<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

હજુ તો વેકેશન પડયું છે ત્‍યાં જ ચોપડાપ્‍લાસ્‍ટિકની સ્‍ટેશનરીના ભાવમાં ભડકો

વાલીઓ માટે આગામી શૈક્ષણિક સત્ર મોંઘુ થાય તેવી સ્‍થિતિઃ સ્‍ટેશનરી અને ચોપડાના ભાવમાં ૨૦ થી ૨૫ ટકા જેટલો ભાવ વધતા વાલીઓ પર મોંઘવારીનું ભારણ વધ્‍યું યુદ્ધને કારણે કાગળ ન મળવા, પેટ્રોલીયમ પ્રોડક્‍ટ ન મળવાને કારણે જ ભાવ વધારો થયોઃ હજુ પણ વધુ ભાવ વધારો થવાની શક્‍યતાઃ સ્‍ટેશનરીના ભાવ વધતા વિદ્યાર્થીઓ અને વાલીઓના બજેટ ખોરવાઈ રહ્યા છે

નવી દિલ્‍હી,તા.૧૪: વાલીઓ માટે આગામી શૈક્ષણિક સત્ર મોંઘુ થાય તેવી સ્‍થિતિ જોવા મળી રહી છે. હજુ તો શાળાઓમાં વેકેશન પડ્‍યા છે ત્‍યારે જ ચોપડા અને પ્‍લાસ્‍ટિકની સ્‍ટેશનરીની વસ્‍તુઓના ભાવમાં ઉછાળો આવ્‍યો છે. સ્‍ટેશનરી અને ચોપડાના ભાવમાં ૨૦ થી ૨૫ ટકા જેટલો ભાવ વધતા વાલીઓ પર મોંઘવારીનું ભારણ વધ્‍યું છે.

રાજ્‍ય ભરમાં હજુ તો બોર્ડની અને શાળાઓમાં પરીક્ષા પૂર્ણ થઇ છે. અને વિદ્યાર્થીઓ વેકેશનના મૂડમાં છે. શાળાઓમાં ધીમે ધીમે એડમીશન પ્રક્રિયા શરુ થઇ રહી છે. ત્‍યાં જ વાલીઓ પર મોંઘવારીનો મારો પડ્‍યો છે. વેકેશનમાં જ નોટબુક ચોપડા અને પ્‍લાસ્‍ટિકના સ્‍ટેશનરીની વસ્‍તુઓના ભાવમાં અધધ ૨૦ થી ૨૫ ટકાનો વધારો થયો છે. વેપારીઓના મતે યુદ્ધને કારણે કાગળ ન મળવા, પેટ્રોલીયમ પ્રોડક્‍ટ ન મળવાને કારણે જ ભાવ વધારો થયો છે. મહત્‍વનું છેકે, હજુ તો ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે. જેને કારણે આ સ્‍ટેશનરીના સમાનની માંગ નીકળી નથી. માંગ નથી ત્‍યાં જ ૨૫ ટકા જેવો ભાવ વધારો થતા વાલીઓ પર આર્થીક ભારણ વધ્‍યું છે.

જયારે વેકેશન ખુલશે ત્‍યારે આ બધા સામાનની માંગ વધશે અને તેને કારણે પણ હજુ પણ વધુ ભાવ વધારો થવાની શક્‍યતા છે. ત્‍યારે હાલ સામાન્‍ય જે નોટબુક ૩૦ થી૪૦ રૂપિયાની મળતી હતી તેના ભાવ વધીને ૫૫ થી ૬૦ રૂપિયા થઇ ગયા છે. આ ભાવ વધારાને લઈને સ્‍ટેશનરી એસો. પ્રમુખ નરેશ શાહએ જણાવ્‍યું હતું કે, શાળા શરુ થતા પહેલા જ વાલીઓ પર આર્થીક બોઝો પડ્‍યો છે. પેપરના કિલોએ ૮ થી ૧૦ રૂપિયા ભાવ વધારો થઇ ગયો છે. આ સાથે જ કંપાસ બોક્ષ, બોલપેન, અને નોટબુકના ભાવ વધ્‍યા છે. તો બીજી તરફ પાઠ્‍ય પુસત્‍ક મંડળ દ્વારા બહાર પાડવામાં આવતા પુસ્‍તકો પણ હજુ માર્કેટમાં આવ્‍યા જ નથી.

હાલ રાજ્‍ય ભરમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે. તે દરમિયાન જ કાગળની અછત થતા હોલસેલ કાગળના ભાવમાં વધારો નોંધાયો છે અને તેની સીધી અસર વાલીઓના બજેટ પર પડી છે. ઓફ સિઝનમાં હાલ સ્‍ટેશનરીનામ સામાનમાં ૨૫ થી ૩૦ ટકા જેવો ભાવ વધારો થયો છે. જેને કારણે વાલીઓના ખિસ્‍સા પર ભારણ વધ્‍યું છે. ત્‍યારે હાલ જે વિદ્યાર્થીઓ નવા સેમેસ્‍ટરમાં બોર્ડમાં આવી રહ્યા છે તે અત્‍યારથી જ તૈયારીઓ કરવા લાગ્‍યા છે. બીજી તરફ કેટલાક વાલીઓ સ્‍ટેશનરી, પાઠ્‍યપુસ્‍તક અને ચોપડાની ખરીદી કરી રહ્યા છે. સ્‍ટેશનરીના ભાવ વધતા વિદ્યાર્થીઓ અને વાલીઓના બજેટ ખોરવાઈ રહ્યા છે.

ત્‍યારે ચોપડાની ખરીદી કરતા વિદ્યાર્થીઓએ જણાવ્‍યું હતું કે, બોર્ડની એડવાન્‍સ તૈયારી કરી રહ્યા છીએ એટેલ નોટબુક અને સ્‍ટેશનરી સામાન ખરીદી કરવા માટે આવ્‍યા છીએ. અહી ભાવ જાણીને તો અમારું બજેટ વિખાઈ ગયું છે. બે ડઝન ચોપડાની ખરીદી કરવી હતી પરંતુ હવે બજેટ વિખાઈ ગયું છે. પાઠ્‍યપુસ્‍તકો હજુ આવ્‍યા નથી.. સામાન્‍ય એક ચોપડો અમે ૨૫ થી ૩૦ રૂપિયામાં ખરીદતા હતા તે અત્‍યારે વધીને હવે ૫૫ થી ૬૦ રૂપિયા પહોચી ગયો છે. અમારી સરકાર પાસે વિનંતી છેકે અભ્‍યાસના સામાનના ભાવ ન વધે.

એક તરફ પરીક્ષાઓ પૂર્ણ થઈને હવે વેકેશન પડ્‍યું છે. તો બીજી તરફ નવા વર્ષથી જે વિદ્યાર્થીઓ બોર્ડમાં પ્રવેશવાના છે તે અત્‍યારથી જ બોર્ડની પરીક્ષાની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્‍યારે આ વિદ્યાર્થીઓ સ્‍ટેશનરી ખરીદી રહ્યા છે પરંતુ હાલ યુદ્ધની સ્‍થિતિ, કાગળની અછતને કારણે નોટબુક અને સ્‍ટેશનરીના ભાવમાં વધારો થયો છે. નવા સત્રની શરૂઆત પહેલા જ સ્‍ટેશનરી અને ચોપડાના ભાવમાં ૨૫ ટકા જેવો ભાવ વધારો થતા વાલીઓ અને વિદ્યાર્થીઓના ખિસ્‍સાપર ભણતરનું ભારણ વધ્‍યું છે.

(3:46 PM IST)