતંત્ર પર અતુટ વિશ્વાસ ધરાવે છે અને કોર્ટના એક-એક શબ્દને ન્યાયનું પ્રતીક માને છે. આ વિશ્વાસને જાળવી રાખવાની જવાબદારી ન્યાયતંત્રની છે. તેમણે એક પ્રેરણાદાયી શેર સાથે પોતાની વાત પૂર્ણ કરી હતી કે, "જિસકો તૂફાનોં સે ઉલઝને કી આદત હો, ઐસી કષ્ટી કો સમંદર ભી દુઆ આપે હૈ." આ પરિષદમાં દેશભરના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશો અને કાયદાકીય નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
