તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
કપિલ દેવનું દિલ જીતી લે તેવું નિવેદન: 'યુવરાજ સિંહે માફી માંગવાની કોઈ જરૂર નથી', પિતા યોગરાજના ઝેરીલા પ્રહારો પર પૂર્વ કેપ્ટને તોડી ચુપકીદી
'જો હું ગાળો ભાંડીશ અને થપ્પડ મારીશ તો શું થશે?'- બાળપણના મિત્રની કડવાશ પર કપિલ પાજીએ આપ્યો એવો જવાબ કે દુનિયા સલામ કરી ઉઠી

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં ઓલરાઉન્ડર યુવરાજ સિંહ અને તેના પિતા યોગરાજ સિંહ હંમેશા ચર્ચામાં રહે છે. યોગરાજ સિંહ અવારનવાર પૂર્વ દિગ્ગજ કેપ્ટન અને ૧૯૮૩ ના વર્લ્ડ કપ વિજેતા કપિલ દેવ વિરુદ્ધ ઝેર ઓકતા જોવા મળે છે. તાજેતરમાં જ યોગરાજે આરોપ લગાવ્યો હતો કે કપિલ દેવે તેમની આંતરરાષ્ટ્રીય કરિયર બરબાદ કરી નાખી અને યુવરાજ પાસે કપિલ કરતાં વધુ આઈસીસી (ICC) ટ્રોફી છે. પિતાની આ વાહિયાત ટિપ્પણીઓથી શરમિંદા થઈને યુવરાજ સિંહે કપિલ દેવ પાસે માફી માંગી હતી. હવે આ આખા વિવાદ પર ખુદ મહાન ક્રિકેટર કપિલ દેવે 'સ્પોર્ટ્સ તક' પોડકાસ્ટ પર દિલ ખોલીને વાત કરી છે અને મોટું દિલ બતાવીને યુવીને માફી માંગવાની ના પાડી દીધી છે.
યુવરાજ એક મહાન ખેલાડી, તેણે માફી કેમ માંગવી?
કપિલ દેવે ખૂબ જ શાંતિથી અને સન્માનપૂર્વક જણાવ્યું કે, "યુવરાજ સિંહને માફી માંગવાની બિલકુલ જરૂર નથી. આવી નાની-મોટી વાતો થતી રહે છે. યુવરાજ એક શાનદાર ખેલાડી હતો અને તેણે ક્રિકેટ રમતને દેશમાં વધુ લોકપ્રિય બનાવી છે. રેકોર્ડ્સ તો બનતા અને તૂટતા રહે છે, પરંતુ યુવી જે રીતે રમ્યો, લોકોએ તેના પર અઢળક પ્રેમ વરસાવ્યો છે. તેના દીકરાએ દેશ માટે આટલું મોટું પ્રદર્શન કર્યું છે, તો યોગરાજે ખુશ રહેવું જોઈએ."
"જો હું ઊઠીને ગાળો ભાંડીશ અને થપ્પડ મારીશ તો..."
યોગરાજ સિંહના ગુસ્સા અને નફરત પર પોતાની પ્રતિક્રિયા આપતા કપિલ દેવે જે કહ્યું તે દરેક વ્યક્તિના જીવન માટે એક મોટો પાઠ છે. તેમણે કહ્યું કે, "જીવનમાં તમને બધું જ મળી જાય તે જરૂરી નથી. પરંતુ તેના કારણે મનમાં કડવાશ રાખવી યોગ્ય નથી. આ દુનિયામાં નકારાત્મક લોકો માટે કોઈ જગ્યા નથી. તમારી પ્રતિક્રિયા જ નક્કી કરે છે કે તમે કેવા માણસ છો. જો હું સવારે ઊઠીને કોઈને ગાળો આપવા લાગું અથવા કોઈને થપ્પડ મારી દઉં, તો તેનાથી મારું જ વ્યક્તિત્વ ખરાબ દેખાશે."
બાળપણની મિત્રતાને કડવાશમાં નહીં બદલું
કપિલ દેવે (જેમણે ભારત માટે ૧૩૧ ટેસ્ટ અને ૨૨૫ વનડે રમી છે) પોતાના જૂના સાથી યોગરાજ (જેમણે માત્ર ૭ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે) સાથેના સંબંધો પર ભાવુક થઈને કહ્યું:
અમે સાથે મોટા થયા છીએ: "યોગરાજ મારો બાળપણનો મિત્ર છે. તો શું અમે હવે અલગ થઈ જઈએ? અમારો સમય ખૂબ જ અદ્ભુત રહ્યો છે. જીવન બદલાય છે, પરંતુ તમારે વીતેલા સારા દિવસોને ભૂલવા ન જોઈએ. ઘણીવાર લોકો કડવાશમાં આવીને જૂની ખુશીઓ ભૂલી જાય છે. મને જીવનમાં આવા નકારાત્મક અને કડવાશથી ભરેલા લોકોને મળવા કરતાં ખુશમિજાજ લોકોને મળવાનું વધુ ગમે છે. જીવનમાં હંમેશા આગળ વધવું જોઈએ."
કપિલ દેવના આ પરિપક્વ અને ગરિમાપૂર્ણ નિવેદને સોશિયલ મીડિયા પર ફેન્સના દિલ જીતી લીધા છે, અને સાબિત કરી દીધું છે કે તેઓ માત્ર મેદાન પર જ નહીં, પણ વાસ્તવિક જીવનમાં પણ એક સાચા 'કેપ્ટન' છે.
(5:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
