તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th April 2026
અમેરિકામાં ન્યાયતંત્ર પર તરાપ? પેલેસ્ટાઈન સમર્થક વિદ્યાર્થીઓના દેશનિકાલ અટકાવનારા ભારતીય મૂળના ન્યાયાધીશ સહિત બેની હકાલપટ્ટી
ટ્રમ્પ વહીવટીતંત્રના રાજકીય એજન્ડા સામે ઝૂકવાને બદલે કાયદાનું પાલન કરનારા ન્યાયાધીશો પર ગાજ; રૂપલ પટેલ અને નીના ફ્રોસને નોકરીમાંથી છૂટા કરાતા માનવાધિકાર સંગઠનોમાં ભારે રોષ

વોશિંગ્ટન: અમેરિકાના ન્યાયતંત્રમાં અત્યારે એક મોટો વિવાદ છેડાયો છે. પેલેસ્ટાઈન સમર્થક વિદ્યાર્થીઓના દેશનિકાલના કેસમાં ટ્રમ્પ વહીવટીતંત્રની ઈચ્છા વિરુદ્ધ ચુકાદો આપનારા બે વગદાર ઈમિગ્રેશન ન્યાયાધીશોને અચાનક પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. ન્યાય વિભાગ દ્વારા લેવાયેલા આ આકરા નિર્ણયને કારણે અમેરિકામાં ન્યાયતંત્રની સ્વાયત્તતા અને લોકશાહી મૂલ્યો પર સવાલો ઉઠી રહ્યા છે.
ચાલુ સુનાવણીએ મળ્યો બરતરફીનો ઈમેઈલ
ભારતીય મૂળના ન્યાયાધીશ રૂપલ પટેલ શુક્રવારે બપોરે જ્યારે કોર્ટમાં સુનાવણી કરી રહ્યા હતા, ત્યારે એક નાના બ્રેક દરમિયાન તેમને ઈમેઈલ મળ્યો કે આજે તેમનો નોકરીનો છેલ્લો દિવસ છે. કોઈપણ પૂર્વ ચેતવણી વગર તેમને કાયમી નિમણૂક આપવાને બદલે સીધા જ બરતરફ કરી દેવામાં આવ્યા હતા. તેમની સાથે જ ન્યાયાધીશ નીના ફ્રોસને પણ છૂટા કરી દેવામાં આવ્યા છે. આ બંને ન્યાયાધીશોએ અગાઉ પેલેસ્ટાઈન તરફી વિરોધ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને દેશનિકાલ કરવાના સરકારના પ્રયાસોને ફગાવી દીધા હતા.
કોણ હતા આ વિદ્યાર્થીઓ?
ન્યાયાધીશ પટેલે ટફ્ટ્સ યુનિવર્સિટીના પીએચડી વિદ્યાર્થી રૂમેસા ઓઝતુર્ક વિરુદ્ધની કાર્યવાહી રદ કરી હતી, જેમણે ઈઝરાયેલ-ગાઝા યુદ્ધ પર યુનિવર્સિટીના વલણની ટીકા કરી હતી. બીજી તરફ, ન્યાયાધીશ ફ્રોસે કોલંબિયા યુનિવર્સિટીની કાર્યકર્તા મહદવીને દેશનિકાલથી બચાવી હતી. સરકારે આ વિદ્યાર્થીઓને 'જોખમી' ગણાવી દેશની બહાર કાઢવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું, પરંતુ ન્યાયાધીશોએ કાયદાના આધારે તેમની સુરક્ષા કરી હતી.
ન્યાયતંત્રને 'નવો આકાર' આપવાનો પ્રયાસ
રૂપલ પટેલે જણાવ્યું હતું કે, આ માત્ર એકાદ કેસનો બદલો નથી, પરંતુ ઈમિગ્રેશન કોર્ટને સરકારના રાજકીય એજન્ડા મુજબ ચલાવવા માટેનો એક વ્યાપક પ્રયાસ છે. ખાસ કરીને જે ન્યાયાધીશો અગાઉ ઈમિગ્રન્ટ્સના વકીલ તરીકે કામ કરી ચૂક્યા છે, તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. પટેલે ચિંતા વ્યક્ત કરી કે જો અનુભવી ન્યાયાધીશોને આ રીતે હટાવવામાં આવશે, તો ન્યાય પ્રક્રિયામાં ભૂલો વધશે અને માનવ અધિકારોનું ઉલ્લંઘન થશે.
સરકારનો બચાવ: "અખંડિતતા જાળવવાનો પ્રયાસ"
જોકે, અમેરિકી ન્યાય વિભાગે આ બરતરફી પાછળ રાજકીય કારણો હોવાનો ઇનકાર કર્યો છે. એક નિવેદનમાં જણાવાયું છે કે તેઓ ન્યાયાધીશોના આચરણ, નિષ્પક્ષતા અને કામગીરીનું સતત મૂલ્યાંકન કરે છે. જો કોઈ ન્યાયાધીશ પૂર્વગ્રહ રાખતા જણાય, તો સિસ્ટમની ગરિમા જાળવવા માટે આવા પગલાં લેવા જરૂરી છે.
વિશ્વભરમાં પ્રત્યાઘાતો
ટ્રમ્પ વહીવટીતંત્રના આ પગલાને કારણે માનવાધિકાર કાર્યકર્તાઓ ચિંતિત છે. તેમનું માનવું છે કે અદાલતોને ડરાવીને સરકાર પોતાની ઈચ્છા મુજબના નિર્ણયો કરાવવા માંગે છે. આ ઘટના બાદ અમેરિકામાં વસતા વિદેશી વિદ્યાર્થીઓ અને ઈમિગ્રન્ટ્સમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
