તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
કાળમુખા મોજાંઓએ હસતો-રમતો પરિવાર વિખેર્યો: જબલપુર ક્રુઝ દુર્ઘટનામાં માસૂમ બાળકે મોતના મુખમાંથી બહાર આવી વર્ણવી રુંવાડા ઉભા કરી દે તેવી આપવીતી
ક્રુઝ પલટી જતાં તમિલનાડુના પરિવારના 5 સભ્યો કાળનો કોળિયો બન્યા: 10 વર્ષીય પૂવિથ્રને દોરડાના સહારે જીવ બચાવ્યો પણ માતા-પિતાની છત્રછાયા ગુમાવી, વહીવટી તંત્ર દ્વારા મૃતદેહોને ખાસ વિમાન મારફતે વતન રવાના કરાયા

જબલપુર :મધ્યપ્રદેશના જબલપુરમાં બરગી ડેમ ખાતે સર્જાયેલી ક્રુઝ દુર્ઘટનામાં તમિલનાડુનો એક પરિવાર સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગયો છે. અકસ્માતમાંથી જીવિત બચી ગયેલા 10 વર્ષીય પૂવિથ્રને તે ભયાનક દ્રશ્ય વર્ણવતા જણાવ્યું કે, વળતી મુસાફરી દરમિયાન અચાનક વાતાવરણ બદલાયું અને જોરદાર પવન સાથે ઉછળેલા મોજાંઓએ ક્રુઝને ફંગોળી દીધું હતું. પૂવિથ્રને હિંમત બતાવી કિનારા તરફ તરવાનો પ્રયાસ કર્યો હતો, જ્યાં કોઈએ દોરડું ફેંકતા તેનો જીવ બચ્યો હતો, પરંતુ તેના પરિવારના પાંચ સભ્યો આ કરુણ જળસમાધિમાં હોમાઈ ગયા હતા. માસૂમ બાળક હવે તેના દાદા-દાદી સાથે ત્રિચી પરત ફર્યો છે, પરંતુ તેના માતા-પિતાનો સાથ કાયમ માટે છૂટી ગયો છે.
દુર્ઘટના અંગે તપાસમાં જાણવા મળ્યું છે કે કામરાજ નામનો વ્યક્તિ જબલપુરની ઓર્ડનન્સ ફેક્ટરીમાં ફરજ બજાવતો હતો અને તેના સસરા તથા ભાઈનો પરિવાર તમિલનાડુથી ફરવા આવ્યા હોવાથી તે રજા પર હતો. પ્રવાસન વિભાગના મેનેજરના જણાવ્યા મુજબ, ક્રુઝ સાંજે 5:25 વાગ્યે રવાના થયું હતું અને 6:10 વાગ્યે તોફાન ત્રાટક્યું હતું. કેપ્ટને એન્કર નાખીને ક્રુઝને બચાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જોકે, બચી ગયેલા બાળકના નિવેદન મુજબ માત્ર બાળકોએ જ લાઇફ જેકેટ પહેર્યા હતા, જ્યારે અન્યોએ જેકેટ પહેરવાની કોશિશ કરી ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું અને ક્રુઝ ઊંધું વળી ગયું હતું.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શનિવારે કારકુલાઝી અને સૌભાગ્યમના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવી કાર્ગો પ્લેન મારફતે તમિલનાડુ મોકલવામાં આવ્યા હતા. દુર્ઘટના બાદ પ્રવાસન વિભાગે દાવો કર્યો છે કે કેપ્ટન 10 વર્ષનો અનુભવ ધરાવતો હતો અને સુરક્ષાના તમામ ધોરણો જાળવવામાં આવ્યા હતા. જોકે, તોફાની મોજાં સામે ક્રુઝને કાબૂમાં લેવું અશક્ય બન્યું હતું. આ ઘટનાએ જળ પ્રવાસન ક્ષેત્રે સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે અને હવે સમગ્ર પરિવારના ભવિષ્ય પર અંધકાર છવાઈ ગયો છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
