તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
એવોર્ડ શોમાં કૈલાશ ખેરનો મિજાજ ગરમાયો: ‘કલાકારો જોકર નથી’, સ્ટેજ પર બે લાઇન ગાવાની ફરમાઈશને સણસણતો જવાબ આપી પર્ફોર્મ કરવાનો ઇનકાર
કલા અને કલાકારના સન્માન માટે ગાયકે સચિન તેંડુલકર અને આર્મી જવાનના ઉદાહરણ આપી આક્રોશ ઠાલવ્યો, ‘મૂડ બનાવવા’ માટે ગીત ગાવાની વિનંતીને અપમાન ગણાવી કૈલાશ ખેરે સિસ્ટમ બદલવાની હાકલ કરી

નવી દિલ્હી : દિલ્હીમાં આયોજિત એક એવોર્ડ ફંક્શનમાં પ્રખ્યાત ગાયક કૈલાશ ખેરનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન જ્યારે તેમને માત્ર બે લાઇન ગાવા માટે વિનંતી કરવામાં આવી, ત્યારે તેમણે પર્ફોર્મ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. ખેરે ભારે હૃદયે અને આક્રોશ સાથે જણાવ્યું હતું કે, કલાકારોને માત્ર મનોરંજનનું સાધન કે ‘જોકર’ ન સમજવા જોઈએ. તેમણે સંગીત પ્રત્યેના લોકોના દ્રષ્ટિકોણને બદલવાની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે, ગાયક પાસે આવી રીતે પંક્તિઓ ગવડાવીને ‘મૂડ બનાવવાની’ અપેક્ષા રાખવી તે ખૂબ જ ખોટું અને કલાનું અપમાન છે.
પોતાના આકરા વલણને વાજબી ઠેરવતા કૈલાશ ખેરે અન્ય ક્ષેત્રના દિગ્ગજો સાથે સરખામણી કરી હતી. તેમણે સવાલ કર્યો કે, “શું તમે ક્યારેય સચિન તેંડુલકરને સ્ટેજ પર બોલાવીને એક સિક્સર મારી બતાવવાનું કહો છો? અથવા શું તમે કોઈ સરહદ પર તૈનાત જવાનને તેની પોઝિશન લઈને એક શોટ મારી બતાવવા કહો છો?” તેમણે ઉમેર્યું કે કલાકાર એ સાધક હોય છે અને તેની કલા તેના આંતરિક સ્વ સાથે જોડાયેલી હોય છે. માત્ર પ્રદર્શન ખાતર કલાને રજૂ કરવી એ કલાકારની ગરિમાને ઠેસ પહોંચાડવા બરાબર છે, જે પરંપરા હવે બંધ થવી જોઈએ.
વર્ષ 2003થી ‘તેરી દીવાની’ અને ‘સૈયાં’ જેવા અનેક સુપરહિટ ગીતો આપનાર કૈલાશ ખેર હંમેશા તેમની ગાયકી અને સિદ્ધાંતો માટે જાણીતા રહ્યા છે. એવોર્ડ શોમાં બનેલી આ ઘટના બાદ સોશિયલ મીડિયા અને કલા જગતમાં નવી ચર્ચા છેડાઈ છે. અનેક લોકો કૈલાશ ખેરના આ સાહસિક પગલાને સમર્થન આપી રહ્યા છે, જ્યારે કેટલાક તેને કલાકારનો અહંકાર ગણાવી રહ્યા છે. જોકે, ખેરના મતે આ લડાઈ વ્યક્તિગત નથી પરંતુ સમગ્ર કલા જગતના આત્મસન્માન માટે છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ કલાકારને આવી રીતે હલકા ન ગણવામાં આવે.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
